ડાયસ્પોરા લેખિકા રેખા પટેલના 2 પુસ્તક અને 1 કાવ્યસંગ્રહનું અમદાવાદમાં લોકાર્પણ
અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એન.આર.જી કમિટી દ્ધારા આયોજિત એક પ્રોગ્રામમાં અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં જાણીતા એવા લેખિકા રેખા પટેલના ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રેખાબેન પટેલના ત્રણ પુસ્તકો એકાંતે ઝળક્યું મન, તડકાનાં ફૂલ અને અમેરિકાની ક્ષિતિજેનું લોકાપર્ણ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના હસ્તે ગુજરાત ચેમ્બરના પ્રમુખ શૈલેષ પટવારીની હાજરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેખા પટેલના ગદ્ય વિશે ગુજરાત વિદ્યાપીઠના અધ્યક્ષા ડો.ઉષા ઉપાધ્યાય જ્યારે રેખા પટેલના કાવ્યસંગ્રહ વિશે સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આધ્યાપીકા ડો.સુધા ચૌહાણે વકત્વ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં આફ્રિકાના પૂર્વ રાજદૂત અને ચેમ્બરની એન.આર.જી. કમિટીના ચેરમેન કે.એચ.પટેલ, ગ્રીડ્સના બળવંત જાની તેમજ અન્ય જાણીતા લેખકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ શૈલેષ પટવારીએ કહ્યું કે ગુજરાત ચેમ્બર વિદેશમાં વસતા ગુજરાતી લેખકો અને સાહિત્યકારો માટે આ પ્રકારના પ્રોગ્રામનું અવારનવાર આયોજન કરે છે. અગાઉ 2010માં પણ આ પ્રકારનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં યુકે, યુએસએ અને કેનેડામાંથી જાણીતા લેખકો, કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા લેખક વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે ડાયસ્પોરા લેખકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી સાહિત્ય અકાદમી સતત પ્રયત્નોશીલ છે અને આવું સાહિત્ય પ્રકાશિત કરતું રહેશે. તેમણે વધુમાં કહ્યું કે સાહિત્ય એકેડમી ભવિષ્મયાં ઇન્ટરનેશનલ ગુજરાતી લેન્ગવેજ કોન્ફરન્સનું પણ આયોજન કરશે.
આ પ્રસંગે પોતાના વકત્વ્યમાં લેખિકા રેખાબેન પટેલે જણાવ્યું કે સતત વાંચતા રહેવાની તેમની ટેવના કારણે જ આ કાવ્યસંગ્રહ અને સ્ટોરી બુક્સ લખી શકાયા છે. તેમણે લેખિકા તરીકની પોતાની સફળતાનો શ્રેય તેમના પતિ વિનોદ ભાઇ પટેલને પણ આપ્યો હતો. આ પ્રસંગે તેઓએ પોતાની સ્ટોરી બુક્સ અને કાવ્યસંગ્રહ પર પ્રકાશ પાડ્યો હતો.