કેન્દ્ર સરકાર સોલર પમ્પ માટે આપશે સબસિડી, હવે ઘંટીથી લઇને કોલ્ડ સ્ટોરેજ લગાવવામાં ફાયદો થશે
મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE) દ્વારા આ યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાં સોલર પમ્પથી ઘરઘંટી અને પ્રાણીઓને જે ચારો નાખવામાં આવે છે તે કાપવાનું મશીન પણ ચાલશે. સોલર પમ્પથી કોલ્ડ સ્ટોરેજ પણ ચલાવી શકાશે. એટલે કે હવે એક સોલર પમ્પથી ચાર કામ થશે. મંત્રાલય સોલર પમ્પની આ યોજના માટે આ વર્ષે માર્ચમાં સૂચના જાહેર કરી ચૂક્યું છે.
ખેડૂતોને આપવામાં આવતા સોલર પમ્પ માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. બાકીની રકમ માટે સરળ હપ્તાઓ પર બેંક પાસેથી લોન મળે એવી ગોઠવણ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી સોલર પમ્પ સ્થાપિત કરવા માટે ખેડૂતોને 70% સુધીની સબસિડી મળી રહી છે. સોલર પમ્પના માધ્યમથી પેદા થતી વીજળી ખેડૂત ગ્રીડ (વીજળીના તાર)ના માધ્યમથી વેચી પણ શકશે.
સોલર પમ્પથી કેવી રીતે ચાલશે ઘંટી?
આ કામ માટે MNRE યુનિવર્સલ સોલર પમ્પ કન્ટ્રોલર (USPC) લાવવા જઈ રહી છે. આ કન્ટ્રોલર દ્વારા સોલર પમ્પથી જ ચાર કામ કરી શકાશે. મંત્રાલયના અહેવાલ અનુસાર, USPC સોલર પમ્પમાં ઉપયોગમાં આવનાર સોલર પેનલ એ મોટર અને પમ્પનું હૃદય અને મગજ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, સોલર પમ્પ લગાવવામાં સરકાર અને ખેડૂતોને ઘણો ખર્ચ આવે છે. પરંતુ તેઓ વર્ષમાં વધુમાં વધુ 150 દિવસ જ સોલર પમ્પનો ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં વર્ષના બાકીના દિવસોમાં આ સોલર પમ્પ બેકાર પડી રહેશે. આ વાતને ધ્યાનમાં રાખીને MNRE સોલર પમ્પના માધ્યમથી ઘંટીથી લઇને કોલ્ડ સ્ટોરેજ ચલાવવાની યોજના લઇને આવ્યું છે.