વડોદરા હાઈપ્રોફાઈલ કેસમાં પીડિતાની પોલીસ સમક્ષ જુબાની: રાજુ ભટ્ટ અને અશોક જૈનની હેવાનિયત, દીકરીની ઉંમરની યુવતીને લાતો મારી રૂમમાં ઢસડી જઇ દુષ્કર્મ આચર્યું
પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈન સામે થયેલા દુષ્કર્મ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાતાં શુક્રવાર સવારથી તપાસનો ધમધમાટ રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પીડિતાનું 3 કલાક સુધી લંબાણપૂર્વક નિવેદન લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છાતી અને પેઢા પર મુક્કા-લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને હેવાનિયત પર ઊતરી આવી દુષ્કર્મ આચર્યું હતું, જેની અસર હજુ પણ ભોગવી રહી હોવાનું પીડિતાએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું. નરાધમોએ પોતાની દીકરીની ઉંમરની યુવતી પર દુષ્કર્મ કરવા દબાણ કરીને ખૂબ માર મારતાં શરીર પર હજી લીલા, ભૂરા અને લાલ ચકામા હોવાનું કાઉન્સિલર શોભના રાવલે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પીડિતાના નિવેદન અંગે કાઉન્સિલર શોભના રાવલે જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે દુષ્કર્મ આચરતાં પહેલાં પ્રતિકાર કરતી પીડિતાને બે-ત્રણ લાફા માર્યા બાદ વાળથી પકડીને તેને ઢસડીને બેડરૂમમાં લઈ જઈને મૂઢમાર માર્યો હતો. તેના પેઢામાં લાત વાગતાં હજુ પણ બ્લડિંગ થઇ રહ્યું છે, જેથી તેની સારવાર હું કરાવી રહી છું. પીડિતા પર બેથી ત્રણ વખત દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને ગોળી મારવાની પણ ધમકી આપવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 60થી વધુની ઉંમર ધરાવતા એવા રાજુ ભટ્ટ અને અશોક જૈને પોતાની દીકરીની ઉંમરની યુવતી પર દુષ્કર્મ આચર્યું એ ખૂબ જ શરમજનક કહેવાય. નરાધમોને કડકમાં કડક સજા મળે એ માટે પ્રયાસ કરાશે. સૂત્ર અનુસાર, દિવાળીપુરામાં આવેલા મકાનમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ યુવતીઓને નોકરી અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચરતા હતા. આ મકાન આ પ્રકારના ગોરખધંધા માટે જ ઉપયોગમાં લેવાતું હતું. રાજુ ભટ્ટ અને અશોક જૈને પોતે એકસાથે કોઈ સ્થળ પર હોય અથવા પીડિતા સાથે પણ દેખાયા હોય એવી તમામ જગ્યાઓ પર સીસીટીવીના ફૂટેજ ડિલિટ કરાવી દેવા માટે પોતાના માણસોને એક્ટિવ કર્યા હોવાનું પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું. 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈન સામે કાયદાનો ગાળિયો કસાઇ રહ્યો છે. ગોત્રી પોલીસ પાસેથી તપાસ આંચકી લીધા બાદ ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં જ દુષ્કર્મની થિયરીને સમર્થન મળી રહ્યું છે. પોલીસે અશોક જૈનના પુત્રની મોડી રાતે પૂછપરછ કરી હતી.
બેડરૂમમાં સ્પાઇ કેમેરા કોણે લગાવ્યા?
યુવતી પર થયેલા દુષ્કર્મમાં તેના બેડરૂમમાં રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનની તસવીરો પુરાવા રૂપે પોલીસને સોંપાઈ છે. ત્યારે સવાલ એ ઊભો થયો છે કે આ સ્પાઇ કેમેરા કોણે લગાવ્યા હતા. એનું રેકોર્ડિંગ કયાં છે? યુવતીએ આક્ષેપ કર્યો હતો કે અશોક જૈને એસીના પ્લગમાં સ્પાઇ કેમેરો લગાવ્યો હતો, જોકે પોલીસે આ મુદા પર તપાસ કરી રહી છે.
આરોપીઓ વિદેશ ભાગ્યાની શંકા, તમામ એરપોર્ટને જાણ કરાઈ
બંને આરોપી વિદેશ ભાગી ગયા હોવાની શંકાના આધારે ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ ઓથોરિટીને જાણ કરીને આરોપીઓના ફોટા પણ મોકલી આપ્યા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમના સીસીટીવી અને ફ્લાઈટની વિગતો તપાસીને આરોપીઓ દેશ બહાર ભાગ્યા છે કે કેમ એ અંગે પણ તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ રાજુ ભટ્ટ અને અશોક જૈનને પકડવા માટે 5 ટીમ બનાવવામાં આવી છે, જેમાં 3 ટીમે શુક્રવાર સવારથી જ આરોપીઓનાં આશ્રય સ્થાનો પર દરોડા પાડવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત 2 ટીમ બહારગામ તપાસ હાથ ધરશે.
457 કિલો ચાંદી ગાયબ કરવામાં રાજુ ભટ્ટ સામે ગુનો ન નોંધાયો
મહાકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને તેના મળતિયાઓએ મંદિરની 579 કિલો ચાંદી ગાળવા માટે આપ્યા બાદ માત્ર 122 કિલો ચાંદી જ પરત આવતાં જે-તે સમયે પોલીસમાં અરજી અપાઇ હતી. જોકે ઊંચી રાજકીય વગ ધરાવતા રાજુ ભટ્ટ અને તેના મળતિયાઓ સામે પોલીસે કાર્યવાહી ન કરતાં હાઇકોર્ટમાં દાદ મગાઇ હતી. હાઇકોર્ટે પણ પિટિશનની સુનાવણી બાદ સીઆઇડી ક્રાઇમને સમગ્ર બનાવની તપાસ કરવા આદેશ કર્યો હતો. જોકે તેમ છતાં સીઆઇડી ક્રાઇમ દ્વારા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
વિરલગિરિ ગોસ્વામીએ મંદિરની 579 કિલો ચાંદી ગાળવા માટે આપ્યા બાદ એમાં 70 ટકા ઘટ આવતાં કરોડોની ચાંદી ગાયબ કરવાના બનાવમાં રાજુ ભટ્ટ, પરેશ પટેલ અને જિજ્ઞેશ ભટ્ટ સામે કાર્યવાહી કરવા માટે પોલીસમાં અરજી આપી હતી. જોકે સ્થાનિક પોલીસે કાર્યવાહી ન કરતાં હાઇકોર્ટમાં દાદ માગવામાં આવતાં હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને તપાસનો આદેશ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..