સૌરાષ્ટ્રમાં ગરીબ અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ, ખેડૂત પુત્રે મેળવ્યા 99.19 પીઆર

આજે ધો.12 સાયન્સનું પરિણામ આવ્યું છે ત્યારે ગરીન અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. જેમાં ખેડૂત પુત્રને 99.19 પીઆર, ટ્રકચાલકના પુત્રને 99.67 પીઆર અને સલૂનની દુકાન ધરાવનારના પુત્રને 99.51 પીઆર અને સ્કૂલમાં ચોકીદાર તરીકે નોકરી કરનારના પુત્રને 99.22 પીઆર આવ્યા છે.

6 વીઘા જમીનમાં મહેનત કરી પુત્રને ભણાવ્યો

જસદણના બજરંગનગર વિસ્તારમાં રહેતા ધનજીભાઇ દેવરાજભાઇ હિરપરાના પુત્ર જયદીપે બી ગ્રુપમાં 99.19 પીઆર મેળવ્યા છે. માત્ર 6 વીઘા જમીન પર પરિવારનું ગુજરાન ચલાવતા ધનજીભાઇએ પોતાના પુત્રને ભણાવ્યો અને આજે પુત્રના પરિણામને જોઇ પરિવારમાં ખુશી વ્યાપી ગઇ છે. જયદીપને આગળ ડોક્ટર બનવાનું સપનું છે.

7થી 8 કલાક મહેનત કરતો

જયદીપે જણાવ્યું હતું કે, હું રોજની 7થી 8 કલાક મહેનત કરતો હતો. મારે પહેલેથી જ ડોક્ટર બનવાનું સપનું છે તેમજ પપ્પા પણ મને ડોક્ટર બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. 12 સાયન્સના પરિણામથી મારા પરિવારમાં ખુશી વ્યાપી ગઇ છે. હું આસ્થા સ્કૂલમાં અભ્યાસ કરૂ છું. મારા પપ્પાનું સપનું છે કે હું ડોક્ટર બનું અને તે હું અવશ્ય પૂરુ કરીશ.

રાજકોટમાં ચોકીદારના પુત્રને 99.22 પીઆર

મારા પિતા રાજકોટમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે, વીંછિયામાં હું મારા કાકા સાથે રહેતો હતો અને ધોરણ 10મા 98.64 પીઆર મેળવતા ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ પરિવાર સાથે આવી ગયો હતો. આજે પણ મારી પાસે મોબાઇલ નથી, રેફરન્સ તથા ટેક્સબુક પર જ પૂરી તૈયારી કરી હતી. કમ્પ્યૂટર એન્જિનિયર બની મલ્ટિ નેશનલ કંપનીમાં મોટું સ્થાન મેળવવાનું લક્ષ્ય છે. ધોરણ 12મા પણ 99.22.પીઆર આવ્યા.

રાણાવાવમાં ટ્રકચાલકના પુત્રને 99.67 પીઆર

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં રહેતા દેવરાગભાઇ મોકરીયા ખેતી અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેના પુત્ર જયદીપે 12 સાયન્સમાં 99.67 પીઆર મેળવ્યા છે. પિતા દેવરાગભાઇએ જણાવ્યું હતું કે, મારા પુત્રને એન્જિનિયર બનવું છે. હું પોતે ટ્રક ચલાવું છું અને એકનો એક પુત્ર છે. રોજ 6 કલાક જેટલું વાચન કરતો હતો તેની મહેનતનું આ પરિણામ છે. જયદીપે જણાવ્યું હતું કે, મારા પિતા મજૂરી કરતા જોઇને મારે તેને મજૂરીમાંથી છોડાવવા છે અને આરામ કરાવવો છે. મારે એન્જિનિયર બનવું છે.

રાજકોટમાં સલૂનની દુકાન ધરાવનારના પુત્રને 99.51 પીઆર

રાજકોટમાં રહેતા અને સલૂનની દુકાન ધરાવતા મનસુખભાઇ ઉમટના પુત્ર અશોકે 99.51 પીઆર મેળવ્યા છે. તે સ્કૂલ ઓખ સાયન્સમાં અભ્યાસ કરે છે. પુત્રના પરિણામને લઇને પિતા ખુશ છે. અશોક રોજની 6થી 7 કલાક મહેનત કરતો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો