સુરત: આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ આવ્યું છે ત્યારે નિકળી તેમની અંતિમયાત્રા
સુરતના અગ્નિકાંડમાં23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાના 5 વિદ્યાર્થીઓએ ચાલુવર્ષે 12માં ધોરણ( સાયન્સના બે અને કોમર્સના ત્રણ)ની પરીક્ષા આપી હતી. આ પાંચ મૃતક વિદ્યાર્થીઓમાંથી 3નું 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે. પરંતુ કમનસીબે તેઓ તેમનું જ પરિણામ જોવા માટે જીવિત રહ્યા નથી. એક તરફ આજે પરિણામ જાહેર થયું હતું, તો બીજી તરફ આ જ સમયે આ વિદ્યાર્થીઓ અંતિમ સફરે નીકળ્યા હતા.
દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ
સુરાણી હસ્તી હિતેષભાઇ – ધોરણ 12 કોમર્સમાં 69.39 ટકા મેળવ્યા
કેવડિયા યશવી દિનેશભાઇ – ધોરણ 12 કોમર્સમાં 67.75 ટકા મેળવ્યા
વરસાણી માનસી પ્રવિણભાઇ – ધોરણ 12 કોમર્સમાં 52.03 ટકા મેળવ્યા
શું હતી સમગ્ર ઘટના:
સરથાણાના તક્ષશિલા આર્કેડમાં શુકવારે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 23નાં મોત થયા છે. જેથી આખું ગુજરાત આજે સ્તબ્ધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી છે. તો બિલ્ડર હજુ સુધી ફરાર છે. આગની ઘટનામાં 40થી વધુ લોકો માટે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. પરિણામે બીજા માળે કલાસીસમાંથી ત્રીજા માળે ટેરેસ પર ભાગ્યા હતા. એટલામાં આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી જતાં કેટલાક વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ મારી દીધી હતી.
ફાયરે પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. વધુમાં આ કોમ્પલેક્સમાં આગની જ્વાળાઓને બહાર નીકળતા માટે હવા-ઊજાસની કોઈ જગ્યા ન હતી. જેના કારણે લોકો ગૂંગળામણ અને આગની ઝપેટમાં આવી જતા મોત થયા હતા. ચીફ ફાયર ઓફિસર પરિકે જણાવ્યું કે, 16 મૃતદેહો અમે બળેલી હાલતમાં હતા તેને બહાર કાઢ્યા છે.
સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ પર રોક લગાવી દેવાઈ હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાને ટ્વિટ કરીને આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પોલીસે લોકોનાં ટોળાં પર લાઠીચાર્જ પણ કર્યો હતો. પાસ દ્વારા શનિવારે સુરત બંધનું એલાન અપાયું છે.