સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજે લોકોને નવી રાહ ચીંધી: લગ્નમાં થતા ખોટા ખર્ચ બંધ કરવા ચલાવ્યું અભિયાન
ઘણા લોકો દેખાદેખીના કારણે કે પછી પોતાનો વટ બતાવવા માટે દીકરાના કે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજે લોકોને એક નવી રાહ ચીંધી છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજે ખર્ચાળ અને ભભકાદાર લગ્નને તિલાંજલી આપીને સમાજના લોકોને સાદાઈથી લગ્ન કરવાની અપીલ કરી છે. લગ્નમાં ન તો કોઈ બેન્ડબાજા, ન તો DJ અને ફટાકડાનો પણ ખર્ચ ન કરવા માટે અપીલ કરી છે. લગ્ન સમારોહમાં થતા ખોટા ખર્ચથી બચવા માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા બચાવ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજનાનો પ્રારંભ વર અને કન્યા પક્ષના લોકો લગ્નમાં થતા ખોટા ખર્ચને બંધ કરીને તે રકમનો ઉપાયોગ અભ્યાસ અથવાતો પોતાના ઉત્કર્ષ માટે થાય તેવા હેતુથી કરવામાં આવ્યો છે.
તો સુરતમાં આ યોજનાનો પ્રારંભ મૌલિક અને નિધિએ કર્યો છે. મૌલિક અને નિધિએ તેના લગ્ન સાદાઈથી યોજીને લગ્નમાં થતા 15 લાખ રૂપિયાની બચત કરી છે. આ નવ દંપતીએ નક્કી કર્યું છે કે, તેઓ આ રકમનો ઉપયોગ તેમના અભ્યાસ માટે કરશે. મૌલિક હાલ ન્યુક્લિયર સાયન્સનો અભ્યાસ કરે છે અને નિધિ ડોક્ટર છે. આગામી સમયમાં બંને આ બચતની રકમની મદદથી વિદેશમાં અભ્યાસ કરવા માટે જશે. બંનેએ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જ ફેરા ફરીને આર્યસમાજ પદ્ધતિથી લગ્ન કર્યા હતા.
આ બાબતે ડૉક્ટર નિધિ સુદાણીએ જણાવ્યું હતું કે, અમારા બંનેને પરિવારમાં અમે અભ્યાસને ખાસ મહત્ત્વ આપીએ છીએ. આ વસ્તુ અમે આગળ વધારવા માગતા હતા. અમારા વડીલો પણ આજ શીખવાડવા માગતા હતા. અમે આજની પેઢીને એજ મેસેજ આપવા માગીએ છીએ કે લગ્ન સાદાઈથી પણ થઇ શકે છે.
મૌલિકે જણાવ્યું હતું કે, સાદાઈથી લગ્નના કારણે જે લગ્નમાં ખર્ચ થાય છે તેનો વિશેષ ઉપયોગ ભવિષ્યના ભણતર માટે થઇ શકે છે. આ વીચાર એક પરિવાર જ નહીં પણ સમાજની જે ભાવી જનરેશન છે તેના માટે પણ સુખરૂપ નીવડે તેમ છે. અમને જ આજ વિચાર આવ્યો છે. એટલા માટે અમે સાદાઈથી લગ્ન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઘણી વખત એવું બનતું હોય છે કે, લોકો સંભળાવશે અને લોકો શું વિચારશે તેવા વિચારોના કારણે પરિવારના લોકો ધામધૂમથી લગ્ન કરવા માટે બેંકમાંથી લોન લઇને બોજો કરતા હોય છે અને દેવાનો ડુંગર માત્ર લગ્ન માટે જ કરતા હોય છે. ત્યારબાદ પરિવારના સભ્યો આ દેવું ભરવા માટે મુશ્કેલીના સમયમાંથી પસાર થતા હોય છે. તો કેટલીક વખત દેવું ન ભરપાઈ થતા યુવક કે પરિવારના સભ્યએ આપઘાત કર્યો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સાદાઈથી લગ્ન કરવામાં આવે તો આ મુશ્કેલીથી બચી શકીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..