સુરતના વરાછામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કરૂણાંતિકા રોકવા મહેશભાઇ સવાણીના સંગઠન નીચે સેવા બ્રિગેડની રચના
સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી ભીષણ આગમાં 22 જીવ હોમાઈ ગયા હતાં. આ દુર્ઘટનાના દેશ વિદેશમાં ભારે પ્રત્યાઘાતો પડ્યાં છે. ત્યારે ફરી આવી હોનારત ન સર્જાય અને રાહત બચાવ કામગીરીની સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે તક્ષશિલાની બાજુમાં આવેલા મિતુલ ફાર્મ ખાતે સેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. સેવા સંગઠનની પહેલી જ મિટીંગમાં વરાછા કતારગામ સહિતની સામાજિક સંસ્થા અને સંગઠનોના 300થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. જેમણે સેવા સંગઠનને મજબૂત બનાવવાની સાથે સામાજિક અને જન જાનગૃતિની સાથે વિવિધ મુદ્દે કામ કરવાની ખાતરી આપી હતી.
ડિઝાસ્ટરની ટીમ બનાવાશે
દુર્ઘટનાઓ વખતે તંત્ર મોડું પડ્યાની ફરિયાદોથી વ્યથિત સંગઠન દ્વારા અલગાદી ટીમ બનાવવામાં આવશે. જે તંત્રની સાથે કામગીરી તો કરશે. પરંતુ પોતાની રીતે પણ રાહત અને બચાવ કામગીરી કરશે. વરાછા વિસ્તારનું આ સંગઠન સમગ્ર સુરતની સાથે જરૂર જણાશે ત્યાં પણ પહોંચીને લોકોના જીવ બચાવવાનું કામ કરે તે પ્રકારની ટીમની સંરચના કરવાનો ધ્યેય સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વોટસગ્રુપમાંથી સંગઠનનો વિચાર સ્ફૂર્યો
સુરત અપડેટ નામના વોટસએપ ગ્રુપમાં જોડાયેલા વિચારકો અને લાગણીશીલ લોકોએ તક્ષશિલાની દુર્ઘટના બાદ બેસી રહેવાની જગ્યાએ સમાજ માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. જેમાં પી.પી. સવાણી ગ્રુપના મહેશ સવાણી દ્વારા એક સંગઠન બનાવવાની હાંકલ કરવામાં આવી હતી. જેને ગ્રુપના સભ્યોથી લઈને અન્ય તમામ લોકોએ સહકાર આપીને નવા સંગઠનની રચના અંગે સહકાર આપ્યો હતો.મિતુલ ફાર્મમાં મળેલી પહેલી જ મિટીંગમાં વકીલ, તબીબો, આરટીઆઈ એક્ટિવિસ્ટોથી લઈને સામાજિક અગ્રણીઓ અને સંસ્થાના યુવાનો દ્વારા નવી પહેલમાં ખંભેથી ખંભા ભેગા કરીને કામ કરવાની ખાતરી આપી હતી.
સેવા સંગઠન પ્રેરણાદાયી બનશેઃ મહેશ સવાણી
મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, સેવા સંગઠન દ્વારા તમામ જીવને ઉગારવાનું કામ કરવામાં આવશે. સેવા સંગઠન દ્વારા ટ્રાફિકથી લઈને દુર્ઘટનાઓ બનતી રોકવી, દુર્ઘટનાઓ વખતે લોકોના જીવ બચાવવાથી લઈને જન જાગૃતિના કામ કરવામાં આવશે. સાથે અશિક્ષિત લોકોને પોતાના હક મળી રહે તે પ્રકારના સામાજિક અને લોકસેવાના કામો સેવા સંગઠન દ્વારા કરવામાં આવશે. જે દેશભર માટે પ્રેરણાદાયી આગામી સમયમાં બની રહેશે.
આજે સતાવાર રીતે સંગઠનની જાહેરાત
સેવા સંગઠનની પહેલી મિટીંગમાં લોકોના મળેલા પ્રોત્સહાનને લઈને આજે સંસ્થાની સત્તાવાર પ્રથમ મિટીંગ મળવા જઈ રહી છે. મિતુલ ફાર્મ ખાતે રાત્રે નવ વાગ્યે મળનારી મિટીંગમાં અંદાજે હજારો લોકો એકઠા થઈને સેવાની શરૂઆત કરશે.