ભારતની નેટબોલ ટીમમાં ગુજરાતની એકમાત્ર ખેલાડી શિવાની પટેલે સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું
એમએસયુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી મૂળ ભરૂચ જિલ્લાના ચાવજ ગામની શિવાની પટેલે ભારત નેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન જાપાનમાં યોજાનાર ઇન્ટરનેશનલ નેટબોલ ચેમ્પિયનશિપમાં તે ભારત ટીમ તરફથી રમશે. ફેડરેશન દ્વારા યોજવામાં આવેલ ઇન્ડિયા ટ્રાયલ કેમ્પમાં શિવાની પટેલ એકમાત્ર ખેલાડી છે જેણે ગુજરાત રાજ્યમાંથી ભારત નેટબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બાસ્કેટબોલ સાથે નેટબોલ રમવાનું શરૂ કર્યું:
છેલ્લા ઘણા સમયથી તે વડોદરામાં અભ્યાસ સાથે નેટબોલની રમત રમે છે. શિવાની ધો.6માં અભ્યાસ કરતી હતી ત્યારથી તેને બાસ્કેટબોલમાં રુચિ હતી. તેણે સ્કૂલ લેવલથી બાસ્કેટબોલ સ્પર્ધાની શરૂઆત કરી જીલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, ખેલમહાકુંભમાં અને રાષ્ટ્રીય કક્ષાએ બાસ્કેટબોલ રમત રમવાનું અચિવમેન્ટ મેળવ્યું હતું. આગળ જતાં તેણે બાસ્કેટબોલ જેવી જ નેટબોલ રમતમાં પણ રસ દાખવી બાસ્કેટબોલ સાથે નેટબોલ રમવાનું શરૂ કર્યું હતું. જેમાં તેણે અંડર -14, અંડર -17,અંડર -19ની ગુજરાત નેટબોલ ટીમમાં સ્થાન મેળવી રાજ્ય લેવલની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં તેણે રાજ્યકક્ષાએ સિનિયર જુનિયર કેટેગરી અને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ટીમને રિપ્રેઝન્ટ કરી હતી.
રાજ્યમાંથી એકમાત્ર ખેલાડી:
એપ્રિલ 2019માં ફેડરેશન દ્વારા યોજવામાં આવેલ ઇન્ડિયા ટ્રાયલ કેમ્પમાં શિવાનીએ ભાગ લઇ સીલેકશન મેળવી ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર ખેલાડી તરીકે ભારતની નેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. જેમાં આવનારા સમયમાં 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન જાપાનમાં યોજાનાર ઇન્ટરનેશનલ નેટબોલ ચેમ્પિયનશિપમાં ભારત ટીમ તરફથી રમત રમશે તેમજ ગુજરાતને અને ભારતને આંતરાષ્ટ્રીય સ્તરે રિપ્રેશન્ટ કરશે.