શહીદો માટે રામકથાથી 251 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય, જાણો આયોજક વિશે
સુરતઃ દેશના સિમાડા સાચવીને બેઠેલા સૈનિક દુશ્મનની ગોળીએ વિંધાઈને શહીદ થાય ત્યારે દરેક દેશવાસીની આંખ ભીની થઈ જાય છે. પરંતુ ત્યાર બાદ શહીદ પરિવારના લોકોનું શું આ સવાલ લગભગ કોઈને સતાવતો નથી. ત્યારે સૈનિકો અને ખાસ કરીને શહીદના પરિવારની ચિંતા કરીને તેમના માટે કાયમી હૂંફ અને પ્રેમ, લાગણી પહોંચાડવા માટે સુરતમાં મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને શહીદ જવાનો માટે 251 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. જેના આયોજક છે નનુભાઈ સાવલિયા. સુખરામ બિલ્ડરના માલિક નનુભાઈ કાશ્મીર ફરવા ગયા અને સૈનિકોની વેદના એટલી હ્રદયમાં ઉતરી ગઈ કે તેમણે દેશ દુનિયામાં ક્યાંય ન થઈ હોય તેવી રામકથાનું આયોજન સુરતમાં કર્યું.
નનુભાઇ સાવલિયાના લોકકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટે 5 કરોડ અને હરે કૃષ્ણ એક્સપોર્ટના રત્નકલાકારોએ રૂપિયા 1.03 કરોડ આપ્યા
સવજીભાઇએ 2 કરોડ ઉમેર્યા
નનુભાઇ સાવલિયા દ્વારા ચલાવવામાં આવતા લોક કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટને સૈનિકોના હિતાર્થે રૂપિયા પાંચ કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. કથાના બીજા દિવસે રવિવારે નનુભાઇ સાવલિયાના પુત્ર હિરેનભાઇ સાવલિયા, મનુભાઇ લખાણી, મથુરભાઇ સવાણી સહિતના અગ્રણીઓ દ્વારા પાંચ કરોડનો ચેક બાપુને સુપ્રત કરાયો હતો.
હરે કૃષ્ણ એક્સપોર્ટના રત્નકલાકારોએ રૂપિયા એક કરોડ ત્રણ લાખ એકત્ર કર્યા હતા જેની સામે સવજીભાઇ ધોળકિયા દ્વારા વધુ રૂપિયા 2 કરોડ ઉમેરીને રૂપિયા 3 કરોડ 11 લાખ જેટલી દાનની રકમનો ચેક અપાયો હતો.
સૌરાષ્ટ્રમાં પાણી માટે સંઘર્ષ કરી સુરત આવ્યા
સૌરાષ્ટ્રના સાવરકુંડલા નજીકના ગાધકડા ગામમાં માતા મણીબેન અને પિતા કરશનભાઈના ઘરે નનુભાઈનો જન્મ 10મી ડિસેમ્બર 1961ના રોજ થયો હતો. પિતાની ખેતીવાડીમાં કામ કરતાં કરતાં ગામમાં જ નવમાં ધોરણ સુધી અભ્યાસ કરી 10મું ધોરણ સાવરકુંડલામાં ભણ્યા હતાં. બાદમાં ખેતીવાડીમાં પાણીનો અભાવ હોવાથી પાણી સાથે સંઘર્ષ કરતાં કરતાં સૌરાષ્ટ્રથી વર્ષ 1987માં સુરત આવી ગયા હતાં.
ઈલેક્ટ્રીકની દુકાનથી સુરતમાં શરૂ કર્યો વ્યવસાય
સૌરાષ્ટ્રથી સુરત આવતાં મોટા ભાગના લોકો હીરામાં ઝંપલાવતાં હતાં.ત્યારે નનુભાઈએ બધાથી અલગ વરાછાના માતાવાડી વિસ્તારમાં કિરણ મોટર નામની ઈલેક્ટ્રીકની દુકાન શરૂ કરી હતી. ઈન્ડશન મોટર બનાવવાનું કામકાજ આજે પણ ચાલું હોવાનું નનુભાઈએ જણાવ્યું હતુ. ત્યારબાદ લેન્ડ ડેવલપર્સના વ્યવસાયમાં આગળ વધ્યાં હતાં. જેમાં સુખરામ ગૃપની સ્થાપ્ના કરીને છેલ્લા ઘણા વર્ષોથી લોકોના મકાન બનાવવાનું શરૂ કર્યું છે. વિશ્વસનિયતા, ગ્રાહકોને સંતોષ થાય તે પ્રકારના વાજબી અને મજબૂત બાંધકામની તેમની પ્રણાલીના કારણે આજે તેમનું ગ્રુપ શહેરના ટોપ ટેનમાં સ્થાન પામ્યું છે.