સૌરાષ્ટ્રવાસીઓ માટે રો-રો ફેરીની મજા, બપોરા કરે સુરતમાં અને વાળું કરે વતનમાં
દહેજથી ઘોઘા બંદર સુધી રો-રો ફેરી શરૂ થતાં સુરતમાં રહેતાં સૌરાષ્ટ્રવાસીઓ માટે વતનમાં જવા માટેની સુવિધા ઘણી સરળતા બની ગઇ છે. દિવાળી વેકેશનમાં વતન જતાં અસંખ્ય સૌરાષ્ટ્રવાસીઓ ખાનગી લક્ઝરી, એસટી બસ અથવા જે લોકોને લાગુ પડતી હોય તે લોકો ટ્રેન મારફતે વતનની વાટ પકડતાં હોય છે પરંતુ, આ વખતે ટ્રાન્સપોર્ટની વધુ એક સેવા રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ થતાં લોકોમાં આનંદ છવાયો છે. ટ્રાન્સપોર્ટેશન કરતા આ સમય તદ્દન સામાન્ય અને બિલકુલ ઓછો હોવાથી બપોરે સુરતથી જમીને નીકળ્યા બાદ રાત્રીનું ભોજન પોતાના વતનમાં જઇને આરામથી કરી શકશે.
રો-રોમાં દરિયાઇ માર્ગે વાહન સાથે જવાનો કંઇક અલગ પ્રકારનો અનુભવ લોકોને જોવા મળી રહ્યો છે
વધારેમાં વધારે લોકો રો-રો ફેરીનો લાભ લઇ સામાન અને પોતાનું વાહન પણ સાથે લઇ જઇ શકાતું હોવાથી સુરતથી દહેજ સુધી પોતાના વાહન સાથે ગયા બાદ રો-રોમાં દરિયાઇ માર્ગે વાહન સાથે જવાનો કંઇક અલગ પ્રકારનો અનુભવ લોકોને જોવા મળી રહ્યો છે. સુરતથી એક દોઢ કલાક દહેજ પહોંચ્યા બાદ ત્યાંથી દોઢથી બે કલાકની દરિયાઇ મુસાફરી બાદ ઘોઘાથી ભાવનગરનું અંતર માત્ર 20 કિમી તેમજ જેટલું દુર પોતાનું ગામ હોય તેટલો સમય વતનમાં જવા માટે લાગશે પરંતુ અન્ય ટ્રાન્સપોર્ટેશન કરતા આ સમય તદ્દન સામાન્ય અને બિલકુલ ઓછો હોવાથી બપોરે સુરતથી જમીને નીકળ્યા બાદ રાત્રીનું ભોજન પોતાના વતનમાં જઇને આરામથી કરી શકશે.
રો-રો ફેરીમાં ગૃપમાં યુવાનો જઈ રહ્યા છે વતન
બાય રોડ જતાં 8થી 10 કલાકે પહોંચતાંહવે રો-રો સેવાના પ્રારંભથી હવે સુવિધામાં વધારો અને સમય તેમજ ઇંધણ કે ખર્ચની બચત સાથે બપોરનું ભોજન સુરતમાં અને સાંજનું વાળું વતનમાં આરામથી કરી શકાશે. શહેરના મોટાવરાછા વિસ્તારના સુદામાચોક ખાતે રહેતા અને ભાવનગર જિલ્લામાં ઘોઘા નજીકના નથુગઢ ગામના 15-17 જેટલાં યુવાનોનું એક ગૃપ બાઇક પર દહેજ જવા નીકળ્યું હતું. જે 3.30 કલાકે અથવા સાંજે 7 કલાકે એમ બે વખત ઉપડતી રો-રો ફેરીમાં રાત્રીના દશ પહેલાં પોતાના ગામ પહોંચી જશે.
ટુ-વ્હીલર સાથે બુકીંગમાં ભારે ધસારો
લંબેહનુમાન રોડ પર માતાવાડીમાં એક મેડીકલ સ્ટોર ખાતે રો-રો ફેરી માટેનું બુકીંગ કરતાં આશિષ દેસાઇના જણાવ્યા પ્રમાણે 1 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી રો-રોમાં 500 સીટનું બુકીંગ લગભગ ફૂલ થઇ ચૂક્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર સાથે જનારા રત્નકલાકારોનો ધસારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે ટુ-વ્હીલરનો ચાર્જ માત્ર દોઢસો રૂપિયા જેટલો જ રખાયો છે.
હજીરાથી રો-રો શરૂ થાય તો વધુ લાભ મળે
પેસેન્જર વિરમદેવસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, અમારે ભાવનગર જવાનું છે. સુરતથી બપોરે નીકળ્યા છીએ રાત્રે પહોંચી જઇશું. રો-રો સેવા શરૂ થતા સમયનો ઘણો બચાવ અને ટ્રાફીક સમસ્યાથી છુટકારો મળે છે. હજુ આ સુવિધા સુરતના હજીરાથી શરૂ થશે તો વધારે લોકોને ફાયદો થશે.
રો-રોના કારણે સમય અને ભાડામાં ફાયદો
અરવિંદ ડુંગરાણી જણાવ્યું હતું કે, અમારૂ ગામ ગઢડા બાજું છે, તેથી સુરતથી નીકળીને દહેજ, ઘોઘા અને ભાવનગર એમ ત્રણ જગ્યાએ સામાન ફેરવવો પડે, છતાં પણ દિવાળીના સમયમાં ભાડામાં રો-રો ફેરીના કારણે ઘણો ફાયદો થાય છે.અત્યારે ખાનગી બસમાં ડબલના સોફાના 2600 ભાડુ છે. રો-રો ફેરીમાં 200થી 400 રૂપિયા કેટેગરી મુજબ ભાડું હોવાથી સસ્તું પડે છે.