રક્ષાબંધન: ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો.. શહીદે લખ્યું- હું હંમેશા માટે જીવવાનો છું
1947 પછી આ ફક્ત ચોથી વાર છે, જ્યારે 15 ઓગસ્ટે રક્ષા બંધન પણ છે. દર 19 વર્ષે આ રીતે બંને પ્રસંગની તારીખ એક હોય છે. આજે વાંચો બે ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો…
અશફાક ઉલ્લા: ફાંસીના 3 દિવસ પહેલાં દોસ્ત સચિન્દ્રનાથ બક્ષીની બહેનને પત્ર લખીને કહ્યું- હું હીરોની જેમ મરી રહ્યો છું
માય ડિયર દીદી, ફૈઝાબાદ જેલ, 16 ડિસેમ્બર 1927
હું આગલી દુનિયામાં જઈ રહ્યો છું, જ્યાં કોઈ સંસારિક પીડા નથી અને ત્યાં સારા જીવન માટે સંઘર્ષ પણ નહીં કરવો પડે. હું મરવાનો નથી, ઊલટાનો હંમેશા માટે જીવવાનો છું. મારો અંતિમ દિન સોમવાર છે. તમને પછી ખબર પડશે કે, હું કેવી રીતે મર્યો. ઈશ્વરના આશીર્વાદ હંમેશા તારી સાથે રહે. તમને બધાને એકવાર જોવાની ઈચ્છા છે. શક્ય હોય તો મળવા આવજે. બક્ષીને મારા વિશે કહેજે. હું તમને મારી બહેન માનું છું અને તમે પણ મને નહીં ભૂલો. ખુશ રહેજો, હું હીરોની જેમ મરી રહ્યો છું. – તમારો અશફાક ઉલ્લા
ભગત સિંહ: ફાંસીના 6 મહિના પહેલાં દોસ્ત બટુકેશ્વર દત્તની બહેનને પત્ર લખીને કહ્યું- હિંમત રાખજે, બધું સારું થશે
પ્રિય બહેન સેન્ટ્રલ જેલ, લાહોર 17 જુલાઈ 1930
કાલે રાતે બટ્ટુ (બટુકેશ્વર દત્ત)ને બીજી કોઈ જેલમાં મોકલાયો છે. હજુ સુધી અમને ખબર નથી પડી કે તેને ક્યાં લઈ જવાયો છે. હું તને વિનંતી કરું છું કે, કોઈ પણ સંજોગોમાં બનારસ છોડીને લાહોર ના જતા. બટ્ટુથી અલગ થવું, એ હું પણ સહન નથી કરી શકતો. હકીકતમાં તે મને મારા ભાઈઓથી પણ વધુ પ્રિય છે અને આવા મિત્રોથી અલગ થવું ખૂબ કઠિન છે. તું દરેક સ્થિતિમાં ધીરજથી કામ લેજે અને હિંમત રાખજે. ચિંતાની કોઈ વાત નથી. અહીંથી બહાર નીકળ્યા પછી બધું સારું થઈ જશે. – તારો ભગત સિંહ
ટાગોરે બંગ-ભંગ રોકવા રાખડીથી બાંધી હતી હિન્દુ-મુસ્લિમ એકતાની ડોર
1905માં અંગ્રેજોએ બંગાળને બે હિસ્સામાં વહેંચી દીધું. પૂર્વ બંગાળ મુસ્લિમો માટે અને પશ્ચિમ બંગાળ હિન્દુઓ માટે. તેની વિરુદ્ધ રવીન્દ્રનાથ ટાગોરે રાખડી મહોત્સવ શરૂ કર્યો. તેમનો હેતુ એ કહેવાનો હતો કે, ધર્મ માનવતાનો આધાર ના હોઈ શકે. ત્યારે રક્ષાબંધન ફક્ત ભાઈ-બહેનનો તહેવાર નહોતો રહી ગયો, પરંતુ હિન્દુ અને મુસ્લિમો પણ એકબીજાને રાખડી બાંધતા હતા. તેની અસર એ થઈ કે, 1911માં અંગ્રેજોએ બંગાળનો વિલય કરવો પડ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.