રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર સ્કૂલ-સંચાલક પત્નીની શિક્ષિકા અને છાત્રા સાથે કરેલી વાતચીતની ઓડિયો-ક્લિપ વાઇરલ, કહ્યું ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’

લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલની બે વિદ્યાર્થિનીને પાછળથી જકડી સ્કૂલ-સંચાલક દિનેશ જોશીએ છેડતી કરી હતી. આ કેસમાં વગદાર સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. તેની પત્ની સીમા જોશી જિલ્લા ભાજપનાં મહિલા અગ્રણી છે. હવે પતિને બચાવવા માટે સીમા જોશી પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર બેક્ષમ ધમકી આપતી ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં સીમા જોશી છાત્રાને કહે છે, હું તો ઇન્દ્રની અપ્સરા છું, મારો પતિ મને મૂકી તારી સામે જુએ કે થૂંકે પણ નહીં તેમજ વિદ્યાર્થિનીને બેફામ ગાળો પણ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પુત્રએ પોલીસની ધમકી આપી
સીમા જોશીનો પુત્ર પણ વિદ્યાર્થિનીને ધમકી આપતાં કહે છે, જો તું ખોટી હોઈશ તો તને પોલીસ ભેગી કરી દઈશ અને નહિ હોય તો ઘરભેગી કરી દઈશું. બાદમાં મહિલા અગ્રણી સ્કૂલની શિક્ષિકા પ્રિયંકાબેનને ફોન પર ધમકી આપે છે. જેમાં કહે તે છે કે તેં ક્યારે જોયું સરને આમ કરતા અને વિદ્યાર્થિનીઓ સામે બોલી કે અગાઉ પણ એક શિક્ષિકા સાથે સરે આવું કર્યું હતું? 25 વર્ષથી મારો ધણી સ્કૂલ ચલાવે છે. તારામાં શું છે કે તે તારી સામે જુએ? તારું બે વિદ્યાર્થિની અને પૃથ્વી સરનું બધું બહાર આવશે. પોલીસને સાથે લઈ આવી કેસ કરું છું.

પુત્રની શિક્ષિકાને પણ ધમકી
બાદમાં સીમા જોશીનો પુત્ર શિક્ષિકાને કહે છે, તમે કોઈ છોકરા સાથે રખડો છો એવું તમારા પપ્પાને કહું તો તેઓ માનશે? કોઈને ખોટી રીતે બદનામ ન કરો. નરેન્દ્ર મોદી વિશે ખોટું બોલનાર જેલમાં જાય, મને 16 ગામ ઓળખે છે. તમારા લગ્ન નથી થયા એટલે હેરાન થઇ જશો. સામે પક્ષે શિક્ષિકા કહે છે કે મેં વિદ્યાર્થિનીની રજૂઆત સાંભળી અને અગાઉ શિક્ષિકાએ મને સર વિશે કહ્યું હતું એટલું જ જાણું છું.

સીમા જોશી, તેનો પુત્ર અને વિદ્યાર્થિની સાથે થયેલી વાતચીત શબ્દશઃ વાંચો

સીમા જોશીઃ તારે ઘરે જાઉં છે ને એટલે બીક લાગી, ખોટું બોલી.

વિદ્યાર્થિનીઃ હું ખોટું નથી બોલતી.

સીમા જોશીઃ મારો ધણી તારા પર થૂંકે પણ નહીં, તારામાં એવું કંઈ રૂપ પણ નથી, હું ઇન્દ્રની અપ્સરા જેવી છું.

વિદ્યાર્થિનીઃ તમે કેમ આવું વિચારી શકો, કાળી હોય કે ધોળી, એમાં તમારે કેમ આટલું બધું હોય.
સીમા જોશીઃ (વિદ્યાર્થિનીને ગાળ આપે છે) તું ખોટા આક્ષેપો કરે છે

વિદ્યાર્થિનીઃ તમે શું કામ આવું બધું બોલો છો, બાદમાં સીમા જોશીનો પુત્ર વિદ્યાર્થિની સાથે વાત કરે છે

પુત્રઃ તને સાહેબે શું કર્યું હતું.

વિદ્યાર્થિનીઃ હું અને બીજી એક વિદ્યાર્થિની ચોપડીમાં જોતી હતી ત્યારે પાછળથી આવીને હગ કરી લે અને કિસ કરી લે એ ચાલે કંઈ…સર.

પુત્રઃ જો ત્યાં કેમેરો છે

વિદ્યાર્થિનીઃ કેમેરો હોય તો શું થયું, મારી સાથે થયું તો વાત પણ ન કરવી?

પુત્રઃ તું અને અન્ય વિદ્યાર્થિની ઊભી હતી બરોબરને.

વિદ્યાર્થિનીઃ હા, અમે બંને ઊભી હતી, અમે ખોટું નથી બોલતા.

પુત્રઃ જો તું સાચી હોય ને તો આપણે પોલીસવાળાને પણ બોલાવીએ. વાંધો નહીં, હું હમણાં PSIને મોકલું છું ત્યાં. જો તું ખોટી હોય તો તને પોલીસવાળા ભેગી કરી દઈએ, નહીંતર તને ઘરભેગી કરી દઈશું.

વિદ્યાર્થિનીઃ મારા વાલીને આ વાત ખબર હોવી જોઈએ તો જ પોલીસને લઈને આવજો.

પુત્રઃ અરે, તારા પપ્પાને પણ લેતા આવીએ.

શિક્ષિકાઃ મેડમ એમ વાત નથી, તમે પહેલા સાંભળો શું વાત છે એ.
સીમા જોશીઃ ઝડપથી બોલ, હું તારી જેમ નવરીની નથી. તારે મોઢામાં જીભડી નથી?

શિક્ષિકાઃ પૃથ્વી સરે કહ્યું હતું…

સીમા જોશીઃ અક્કલ વગરની પેલી છોકરીઓ તો ખોટી છે, હારોહાર તું ક્યાં ખોટીની થાય છે, તારું, છોકરીઓ અને પૃથ્વીરાજભાઈને ખુલ્લાં પાડું છું અને પીએસઆઇને સાથે લઈને આવું છું. તે આ શું જોઈને આ બધું કહ્યું.

શિક્ષિકાઃ મોનિકા મેડમ સાથે વાત થઈ હતી કે આ સાચું છે કે ખોટું.

સીમા જોશીનો પુત્રઃ પ્રિયંકાબેન, પહેલા સાંભળો, તમે આવું જોયું છે પહેલા.

શિક્ષિકાઃ અમે બંને વિદ્યાર્થિનીને સમજાવી હતી.

પુત્રઃ તમે કાલે ગમે તે છોકરા સાથે રખડશો અને તમારા બાપાને કહું તો માની લેશો?, તમારા બાપાને કહું કે તમારી દીકરીને રાજકોટમાં કોઈ છોકરા સાથે રખડતા જોઈ હતી તો માની લેશે.

શિક્ષિકાઃ મારા પપ્પા ન માને; ભાઈ, પહેલા તમે મારી વાત સાંભળો.

પુત્રઃ બસ તો આવું ખોટું બોલવામાં ધ્યાન રાખો. તમારા મેરેજ પણ થયા નથી; હેરાન થઈ જશો, ધ્યાન રાખજો, જેનું ખાતા હોય તેનું ખોદાય નહીં. અમે બ્રાહ્મણ છીએ, શ્રાપ આપી દઈશું. તમારા પપ્પાને બતાવું કે તમારી છોકરી છોકરા સાથે વાત કરે છે. તમે ભણાવો છો તો ધ્યાન રાખો, મોદી વિશે ખોટું બાલનારા જેલમાં જાય છે, એ ખબર છે ને.

ધમકી આપ્યા બાદ સીમા જોશીએ બચાવ કર્યો
જોકે આ સમગ્ર મામલે ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં ભાજપ મહિલા અગ્રણી સીમા જોશીએ જણાવ્યું હતું કે મેં કોઈ વિદ્યાર્થિની કે શિક્ષિકાને ધમકી આપી નથી. શિક્ષિકા પ્રિયંકા તો મારી ભાણી છે, તેને હું શું કામ ધમકી આપું. આ અમને બદનામ કરવાનું કાવતરું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો