સંચાલકો રૂ. ૨૦૦૦ માં મળતાં ફાયર સેફ્ટીનાં સાધનો પણ વસાવતા નથી, રાજકોટનાં ૫ ક્લાસીસમાં મનપા એ માર્યા તાળાં

સુરતમાં 19 વિદ્યાર્થીઓનાં મોત બાદ રાજકોટ મહાનગરપાલિકા ફફડી ગયું છે અને ચેકિંગ કરવા આદેશ કર્યો છે. ચેકિંગ દરમિયાન પાંચ ટ્યુશન કલાસીસ સીલ કરાયા છે. ફાયરની ટીમે સેલર, ટેરસ પર ચાલતા કલાસીસમાં ચેકિંગ કર્યું છે અને હવે રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરાશે. મનપા અત્યાર સુધી માત્ર નોટિસ આપીને સંતોષ વ્યકત કરતું હતું પરંતુ સુરતની ઘટના બાદ સફાળું જાગ્યું છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ શુક્રવાર સાંજથી શહેરના તમામ ટ્યુશન કલાસમાં ફાયર સેફટીનાં સાધનો છે કે કેમ તેની ચકાસણી કરવા ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાને આદેશ કર્યો છે, જેના પગલે ફાયરની ત્રણ ટીમોએ તાબડતોબ સાંજે ટ્યુશન કલાસિસની ચકાસણી શરૂ કરી દીધી હતી. ચેકિંગ દરમિયાન અમીન માર્ગ પર આવેલા ઇનોવેટિવ પ્લેહાઉસ, ચંદ્રેશનગરમાં બેકબોન કોમ્પલેક્સમાં આવેલા પ્રાર્થના કલાસિસ, પી.એન્ડ એમ. કલાસીસ, હિરિપિકાસ ટ્યુશન કલાસિસને તાળાં મારી દેવાયા છે.

મનપા માત્ર નોટિસો જ આપતી હતી: ફાયરના NOC-સેફ્ટીનાં સાધનો નહીં હોય ત્યા લગાવાશે સીલ.

કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ચાલતા ટયુશન કલાસિસ પૈકી જે ટ્યુશન કલાસમાં અગ્નિશમન (ફાયર સેફટી)નાં સાધનો વસાવવામાં આવ્યા ના હોય તે ચાલુ રાખી શકાશે નહીં અને હાલ તાત્કાલિક અસરથી આવા ટ્યુશન કલાસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી ફાયર સેફટીનાં સાધનો વસાવવામાં ના આવે ત્યાં સુધી ટ્યુશન કલાસ ચાલુ કરી નહીં શકાય.

સીલ નહી હોવાથી તાળાં માર્યાં

મનપાની ફાયરની ત્રણ ટીમ ચેકિંગમાં નીકળી હતી. પરંતુ આ ટીમ પાસે સીલ કરવાની સામગ્રી નહીં હોવાથી હાલ તાળાં મારી દેવામાં આવ્યા છે અને જ્યા સુધી સેફ્ટીના સાધનોની ખરીદી ન કરે ત્યા સુધી કલાસીસમાં રજા રાખવા સૂચના આપી છે.

રાજકોટમાં ક્લાસીસ કેટલા છે તેની નોંધ જ નથી

શહેરમાં શાળા કે કોલેજ શરૂ કરવી હોય તો તેની મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે પરંતુ કોઇ પણ વ્યક્તિને સ્પર્ધાત્મક, શાળા કોલેજના ટ્યુશન કલાસિસ કે પ્લેહાઉસ ચાલુ કરવા હોય તો કોઇ પણ પ્રકારની મંજૂરી લેવાની જરૂર નથી. તેથી કલાસિસના સંચાલકો કોઇપણ જગ્યા પર કલાસિસ ચાલુ કરે છે અને વિદ્યાર્થીઓના જીવ સાથે રમત કરે છે. રાજકોટ શહેરમાં 500થી વધુ કલાસિસ હોવાનો અંદાજ છે.

ચેકલિસ્ટ તમારા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી છે?

  • બિલ્ડિંગની સાઇઝ, વિસ્તાર અને માણસોની સંખ્યા મુજબ પોર્ટેબલ કે ફિક્સ ફાયર સિસ્ટમનું માર્ગદર્શન ફાયર વિભાગ પાસેથી લીધું છે?
  • સલામતી માટે બિલ્ડિંગનો રેગ્યુલર વીજ સપ્લાય બંધ કર્યા પછી ફાયર સેફ્ટી સિસ્ટમ, ફાયર લિફ્ટ માટે અલગ વીજ સપ્લાય છે?
  • આગની ઘટનામાં બિલ્ડિંગની અંદર, ઉપર તથા ભોંયરામાં ધુમાડો ભરાઈ ન રહે તે માટે નેચરલ અને મિકેનિકલ વેન્ટિલેશનની વ્યવસ્થા છે?
  • હાઇરાઇઝ-લોરાઇઝમાં કુલ સ્કેવર મીટર એરિયા પ્રમાણે જરૂરી સંખ્યામાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ ફીટ કરાવેલી છે?
  • બિલ્ડિંગનું ભોંયરું પાર્કિંગ સિવાયના અન્ય હેતુ માટે વપરાય છે, ધાબા પર કોઈ શેડ કે અન્ય બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું છે?
  • બિલ્ડિંગમાં ફાયર એક્સ્ટિંગ્યુશર, હોસરીલ, ઓટોમેટિક સ્પ્રિંકલર, ફાયર એલાર્મ, આગની જાણ કરતી સિસ્ટમ લગાવાઈ છે?
  • આગના સંજોગોમાં બિલ્ડિંગમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી છે? એ જ રીતે બિલ્ડિંગના ટેરેસ પર પણ પાણીની ટાંકી મૂકાઈ છે કે નહીં?
  • બિલ્ડિંગમાં ફાયરનાં સાધનોના ઉપયોગ અંગેની માહિતીના સાઇન બોર્ડ અંદરથી બહાર નીકળવાની જગ્યાએ મુકવામાં આવ્યા છે?
  • આગના સંજોગોમાં વીજળીનો સપ્લાય ક્યાંથી અને કેવી રીતે બંધ કરવો તેની સ્પષ્ટ માહિતી બિલ્ડિંગમાં મૂકવામાં આવી છે ખરી?
  • બચાવ કામગીરી માટે ફાયર સેફ્ટીના સાધનો બિલ્ડિંગના એન્ટ્રન્સ ગેટથી માડીને બિલ્ડિંગની ફરતે જઈ શકે તે રીતે જગ્યા છોડાઈ છે?

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો