ખેડૂત એવા રત્નકલાકારો ભણ્યા ઓછુ, પણ અંદરના કૌશલ્યને પૂરેપૂરું બતાવ્યું: રતન ટાટા
ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી તાતા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન તાતા આજે ગુરુવારે સુરતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. સુરતની અગ્રગણ્ય હીરા કંપની એસઆરકે ગ્રુપ(શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ)ની કતારગામમાં આવેલી આધુનિક ફેક્ટરી, કિરણ હોસ્પિટલ સાથે ધોળકિયા પરિવારના નિવાસસ્થાને નિરાંતે મુલાકાત કરી હતી. રતન તાતાએ હીરા ઉદ્યોગનું બારીકાઈથી નિરીક્ષણ કરીને એની ટેકનૉલોજી, એમાં કામ કરતાં કારીગરો અને ગોવિંદભાઈ ધોળકિયા વિષે વિગતો મેળવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને સાથે જ સુરતની મુલાકાતને યાદગાર ગણાવીને સુરતના વિકાસ અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી અપાતા “સંતોક્બા એવોર્ડ” ગત વર્ષે જ રતન તાતાને આપવાનું નક્કી થયું હતું અને એમણે આ ઍવોર્ડ સ્વીકારવાની મંજૂરી આપી હતી. જાહેર સમારંભ અને કાર્યક્રમથી સામાન્યપણે દુર રહેતાં રતન તાતા આ એવાર્ડ એકદમ અંગત લોકો અને એસઆરકે પરિવારની હાજરીમાં સ્વીકાર્યો હતો. એવાર્ડ સ્વીકારતી વખતે જ રતન તાતાએ જણાવ્યુ હતું કે, મારી પાસે તો વારસામાં સંપતિ આવી હતી અને મે એમાં ઉમેરો કરીને અમારા ગ્રૂપને આગળ વધાર્યુ છે પણ તમે શૂન્યમાથી સર્જન કર્યું છે મારે એ જોવું છે.
આજે સવારે સુરત ઍરપોર્ટ ઉપર ધોળકિયા પરિવારે રતન તાતાને આવકાર્યા હતા, એ પછી કતારગામ એસઆરકે એસ્ટેટ આવી પહોચ્યા હતા. અહી એમણે એસઆરકે પરિવારની ત્રણ પેઢી સાથે મુલાકાત કરીને હીરા ઉદ્યોગની વિગતો મેળવી હતી, સાથે જ એમને હીરા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી ટેકનૉલોજી અંગે વિગતો મેળવી હતી. ધોળકિયા પરિવારની બીજી પેઢીના યુવાનોએ સંગર ફેક્ટરીની મુલાકાત કરવી હતી. રતન તાતા એ કાચા હીરાને કાપવાના અને પોલીશિંગ કરવાની પ્રક્રિયામાં વપરાતી ટેકનૉલોજી વિષે બહુ ઝીણવટભરી વિગતો મેળવી હતી. સાથે જ એમણે રત્ન કલાકારોના અભ્યાસ અને એમના પગારની વિગતો પણ જાણી હતી. સાથે જ એમણે ધોળકિયા પરિવારના 944 સભ્યોનું ગ્રુપ ફોટો જોઈ એમણે આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એસઆરકેની મુલાકાત વખતે સુરત શહેરના અગ્રગણ્ય હીરા ઉદ્યોગપતિઓએ એમની શુભેચ્છા મુલાકાત કરી હતી.
સુરતની મુલાકાતની શરૂઆતથી જ રતન તાતા બહુ ખુશ હતા અને એમને અનેક વાતો અંગે પોતાનું કુતૂહલ પણ વ્યક્ત કરતાં હતા. એકદમ સરળ અને સહજ સૌજન્ય મુલાકાતનો લાભ ધોળકિયા પરિવારને મળ્યો હતો આજે બપોરના સમયે ધોળકિયા પરિવાર સાથે ભોજન લીધું હતું. ભારતીય અને ગુજરાતી પરંપરા મુજબ ધોળકિયા પરિવારની સ્ત્રીઓએ એમનું સ્વાગત અને સન્માન કર્યું હતું, પૂર્ણ ગુજરાતી ભોજન પીરસ્યું હતું. ગુજરાતી જમણમાં ખમણ એમને વધુ પસંદ આવ્યા હતા.
ધોળકિયા ફાર્મ, વેડ-કરાડા ખાતે ધોળકિયા પરિવારના યુવાનો અને પારિવારિક મિત્રો સાથે એક ખાસ સંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં પરિવારના યુવાનો એ વિવિધ પ્રશ્નો રતન તાતાને પુછ્યા હતા. તાતા એ પણ દરેક પ્રશ્નોના બહુ વિગતે જવાબ આપ્યા હતા. તમને જગત કઈ રીતે યાદ રાખે? એવા અક્ષય ધોળકિયાના પ્રશ્નના જવાબમાં રતન તાતાએ ઉત્તર આપતા કહ્યું હતું કે, મે કેટલી સંપતિ અને વેપાર વિકાસ કર્યો છે એના કરતાં મે કશા બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે. રતન તાતાએ સુરત અંગે જણાવ્યુ હતું કે 20 વર્ષ પહેલા નવસારી જતી વખતે હું સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો હતો બસ એટલું જ.
હું ગોવિંદભાઇ ધોળકિયાનો આભાર માનું છુ કે એમને મને સુરત બતાવ્યું. વિમાનમાંથી મે સુરતમાં બનેલી સુંદર ઊંચી ઇમારતો જોઇ અને એરપોર્ટ અહી આવતા સુધી સુરતને જોયા પછી કહી શકું કે ભારત વિકાસ કરી રહ્યું છે. મુંબઈમાં બેસીને આ ખબર ના પડી હોત. આજે આવ્યો ન હોત તો મારા મગજમાં સુરતની 20 વર્ષ પહેલાની છબી જ હોત. સુરત એરપોર્ટથી એસઆરકે, કિરણ હોસ્પિટલ બધુ જોતાં મને પ્રશ્ન થયો કે, આ સુરત છે? ખેડૂત એવા રત્ન કલાકારો ભણ્યા ઓછું છે પણ એમની અંદરના કૌશલ્યને હીરા ઉદ્યોગમાં બરાબર ઉપયોગમાં લેવાયું છે મને ખ્યાલ નથી કે બીજી કોઈ જગ્યાએ આવો ઉપયોગ થયો હોય.
એસઆરકેના ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાએ રતન તાતાની મુલાકાત અંગે જણાવ્યુ હતું કે, ભારતના ઋષિતુલ્ય ઉધ્યોગપતિ રતન તાતા એ આજે સુરતની મુલાકાતે પધાર્યા તે અમારા માટે તો ઇતિહાસ છે. અમે પણ પહેલથી તાતા ઉદ્યોગ સમૂહના સિધ્ધાંતોને અનુસરતા રહ્યા છીએ એટલે પણ એમની આજની મુલાકાત યાદગાર અને અવિસ્મરણીય રહી હતી.