રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ RTGS અને NEFTથી ફંડ ટ્રાન્સફર કરવા પરનો ચાર્જ રદ કર્યો
આરબીઆઈએ આરટીજીએસ અને એનઈએફટીથી ફન્ડ ટ્રાન્સફર કરવા પર લેવાતો ચાર્જ ખત્મ કરી દીધો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કોને કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકોને તેનો ફાયદો આપે. આરબીઆઈ એક સપ્તાહમાં બેન્કોને નિર્દેશ આપશે. રિઝર્વ બેન્કે ગુરૂવારે આ માહિતી આપી છે. આરબીઆઈના આંકડાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે એપ્રિલમાં એનઈએફટી દ્વારા 20.34 કરોડ ટ્રાન્ઝેક્શન થયા. આ દરમિયાન આરટીજીએસ દ્વારા 1.4 કરોડ લેવડ-દેવડ થઈ હતી.
આરટીજીએસથી 2 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમનું ફન્ડ તરત જ ટ્રાન્સફરી કરી શકાય છે
રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ(આરટીજીએસ) અંતર્ગત 2 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમને ટ્રાન્સફર કરી શકાય છે. તેના દ્વારા તરત જ ફન્ડ ટ્રાન્સફર થઈ જાય છે. નેશનલ ઈલકેટ્રોનિક ફન્ડ્સ ટ્રાન્સફર દ્વારા રકમ ટ્રાન્સફર કરવા માટે ન્યુનતમ સીમા નક્કી નથી. તેના દ્વારા ફન્ડ ટ્રાન્સફરમાં અડધાથી એક કલાક સુધીનો સમય લાગે છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ આરટીજીએસ દ્વારા ટ્રાન્ઝેક્શન પર હાલ 5 રૂપિયાથી 51 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. એનઈએફટી પર 1 રૂપિયાથી 25 રૂપિયા સુધીની ફી લાગે છે.
આરટીજીસ પર એસબીઆઈનો ચાર્જ
રકમ | ઈન્ટરનેટ બેન્કિંગ ચાર્જ | બેન્ક શાખા દ્વારા ટ્રાન્ઝેકશન પર ચાર્જ |
2 લાખથી 5 લાખ રૂપિયા | 5 રૂપિયા | 25 રૂપિયા |
5 લાખ રૂપિયાથી વધુ | 10 રૂપિયા | 51 રૂપિયા |
એનઈએફટી પર એસબીઆઈનો ચાર્જ
રકમ | ઈન્ટરનેટ બેન્કિંગ ચાર્જ | બેન્ક શાખા દ્વારા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ |
10000 રૂપિયા સુધી | 1 રૂપિયા | 2.5 રૂપિયા |
10000થી1 લાખ રૂપિયા સુધી | 2 રૂપિયા | 5 રૂપિયા |
1 લાખથી 2 લાખ રૂપિયા સુધી | 3 રૂપિયા | 15 રૂપિયા |
2 લાખ રૂપિયા સુધી | 5 રૂપિયા | 25 રૂપિયા |
એટીએમના ચાર્જ માટે કમિટી બનશે
આરબીઆઈએ એટીએમના ઉપયોગ કરવા પર લાગનાર ચાર્જની સમીક્ષા માટે કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડિયન બેન્કસ એસોસિએશનના સીઈઓની અધ્યક્ષતામાં રિઝર્વ બેન્ક કમિટીની રચના કરશે. આ કમિટી એટીએમના ચાર્જને લઈને સંપૂર્ણ સ્થિતિની તપાસ કરશે અને પ્રથમ બેઠક બાદ 2 મહીનામાં રિપોર્ટ રજૂ કરશે. આરબીઆઈનું કહેવું છે કે એટીએમ પર લાગનાર ચાર્જમાં ફેરફારની સતત માંગ થઈ રહી છે.