સુરતમાં સવાણી પરિવારના સંકલ્પઃ વરઘોડો ન કાઢનારને 25 હજારનો ચાંદલો
સૌરાષ્ટ્રથી સુરતમાં વસવાટ કરતાં લોકોના ગામ, સરનેમ, તાલુકા,જિલ્લાના સ્નેહમિલન યોજાતાં હોય છે. સ્નેહમિલનમાં હવે સ્ટુડન્ટથી લઈને સારા કાર્યો કરનારાને બિરદાવવામાં આવતાં હોય છે. સમયની સાથે સાથે સ્નેહમિલનમાં પણ લોકોને જાગૃત કરવાની સાથે અનેક નવી પહેલો પડતી જોવા મળી રહી છે. ત્યારે સવાણી પરિવારના યોજાયેલા 16માં સ્નેહમિલનમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ સ્નેહમિલનમાં જાહેરાત કરાઈ હતી કે, જે વરઘોડો નહીં કાઢે તેમને પરિવાર દ્વારા 25 હજારનો ચાંદલો આપવામાં આવશે. અને કાઢશે તેને દંડ. સાથે સાથે અન્ય કુરિવાજો દૂર કરવા પણ સંકલ્પ લેવાડાવવામાં આવ્યાં હતાં.
દીકરી જન્મ પર બોન્ડ આપવાની પરંપરા
સવાણી પરિવારમાં છેલ્લા બે વર્ષથી દીકરીના જન્મ પર બોન્ડ આપવાની પરંપરા ચાલી રહી છે. ત્યારે 16માં સ્નેહમિલનમાં વધુ એક વર્ષ આ બોન્ડ સ્કિમ આપવાની જાહેરાત કરાઈ હતી. જેમાં સવાણી પરિવારમાં જન્મતી કે સવાણી પરિવારની દીકરી જ્યાં સાસરે હોય ત્યાં પણ દીકરીને જન્મ આપે તો તેને 2 લાખ 21 હજારનો બોન્ડ આપવામાં આવશે. આ બોન્ડ જન્મેલી દીકરી 21 વર્ષની થાય ત્યારે પાકતી મુદ્તે પ્રાપ્ત થશે.
દાનમાં આવેલા રૂપિયાના વ્યાજમાંથી જ સહાય
સવાણી પરિવાર દ્વારા 11 લાખ રૂપિયા આપીને કાયમી દાતા બનાવાયા છે. જેમાં 65જેટલા કાયમી દાતાઓ દ્વારા અપાયેલા રૂપિયાના વ્યાજમાંથી જ સહાય કરવામાં આવી રહી છે. આ રૂપિયામાંથી સવાણી પરિવારની દીકરી કે વહુને વિધવા સહાય આ વર્ષે 6.50 લાખ અપાઈ હતી. સાથે જ મેડિકલ સહાય, વિધવા સહાય, વિધવા દીકરી સહાય, ઈનામ વિતરણ તેમજ નિઃ સહાય દાદા દાદીઓને આજીવીકા પુરી પાડવી જેવી અનેક જાહેરાત કરવામાં આવી હતી.
નવ હજાર પરિવારનું સંગઠન
સુરત અને રાજ્યમાં વસતા નવ હજાર જેટલા સવાણીપરિવારનું સંગઠન બનાવી છેલ્લા 16 વર્ષથી સ્નેહમિલન યોજવામાં આવે છે. ગત છઠ્ઠી મેના રોજ ડાયરો, રક્તદાન કેમ્પપ્રમુખ ઈશ્વરભાઈ સવાણી, ઉપપ્રમુખ ધનજીભાઈ સવાણી તેમજ શંભુભાઈ, હરેશભાઈ, તુલસીભાઈ, કાંતિભાઈ સવાણીના નેજા હેઠળ યોજાયેલા સ્નેહમિલનમાં સમાજમાં ચાલતાં કુરિવાજો જેવા કે, વરઘોડા,મામેરૂં, ફુલેકું બંધ રાખવા તથા શ્રીમંતિવિધી,લાડવા ટુંકમાં કરવાના સંકલ્પો લેવડાવવામાં આવ્યાં હતાં.