આધુનિક સુવિધાઓથી સજ્જ રાજકોટનું ડિજિટલ વિલેજ – શિવરાજપુર

રાજકોટ જિલ્લાના જસદણથી 7 કિલોમીટરના અંતરે શિવરાજપુર ગામ આવેલું છે. દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ 100 ગામોને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાના બે ગામ શિવરાજપુર અને મંડલીકપુર ડિજિટલ વિલેજ જાહેર થયા છે. જેમાં શિવરાજપુર પહેલેથી જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. શિવરાજપુર ગામના 50 ટકા લોકો ડિજિટલ બન્યા છે. તેમજ 5 પીઓએસ મશીન એક વર્ષથી કાર્યરત છે.

ગામની વસ્તી સાડા આઠ હજાર, બે બેંક

ગામના સરપંચ મધુભાઇ રાદડિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, શિવરાજપુરને યોગ્ય રીતે સન્માન મળ્યું છે. ગામને આઇસીઆઇસીઆઇ બેંકે દત્તક લીધું છે. તેમજ રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક પણ કાર્યરત છે. ગામની વસ્તીનો નોંધપાત્ર હિસ્સો ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને પહેલેથી વેપાર-ઉદ્યોગ સંદર્ભે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવા ટેવાયેલા છે. શિવરાજપુરમાં 5 પીઓએસ મશીન પણ કાર્યરત છે. વસતીના 30 ટકા લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ટેવાયેલા છે. જો કે ગામમાં પણ નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યું હોય તેવું નથી.

શિવરાજપુર પહેલેથી જ આધુનિક

મધુભાઇ આગળ જણાવે છે કે, શિવરાજપુર ગામે સમય સાથે તાલ મિલાવવાની માનસિકતા કેળવી લીધી છે. ગામનો મુખ્ય વ્યવસાય ગણીએ તો ખેતી અને પશુપાલન છે. તેમજ ડાયમંડ અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. મોબાઈલ ફોનનો બહોળો ઉપયોગ છે. નાનકડાં ગામમાં પચરંગી વસતી છે અને બધા હળીમળીને રહે છેેે. ગામની અંદર બે મોબાઇલ ટાવર આવેલા છે. એક વર્ષથી લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરતાં થયા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરે છે અને પદ્ધતિ અન્ય લોકો પણ અપનાવી રહ્યા છે.

શિવરાજપુર ગામ ડિજિટલ બનતા આનંદ: ગ્રામજનો

શિવરાજપુર સહકારી દુધ ઉત્પાદક મંડળીના સુરેશભાઇ ઝાપડિયાએ જણાવ્યું હતું કે, અરૂણ જેટલીએ ડિજિટલ વિલેજમાં 100 ગામની જાહેરાત કરી તેમાં અમારા ગામનો પણ સમાવેશ થતા અમે ખુશી અનુભવીએ છીએ. અમે દુધ મંડળીનો વ્યવહાર કેશલેશથી જ કરીએ છીએ. તેમજ સુભાષભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, શિવરાજપુર ગામ છ અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલું છે. જેમાં સત્યજીતનગર, પટેલનગર, આંબેડકરનગર, શિવશક્તિનગર, ખોડિયારનગર અને ગાયત્રીનગરનો સમાવેશ થાય છે. અમારા ગામને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કરતા અમે ગ્રામવાસીઓ ખુશીની લાગણી અનુભવીએ છીએ.

ગામનો ઇતિહાસ

શિવરાજપુર ગામનો ઇતિહાસ જોઇએ તો 200 વર્ષ પહેલા માલધારી સમાજના ગમારા પરિવારે અને કોશી સમાજે ગામનું તોરણ બાંધી સ્થાપના કરી હતી. ગમારા પરિવારે ગામનું પહેલા નામ નાની અણીયારી રાખ્યું હતું. બાદમાં જસદણ સ્ટેટ આલા ખાચરના યુવરાજ શિવરાજકુમારના નામ પરથી શિવરાજપુર નામ પડ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો