આ પટેલ યુવાન KBCમાં જીત્યો 25 લાખ રૂપિયા, એક સમયે નહોતા ટ્યૂશનના પૈસા

અમિતાભ બચ્ચનના રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં બુધવારે ગુજરાતી સંદિપ સાવલિયા હૉટ સીટ પર જોવા મળ્યો હતો. તેણે 25 લાખ રૂપિયા જીતી ગેમ શો છોડ્યો હતો. સંદિપ ગ્રાફિક ડિઝાઈનર બનવા માગતો હતો પરંતુ તેના પિતા ઈચ્છતા હતા કે તે હિરા ઘસવાનાના વ્યવસાય સાથે જોડાયેલો રહે. જોકે તેણે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા હારી માની નહીં. તેણે ઘણી સારી રીતે સવાલોના જવાબ આપી 25 લાખ રૂપિયા જીત્યા હતા. આ સમયે તેણે તમામ લાઈફ લાઈનનો ઉપયોગ કરી લીધો હતો. તેને 50 લાખ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, ચિત્રસેન અને વૃષસેનના પિતાનું નામ શું હતું. તેનો સાચો જવાબ કર્ણ હતું. જોકે સંદિપને સાચા જવાબની ખબર નહોતી. તેથી તેણે રમત છોડવાનો નિર્ણય કર્યો હતો.

એક સમયે ટ્યૂશન ફી માટે 30 રૂપિયા નહોતા

– સંદિપે પોતાની લાઈફ સ્ટોરી જણાવતા કહ્યું હતું કે, એક સમયે તેની પાસે ટ્યૂશનની ફી માટે 30 રૂપિયા પણ નહોતા. સંદીપનો ઉછેર ગુજરાતના કાલસારીમાં (જૂનાગઢ) થયો હતો.

– તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. ગામના અમુક લોકોએ પૈસા ભેગા કરી તેને ભણાવ્યો હતો.

– ઘણીવાર હૉટ સીટ પર અમુક વિચિત્ર લોકો પણ જોવા મળે છે જેમની વાતો બિગ બી સહિત તમામ લોકોને ચોંકાવે છે. સંદિપે પણ પોતે શાકભાજી ન ખાતો હોવાની વાતથી સૌને ચોંકાવ્યા હતા.

– સંદિપે જણાવ્યું કે, તે માત્ર દહીં અને ચણાનો લોટમાંથી બનેલી વસ્તુઓ જ ખાય છે.

– આ સમયે અમિતાભ બચ્ચને પોતાના પરિવારનું સિક્રેટ જણાવતા કહ્યું કે, અભિષેક બચ્ચને ક્યારેય કોઈપણ ફળ ખાધુ નથી.

– સંદિપની પત્ની અનુરાધા એક પ્લે સ્કૂલ ચલાવે છે. કેબીસીમાં આવવા સમયે જ તેની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો હતો.

20 વખત ભોગવ્યું છે 7 કરોડનું નુકસાન

– સંદિપે શોમાં અમિતાભ સામે પોતાના જીવનના સંઘર્ષની એવી કહાણી જણાવી હતી કે અમિતાભ પણ ચોંક્યા હતા.

– સંદિપે જણાવ્યું હતું કે, તેણે જીવનમાં 20 વખત 7 કરોડનું નુકસાન ભોગવ્યું છે. અમિતાભ બચ્ચને જ્યારે આ ઘટના અંગે દુઃખી ચેહરા સાથે પ્રશ્ન કર્યો તો કારણ જાણતા જ સેટ પર તમામ લોકો હસવા લાગ્યા હતા.

– વાસ્તવમાં 7 કરોડના નુકસાન પાછળનું કારણ એ હતું કે, સંદિપને સપનામાં 20 વાર અમિતાભ બચ્ચને 7 કરોડ રૂપિયાનો ચેક આપતા જોવા મળ્યા. પરંતુ સંદિપ પોતાનો ચેક લે તે પહેલા જ તેને કોઈને કોઈ ઉઠાડી દેતું હતું.

– સંદિપનું આટલું કહેવું જ હતુંને બિગ બી પણ ખડખડાટ હસવા લાગ્યા હતા. પછી બિગ બીએ સંદિપને શુભકામનાઓ આપી અને રમવાનું શરૂ કર્યો છે.

સંદીપ સાવલિયાની જિંદગીની કહાની જરા દુઃખદ છે !

ખેડૂતપુત્ર સંદીપ મૂળે કલાનો જીવ એટલે વલ્લભ વિદ્યાનગરમાં સીવીએમ સંચાલિત ઈપ્કોવાળા -સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં અભ્યાસ માટે આવ્યો.બે વર્ષના ‘આર્ટસ ટીચર ડિપ્લોમા’ ના કોર્ષમાં પ્રવેશ મેળવ્યો. અભ્યાસમાં હોંશિયાર પરંતુ કોલેજના શિક્ષકોની કથિત હુંસાતુંસી અને રાજકારણનો ભોગ બન્યો એટલે બીજા વર્ષે ઇન્ટરનલ પરીક્ષામાં ફેલ કરવામાં આવ્યો ! વિધિની વક્રતા જુઓ : જે છોકરો ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ કરાય છે તે જ છોકરો તે જ વર્ષે લેવાયેલી યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષામાં કોલેજમાં ફર્સ્ટ આવેલા વિદ્યાર્થી કરતા પણ વધુ માર્કસ મેળવે છે.

આ બાબત જ તો દુઃખદ છે આપણા શૈક્ષણિક તંત્રની ! ઈન્ટર્નલમાં ફેલ થયેલા સંદીપનું વર્ષ બગડે છે. એટલા માટે કે તે કથિતરૂપે કોલેજના અધ્યાપકોના રાજકારણનો ભોગ બને છે. સંદીપ તેજસ્વી હતો જ તેની સાબિતી ભલે વર્ષો પછી મળે, પરંતુ તેનું એક વર્ષ બગાડ્યું તેનું શું ? આખરે જે અભ્યાસક્રમ બે વર્ષમાં પૂર્ણ થતો હતો તેમાં તેના ત્રણ વર્ષ થયા અને તે 2011માં ઉતીર્ણ થાય છે !

આ કાર્યક્રમ પછી ઘણા લોકો ‘કેબીસી’માં વિજેતા થનારા આ સંદીપ સાવલિયાના સફળતાનાં સાથીઓ બનવા દોડી આવશે। વલ્લભ વિદ્યાનગરની કોલેજોની અને ત્યાંના હરખપદુડા અધ્યાપકોની તો એ જૂની માનસિકતા અને પરંપરા રહી છે કે, તેમનું કોઈ ‘યોગદાન’ ન હોવા છતાં તેમના ‘બોસિસ’ના વહાલાં થવા અને મફતની ક્રેડિટ ખાટવા નિયામક-ચેરમેનોની કચેરીએ ઉબલબ્ધી પ્રાપ્ત વિદ્યાર્થીઓના ફોટા પડાવવા અને તેને સ્થાનિક અખબારોમાં છપાવવા તેઓ રીતસરની દોડાદોડી કરી મુકતા હોય છે !

સંદીપની આ પીડાને જાણતા અને તેની મહેનતના સાક્ષી બનેલા તેના એક મિત્ર જણાવ્યું હતું કે, ‘સંદીપ આર્થિક દૃષ્ટિએ સંઘર્ષ કરતા કુટુંબનો દીકરો છે. તેણે 2011માં અભ્યાસ પૂરો કર્યો અને અત્યારે ગ્રાફિક ડિઝાઈનર તરીકે સુરતની એક આઇટી કંપનીમાં કામ કરે છે”

‘સંદીપ 2012થી કેબીસી માટે ટ્રાય કરતો હતો. તે લગભગ દરરોજ એસએમએસ કરતો હતો. હવે ઓનલાઇન એન્ટ્રીથી વિકલ્પ આવ્યો ત્યારે તેને તે માટે પણ સતત પ્રયાસ કર્યા અને આખરે તેનો નંબર લાગી ગયો”, તેવું તેના આ મિત્ર ઉમેરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંદીપ તેની પત્ની અને 10 દિવસના પુત્ર સાથે સુરતમાં રહે છે, જયારે તેના પિતાજી સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો