ભારતના મિશન ચંદ્રયાન- 2ને લીડ કરનાર રોકેટ વુમન સાયન્ટિસ્ટ રિતુ કારીધાલ
2012ના અંતિમ મહિનાઓમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વિજ્ઞાનીઓની ટીમ એક મહત્વપૂર્ણ મિશન પર કામ પૂરું કરીને ફ્રી જ થઈ હતી કે તેમને મંગળયાન મિશનની જવાબદારી મળી ગઈ. રિતુ કારીધાલને મંગળયાનના બ્રેનના કોડિંગની જવાબદારી સોંપાઈ. મિશનનાં ડેપ્યુટી ડિરેક્ટર રિતુ માટે તે 10 મહિના કોઈ યુદ્ધથી ઓછાં નહોતાં. તે સાંજે ઘરે જતાં, બાળકોને હોમવર્ક કરાવતાં, અને દિવસનો બાકીનો સમય કામ પૂરું કર્યા પછી રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ઘરે જ કામ કરતાં. 5 નવેમ્બર 2013ના ઈસરોએ મંગળયાન અવકાશમાં મોકલ્યું. હાલ રિતુએ ચંદ્રયાન 2 મિશન પર કામ પૂરું કર્યું છે. ભારતમાં તેઓ ‘રોકેટ વુમન’ તરીકે ઓળખાય છે.
10 મહિનાની મહેનત
રિતુ કારીધાલે પોતાની ટીમ સાથે મળીને માત્ર 10 મહિનામાં જ મંગળયાન સફળતા સાથે અવકાશમાં મોકલી દીધું. મંગળયાનની સફળતા પછી રિતુ લાઈમલાઈટમાં આવી ગયાં. તેમને ટેડ ટોકમાં સ્પીકર તરીકે બોલાવાયાં અને કોલેજમાં લેક્ચર આપવા માટે પણ દરખાસ્ત મળવા લાગી.
કામની સાથે પરિવાર પણ સંભાળ્યો
રિતુ કહે છે કે, મંગળયાન તેમના જીવનનું સૌથી યાદગાર મિશન અને તે સમય સંઘર્ષ ભરેલો, પરંતુ અવિસ્મરણીય રહ્યો. સામાન્ય ગૃહિણીની જેમ જ રિતુ પરિવારના સભ્યો સાથે સમય પસાર કરે છે. બાળકોના લંચ બનાવવા, તેમની સાથે મસ્તી કરવી તેમના જીવનનો જ એક ભાગ છે. રિતુ કહે છે, મહિલા હોવાના કારણે વર્ક-લાઈફ બેલેન્સ કરવામાં તેમને તકલીફ નથી પડતી. તેમની પ્રાથમિકતા તેમનું કામ પણ છે, તો પરિવાર પણ છે.
બાળપણનું સપનું હતું
લખનઉમાં ઉછેરેલાં રિતુના પિતા ડિફેન્સ સેક્ટરમાં કામ કરતા હતા. તેમના મધ્યમવર્ગીય પરિવારમાં માતા-પિતાએ હંમેશાં અભ્યાસ પર ભાર મૂક્યો. રિતુ રાતે છત પર જઈને ચંદ્ર-તારા અને અવકાશની દુનિયા અંગે કલ્પના કરતા. તેમણે બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે, પોતાનું ભવિષ્ય આ જ ક્ષેત્રમાં બનાવશે. તેમણે બાળપણથી જ ઈસરો અંગે માહિતી એકત્ર કરવાની શરૂ કરી દીધી હતી. અખબારમાં અવકાશ સંબંધિત કોઈ સમાચાર અથવા આર્ટિકલ પ્રકાશિત થાય તો તેને કાપીને રાખી લેતાં. ટીવી-રેડિયો પર પણ ઈસરો અથવા અવકાશ સંબંધિત કોઈ પણ સમાચાર ધ્યાનથી સાંભળતાં.
ડો. એ.પી.જે. અબ્દુલ કલામે સન્માનિત કર્યા
લખનઉ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં એમ.એમસી. કર્યા પછી તેમણે ગેટ (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂટ ટેસ્ટ એન્જિનિયરિંગ) પરીક્ષા પાસ કરી.રિતુકહે છે પરિવારમાં કોચિંગ કરવાની તરફેણમાં કોઈ નહોતું. પરિવારની આર્થિક સ્થિતિ પણ તેની મંજૂરી આપતી નહોતી. તેથી પોતે જ અભ્યાસ કર્યો અને મોટિવેટેડ થતાં રહ્યાં. ગેટ ક્લિયર કર્યા પછી તેમણે એમ.ટેક. કરવા માટે આઈઆઈએસસી બેંગ્લુરુમાં પ્રવેશ મેળવ્યો. પછી 1997માં ઈસરોમાં નોકરી શરૂ કરી. 2007માં તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન ડો. એ.પી.જે. અબ્દુલ કલામે ઈસરો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.