રાજકોટમાં ભૂમાફિયાઓએ તમામ હદ વટાવી: 80 લાખનું મકાન 20 લાખમાં પડાવી લેવા ગુંડા ટોળકી ચાર વર્ષથી ગુજારે છે અત્યાચાર, ગુંડાઓએ પોલીસની રહેમરાહ હેઠળ 3 વર્ષમાં 38માંથી 20 મકાન ખાલી કરાવી નાખ્યા
યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલની સામે આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં મંગળવારે બપોરે એક વાગ્યે શેરીના નાકે પોલીસ કાફલો તૈનાત હતો, સોસાયટીના લોકો ઘરની બહાર ટોળે વળીને બેઠા હતા, તમામના ચહેરા પર ભય હતો, તમામની નજર અમારા પર મંડાઇ હતી, અમે પત્રકાર હોવાની ઓળખ આપતાં જ તેઓએ હાશકારો અનુભવ્યો હતો, મુક્તાબેને ધુલેશિયા નામના વૃદ્ધાએ કહ્યું હતું કે, ચારવર્ષથી ઘરનું ઘર હોવા છતાં શાંતિથી જીવી શકતા નથી, મયૂરસિંહ અને ભૂરાના માણસો રવિ વાઢેર સહિતનાઓ અત્યાચાર ગુજારી રહ્યા છે, તેમની શેરીમાં 38 મકાન આવેલા છે જેમાં 20 મકાન માથાભારે શખ્સોએ ધમકાવીને નીચી કિંમતે પડાવી લીધા છે અને બાકીના 18 મકાન ખાલી કરાવવા અસહ્ય ત્રાસ આપવામાં આવે છે.
જે 20 મકાન પચાવી પાડ્યા છે તેમાં યુવક-યુવતીની આવન જાવન રહે છે, રાત પડે અને શેરીના લોકો થરથરવા લાગે છે કે સવાર શાંતિથી પડે તો સારું, રાત્રે દારૂ પીને શેરીમાં ગાળોનો વરસાદ શરૂ કરે, ખાલી મકાનમાં એકસાથે 10-10 સૂતળી બોંબ ફોડીને ધમાકા કરે, આ ધમાકાથી બાળકો ડરીને જાગી જાય છે, વહેલી સવારે 5 વાગ્યે લાઉડસ્પીકર શરૂ થાય જે લોકોને ઊંઘવા દેતું નથી, શેરીમાં ચૂલો બનાવવામાં આવ્યો છે એ ચૂલા પર જાહેરમાં માંસ રાંધવામાં આવે છે, દિવસ દરમિયાન લુખ્ખાઓની ગેંગ શેરીમાં ઉતરે, ખાલી કરાવેલા મકાનમાં ઊભા રહી કપડાં કાઢી શેરીમાં રહેતી મહિલાઓ સામે નગ્ન ડાન્સ કરે, એટલું નહીં મહિલાઓ અને યુવતીઓની છેડતી થાય પરંતુ તેને ટપારવાની કોઇ હિંમત કરી શકે નહીં.
અમિતાબા બારડે કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી આ સોસાયટી ખાલી કરાવવાના ખેલ શરૂ થયા છે, પ્રવીણભાઇ વાડોલિયાનું મકાન ખાલી કરાવ્યા પછી અન્ય 19 મકાન નજીવી કિંમતે પડાવ્યા હતા, જે મકાન પર કબજો જમાવે તે મકાનને અડધું પાડી દઇ તેનો કાટમાળ રાખી કચરો કરવાનું શરૂ કરે, એક મકાનમાં લાલા ભરવાડે ગાયો પૂરી દીધી છે જેના પોદળાથી શેરીમાં કીચડ જેવી સ્થિતિ થાય છે, દિવસ દરમિયાન બાળકો બહાર રમી શકે નહીં, નંબર પ્લેટ વગરના વાહનો કોઇપણને ઠોકરે ચડાવે છે. શેરીમાં બેઠેલી મહિલાઓની છેડતી થાય છે.
આ રીતે અપાતો હતો ત્રાસ…
મહિલાઓ-યુવતીઓ સામે કપડાં કાઢી ગુંડાઓ અટ્ટહાસ્ય કરે છે, શેરીમાં ચૂલો બનાવી તેમા માંસ રંધાય છે, ખાલી કરાવેલા મકાનમાં મધરાતે એકસાથે 10-10 સૂતળી બોંબના ધડાકા કરાય છે, સોસાયટીના લોકો નિરાંતે ઊંઘી ન શકે તેમાટે લાઉડસ્પીકર જોરથી વગાડાય છે
બ્રિજેશ ધુલેશિયાએ આક્રોશ સાથે કહ્યું હતું કે, વર્ષોથી અસહ્ય ત્રાસ અનુભવી રહ્યા છીએ, જ્યારે પણ લુખ્ખાઓ કાયદો હાથમાં લે ત્યારે પોલીસને જાણ કરી તો અડધો પોણો કલાક પછી પોલીસ આવે ત્યાં સુધીમાં ધમાલ કરીને માથાભારે શખ્સો નાસી જાય, છેલ્લા પંદર દિવસથી ત્રાસ વધ્યો હતો, જેથી બે વખત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીએ જઇને પોલીસ પ્રોટેક્શન શેરીમાં આપવા ભલામણ કરી હતી પરંતુ પોલીસે આ વાતને ગંભીરતાથી નહીં લેતા સોમવારે રાત્રે માથાભારે તત્ત્વો બેફામ બન્યા હતા અને ઇંટના ઘા ઝીંકી અવિનાશભાઇની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
નિર્લજ્જ હુમલો થવાની મહિલાએ શંકા વ્યક્ત કરી તો પીઆઇએ કહ્યું, હજુ સુધી તો કંઇ થયું નથી ને
અમિતાબા બારડે કહ્યું હતું કે, ઘરમાં હોય અને દરવાજો ખુલ્લો રહી જાય એટલે શેરીમાં બીભત્સ ઇશારા કરવામાં આવે, એટલું જ નહીં શેરીમાં તો છેડતીના અનેક વખત ખેલ કરવામાં આવ્યા છે.
આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી અને શેરીમાં મહિલાઓ પર ગમે ત્યારે નિર્લજ્જ હુમલો થાય તેવી શંકા વ્યક્ત કરી હતી તો પીઆઇએ કહ્યું હતું કે, હજુ સુધી તો કંઇ થયું નથીને, અમિતાબાએ આક્રોશ સાથે કહ્યું હતું કે, શું પીઆઇ ચાવડા મહિલાઓની લાજ લૂંટાઇ જાય તેની રાહ જોઇ રહ્યા છે?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..