રાજસ્થાનમાં ડૉ. અર્ચનાના મોતથી ડૉક્ટરોમાં આક્રોશ, મહિલા તબીબે સ્યૂસાઈડ નોટમાં લખ્યું- ‘મેં કોઈ ભૂલ નથી કરી, ડૉક્ટરોને હેરાન કરવાનું બંધ કરો’
રાજસ્થાનના દૌસામાં મહિલા ડૉક્ટર અર્ચના દ્વારા સ્યૂસાઈડ નોટ લખીને આપઘાત કરવાના કારણે પોલીસની ભારે ફજેતી થઈ રહી છે. હકીકતમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થવા પર દૌસા પોલીસે ડૉક્ટર વિરુદ્ધ હત્યા જેવી ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. ડૉ અર્ચના પોલીસની કાર્યવાહીથી એટલા ભયભીત થઈ ગયા કે તેમણે બે માસૂમ બાળકો અને પતિને છોડીને મોતને વ્હાલુ કરી દીધુ. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ડૉક્ટર એસોસિએશનમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
ડૉક્ટરોએ આજે જયપુર મેડિકલ એસોસિએશનથી સ્ટેચ્યૂ સર્કલ સુધી રેલી નીકાળી હતી. આ દરમિયાન અનેક ઠેકાણે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ પોલીસે ડૉક્ટરોને રોડ પરથી હટાવી દીધા હતા.
આ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત અને જાણીતા ડૉક્ટરો આ મુદ્દા પર પોતાનો પક્ષ રજૂ કરી રહ્યાં છે. ધરણા, પ્રદર્શન અને માર્ચના વચ્ચે પોલીસ અને ડૉક્ટરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. સ્ટેચ્યૂ સર્કલ પર આ વિવાદ હતો. જો કે ઉચ્ચ અધિકારીઓએ આવીને મામલો થાળે પાડ્યો હતો.
મુખ્યમંત્રીએ અશોક ગહેલોતે ટ્વીટ કરીને કહ્યું કે, દૌસામાં ડૉ અર્ચના શર્માની આત્મહત્યાની ઘટના દુ:ખદ છે. દરેક ડૉક્ટર દર્દીનો જીવ બચાવવા માટે પોતાના શક્ય તમામ પ્રયત્ન કરે છે. જો કે દુર્ભાગ્યવશ કોઈ ઘટના ઘટે, તો તેના માટે ડૉક્ટરને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. જો આ પ્રકારે ડૉક્ટરને ડરાવવામાં આવશે, તો તેઓ પોતાનું કામ કેવી રીતે કરી શકશે? આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ થઈ રહી છે અને દોષીઓને છોડવામાં નહીં આવે.
પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ઘટનાને વખોડી
પોલીસના ડરથી મહિલા તબીબ દ્વારા આત્મહત્યાની ઘટનાથી મન વિચલિત છે. ડૉ અર્ચના એજ તબીબ છે, જેણે પોતાના જીવની પરવા કર્યા વિના કોરોના કાળમાં લોકોના જીવ બચાવ્યા હતા. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
ડૉ અર્ચના શર્મા અને તેમના પતિ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જે બાદ ગર્ભવતી મહિલાના પરિવારજનો દ્વારા હોસ્પિટલ બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર વિરુદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ સાથે લાલસોટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ માનસિક તણાવના કારણે ડૉ અર્ચનાએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલુ કરી દીધુ હતું.
ડૉક્ટરોને પરેશાન કરવાનું બંધ કરો
મહિલા ડૉક્ટર અર્ચના શર્માની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં ડૉક્ટર અર્ચનાએ લખ્યું છે કે, મેં કોઈ ભૂલ નથી કરી અને કોઈને માર્યા નથી. PPH એક કૉમ્પ્લિકેશન છે, જેના માટે ડૉક્ટરોને હેરાન કરવાનું બંધ કરો.
આ સ્યૂસાઈડ નોટના અંતમાં તેણીએ લખ્યું છે કે, મહેરબાની કરીને મારા બાળકોને માતાની કમી મહેસૂસ ના થવા દેતા. સ્યૂસાઈડ નોટ લખ્યા બાદ ડૉ અર્ચનાએ ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો હતો.
IMA દ્વારા હડતાલનું એલાન
આ ઘટનાથી નારાજ IMAએ રાજ્યના તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હડતાલનું એલાન કર્યું છે. IMAના સચિવ સર્વેશ જોશીએ જણાવ્યું કે, ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. બીજી તરફ દિલ્હી એઈમ્સના રેસિડન્ટ ડૉક્ટરો પણ આજે કાળી પટ્ટી બાંધીને કામ કરી રહ્યાં છે. રાજસ્થાનમાં આવા કોઈ મામલે ડૉક્ટરો દ્વારા હડતાલનો આ પ્રથમ કિસ્સો છે. હવે રાજસ્થાન સરકાર કેવી કાર્યવાહી કરશે? તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..