બી.કોમ. શિતલબેન પટેલનું કિચન ગાર્ડનિંગઃ ઘેરબેઠા મહિને કમાય છે ૨૦ હજાર
નવસારીના નવાગામના શિક્ષિત શીતલબેન પટેલએ કિચન ગાર્ડન વડે વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડીને ઘરકામ, બાળકોના શિક્ષણ સાથે શાકભાજી વેચાણ કરીને આવક મેળવવવામાં સહેજ પણ નાનમ અનુભવતા નથી. કારણ કે તેઓ શિક્ષિત છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ખેતીનો શોખ અને રસ હોવાના કારણે ઝંપલાવ્યું અને તેના પરિણામ અને પરિમાણ આપ જોઇ શકો છો. મહિને ૧૫ થી ૨૦ હજાર રૂપિયા કમાઇ લે છે.
શિતલબેન કહે છે કે, બાગાયતી પાકો જેમ કે, આંબા-ચીકુ, સ્પાઈડર લીલી તથા શાકભાજી ની ખેતી કરીએ છીએ. આ સાથે વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવીએ છીએ. પહેલેથી જ મને ઘર આંગણે શાકભાજી ઉગાડવાનો શોખ છે. ઘરની પાછળ તથા આજુ-બાજુ ખુલ્લી જગ્યા હોવાથી ઘર પૂરતા તાજાં શાકભાજી ઘરે જ ઉગાડતા હતા. ત્રણ વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા પછી વૈજ્ઞાનિક ખેતી જ્ઞાન મળ્યું. આત્મા પ્રોજેક્ટના અધિકારી ડૉ. નીલમબેન પટેલે વ્યવસ્થિત લે-આઉટ મુજબ કિચન ગાર્ડન બનાવવાની સલાહ આપી.
ઘરની આજુ-બાજુ ની તમામ ખુલ્લી જગ્યાને ખેડ કરાવડાવી, સમતળ બનાવી, ઋતુ મુજબના શક્ય એટલાં દરેક શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના કિચન ગાર્ડન ના લે-આઉટ મુજબ પાળા બનાવી ડ્રીપ ની લાઈન મૂકી. હાલમાં દરેક જાતનાં શાકભાજી જેમ કે, ટામેટાં, રીંગણ, ભીંડા, ગુવાર, પાપડી, તુવેર, ચોળી, કોબીજ, ફ્લાવર, સરગવો તેમજ તમામ જાતની ભાજી જેમ કે પાલક, મેથી, ધાણા, અળવી, તાંદળજો પણ રોપીએ છીએ. કિચન ગાર્ડન ની ફરતે ફળઝાડ જેવાં કે આંબા-ચીકુ, નાળીયેરી, લીંબુ, ફણસ, કાળા જાંબુ, સફેદ જાંબુ અને વિવિધ વેલાવાળા શાકભાજી જેમ કે કારેલાં, ટીંડોળા, દૂધી, તુરિયા, કાકડી, ચીભડાં પણ વાવીએ છીએ. ઝાડનાં છાયડામાં અળવી, આદુ, હળદર, આંબા-હળદર વગેરે વાવતા હોવાનું શિતલબેને વધુમાં જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.ચંદનાણી, પ્રોજેક્ટ ડાયરેકટર એસ.કે.ઢીમ્મરના માર્ગદર્શન હેઠળ ડૉ.નિલમ પટેલે કિચન ગાર્ડન બનાવવા શીતલબેનને પ્રોત્સાહન સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શીતલબેન શાકભાજી ઉગાડવા માટે ફકત વર્મી કમ્પોસ્ટનો કચરો, જે ખાતર ચાળ્યા બાદ વધે છે, તેનો ઉપયોગ કરે છે. દવાની કોઈક વાર જરૂર પડે તો લીમડાનું તેલ અને પાકની સારી ગુણવત્તા માટે ગૌમુત્રનો છંટકાવ પણ કરે છે. કેમિકલ યુકત દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. તેઓ કહે છે કે, બને ત્યાં સુધી મારા બગીચામાં હું જાતેજ કામ કરું છું. તદુપરાંત ઘરના સભ્યો પણ મદદ કરે છે. જેથી ધીમે-ધીમે ખેતી ખર્ચ ઘટતો ગયો અને નફો વધતો ગયો. આ શાકભાજી ઘર વપરાશ ઉપરાંત ગામમાં વેચી દઈએ છીએ. રોજનાં રૂ. ૫૦૦/- થી ૭૦૦/- નાં શાકભાજી ગામમાં જ વેચાય જાય છે.
શિતલબેને જણાવ્યું હતું કે, હું મારી દીકરી ને સ્કુલે મુકવા રોજ નવસારી સિટીમાં જવાનું થતું હોય, ત્યાં સોસાયટીમાં પણ વધારાનાં શાકભાજી વેચાય જાય છે. અમુક સમયે વધારાનાં શાકભાજી માર્કેટમાં પણ નાંખવા પડે. શાકભાજીનું બિયારણ અને ધરુ જાતે જ બનાવે છે. એક શાકભાજીની સીઝન પૂરી થાય એટલે બીજા શાકભાજીનું ધરુ તૈયાર રાખું છું, અને એજ પાળા ઉપર બીજું શાકભાજી વાવી દઈએ છીએ, જેથી યોગ્ય સમયે જે તે શાકભાજી લઇ શકાય અને ધરુ ઉગવા માટેનો સમય પણ બચાવી શકાય. આત્મા પ્રોજેક્ટ નવસારી તરફથી અમારે ત્યાં તાલીમો ગોઠવવામાં આવી.
તાલીમમાં આવનાર ખેડૂતોને આ નવા વિષય ઉપર ખૂબ જ રસ પડયો. એમને સૌ પ્રથમ વાર જાણવા મળ્યું કે વ્યવસ્થિત કિચન ગાર્ડનથી ઘરબેઠાં કમાણી થઇ શકે છે. મને મારા બગીચામાં જાતે કામ કરવું ગમે છે. વધુ કામ હોય ત્યારે મજુર પણ કરવા પડે. ઘરે ડ્રીપ ની લાઈન ઉપલબ્ધ હોય, ટપક પધ્ધતિથી પિયત આપું છું. વધુ ગરમીમાં બે પાળા વચ્ચે ડાંગરની પરાળથી મલ્ચીંગ પણ કરું છું.ખાસ કરીને લોકોને શુધ્ધ, તાજાં, ઓર્ગેનિક શાકભાજી પુરા પાડવાનો મને આત્મ સંતોષ છે. એમ નીલમબેન ભારપુવર્ક જણાવે છે.