દંતેવાડાના યુવાનની દીર્ઘદ્રષ્ટિનું ખેડાણ, સમૃદ્ધિના સરનામે હજારો ખેડૂત
કૃષિપેદાશને જ્યારે યુવાદ્રષ્ટિથી જોવામાં આવે તો પરિણામ ઘણાં હકારાત્મક મળ્યાં છે તેના અનેક ઉદાહરણ આપણાં દેશમાં મળે છે. સામાન્ય સમજણ એવી છે કે પરંપરાગત ખેતી કરતાં ખેડૂતોનું ભરણપોષણ થાય પણ માલામાલ ન થાય. પણ જ્યારે જ્યારે સામુદાયિક ઉદ્દેશ સાથે ખેતી જોડાઇ ત્યાંત્યાં આ ચમત્કાર જોવા મળ્યો છે. મધ્યપ્રદેશમાં જ્યાં નકસલગ્રસ્ત વિસ્તાર દંતેવાડાનું નામ પડે ત્યાં માનસપટ પર જે ચિત્ર સર્જાય છે તેથી ક્યાંયગણું વધું સારું ચિત્ર સામૂહિક ખેતીને લઇને જોવાયું છે. અને એનો કરનાર છે એક બેન્કર યુવાન રાજારામ…
બેન્કમાં નોકરી કરતાં રાજારામ દંતેવાડા જેવા તણાવગ્રસ્ત, નાણાકીય અને રાજકીય રીતે અસ્થિર વિસ્તારમાં જાત બચાવીને જીવી શક્યાં હોત, પણ તેમણે નોકરી છોડી અને પારિવારિક ખેતી અપનાવી. આજે વરસો પછી તેમની કંપની કરોડો કમાય છે અને 22,000થી વધારે ખેડૂતોને પણ સમૃદ્ધ જીવન જીવવાનો રાહ દર્શાવી ચૂક્યાં છે.
વાત જરા વિગતે જોઇએઃ રાજારામના માતાપિતા ખેતીકામ કરતાં. તેમના સાત બાળકોમાં એક રાજારામ ત્રિપાઠી. સહોદરોની જેમ જ એ પણ કૃષિકાર્યને નજરોનજર જોઇને મોટા થયાં, ભણ્યાંને બસ્તરમાં બેન્કની સરસ સરકારી નોકરીએ લાગ્યાં. આ નોકરીએ રાજારામને બેન્ક અને ખેડૂતોની કૃષિલોનના સતત ચાલતા ચક્રને સમજવાની તક ખડી કરી હતી. તેમણે ઘરમાં જ જોયું હતું કે તેમના પિતા કૃષિલોન લેતાં અને એનું ચૂકવણું કરવા બીજી લોન લેતાં..ફાર્મિંગ ઇકોનોમીના દૂષણની સમજણ કેળવાઇ. બેન્કરની આંખે જોયું કે ખેડૂત તેની કમાઇના સામેના ત્રાજવે તેનું કામ અને તમામ સામગ્રી મૂકે તો હંમેશા ખોટના ખોળે જ બેસે.
રાજારામે ખેડૂત લોનની મુશ્કેલીને લઇ નાબાર્ડને પત્ર લખ્યો, હેડઓફિસે તેડું મોકલ્યું અને તેમની મિસપ્લેસ્ડ ઇકોનોમિક્સ થીમની ચર્ચા કરાઇ. પેનલે માન્યું તો ખરું કે રાજારામની વાતમાં દમ છે પણ તેનો ઉકેલ આપ્યો નથી તે લઇને આવો તેમ કહ્યું. બસ, આ ચેલેન્જે યુવાન રાજારામ ત્રિપાઠીની સકસેસ સ્ટોરી બનાવી દીધી. 1998માં યુવાન રાજારામે બેન્કની સેફજોબ છોડી દીધી. ઘરમાં સ્વાભાવિક આ વાતે નાપસંદગી વ્યક્ત કરાઇ. ઘરમાં સાત ભાઇઓમાં પોતે સૌથી મોટા હતાં એટલે માતાપિતા નારાજ થયાં પણ યુવાન રાજારામને આત્મવિશ્વાસ હતો કે ખેતી પણ સમૃદ્ધિનું સરનામું બની શકશે.
કઇ રીતે ખેતીને નફાકારક કરું તેનું ચિંતન ચાલ્યું તેમાં જણાયું કે માર્કેટિંગ એ સૌથી મોટી નબળાઇ છે. તેના પર ધ્યાન આપવું જરુરી છે. ખેતી શરુ કર્યાંના પહેલાં વર્ષે શાકભાજીનો ધંધો કર્યો. માગ અને પુરવઠા સાથે નાશવંત પાકનો વેપાર રાજારામને પ્રોફિટેબલ નીવડ્યો નહીં. રાજારામને જ્ઞાન લાધ્યું કે ભારે માગ હોય તેવી ખેતી કરવી. એવી ખેતી કે જે મોટાભાગના ખેડૂતો કરતાં ન હોય. તેમને આની દિશા પણ મળી ગઇ. ભોપાલના સેન્ટર ફોર એન્તોરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. જી એસ જરિયાલને મળવાથી. આ મુલાકાતે ઔષિધીય ખેતીનું જગત ખોલી આપ્યું હતું.
1999ના અંત સુધીમાં રાજારામે નક્કી કરી લીધું કે તે શેની ખેતી કરશે. રાજારામે પસંદ કરી મૂસળીની ખેતી, જેનો આયુર્વેદિક દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રરીય બજારોમાં તેની મોટી માગ હોય છે. એકસમયની વાવણીમાં રોકાણ પછી લાંબો સમય તેનો લાભ મળે છે. કિલોએ પચાસ રુપિયા ઉપરનો ભાવ હંમેશા રહે છે જે શાકભાજી માટે તેમને ક્યારેય ન મળી શકે. મૂસળીના મૂળીયાં ઉપરાંત તેના ડાળપાંખડી પણ વેચાય.
શરુઆતે રાજારામે પોતાના 25 એકરના ખેતરમાંથી 2 એકર જમીનમાં મૂસળી વાવી. આ વાવણી કરી એ પહેલાં ભણેલાંગણેલાં આ યુવાને પૂરતો અભ્યાસ કરી લીધો હતો કે તેનું વેચાણ માર્કેટ આ પાક ખરીદવા ટાંપીને બેઠું છે. ખાતરીપૂર્વકનું આગળ વધતાં ‘મા દંતેશ્વરી હર્બલ ગ્રુપ’ નામની કંપની રજિસ્ટર કરાવી અને વેચાણ માટે વેબસાઇટ પણ લોન્ચ કરી દીધી. મૂસળીની ખેતીમાં પોતાના પરિવારની પદ્ધતિએ ઓર્ગેનિક ફાર્મિંગ અપનાવ્યું, તેમને ખબર હતી કે વિશ્વભજારમાં ઓર્ગેનિક પ્રોડક્ટની ઘણી માગ છે. તેમનો આ નિર્ણય એકદમ પરફેક્ટ રહ્યો અને અને પહેલા જ પાકમાં તેમને એકરે પાંચ લાખ રુપિયાની કમાણી કરાવી.
તેમનું સાહસ સફળ થયું એટલે હવે તેમણે બ્રાહ્મી, સર્પગંધા, મૂળેઠી અને લેમનગ્રાસની ખેતી શરુ કરી. એટલું જ નહીં, ધીરેધીરે તેમના વિસ્તારમાં નાનીનાની ખેતી કરતાં ખેડૂતોને જોડવા માંડ્યાં અને જોતજોતાંમાં જાણે ક્રાંતિની જેમ ઔષધિય ખેતીની ચળવળ ચાલી ગઇ. જેના પરિપાકરુપે 2002માં સેન્ટ્રલ હર્બલ એગ્રો માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા-CHAMF નામની કોઓપરેટિવ કંપની ખડી થઈ ગઇ.
હવેના સમયમાં સંપીલી ખેતી અજાણ્યો વિષય રહ્યો નથી પણ એ વખતે હતો. તેમની કોઓપરેટિવ કંપનીમાં ખેડૂતોએ બીયારણ કે રોપવાના છોડ વગેરે માટે બજાર ભણી મીટ માંડવી પડતી નથી કારણ કે તે અન્ય ખેડૂતો જ આપે છે. નહીં છેતરાવાની ગેરંટી..અને એ પણ એકેય રુપિયો ચૂકવ્યાં વિના. વળી માલ તૈયાર થયે તેના ખરીદનાર તૈયાર, નક્કી કરેલી કીમતોએ વેચાણ પણ થઇ જાય. સરવાળે નાનો ખેડૂત રાજીરાજીના રેડ. કેટલું વાવવું અને કયો પાક ક્યાં વાવવો તેનો અભ્યાસ કરીને રાજારામ ખેડૂતોને સમજણ આપે.
પાક તૈયાર થયે નાના ખેડૂત પાસેથી માલ ઉઘરાવી એકસ્થળે ભેગો કરી, ગુણવત્તા ચકાસી એકસાથે યુરોપીય દેશો અને અમેરિકામાં નિકાસ કરવામાં આવે. કંપની એક પણ રુપિયો નફો પોતાની પાસે ન રાખે અને ખેડૂતને તેના માલ પ્રમાણેનો તમામ ભાગ ચૂકવાઇ જાય છે. આજે આ ગોઠવણનો લાભ દેશભરના 22,000થી વધુ ખેડૂતોનું જીવતર જીવવા જેવું બનાવી રહ્યો છે. જે નવો ખેડૂત તેમાં જોડાય તેને ફ્રી ટ્રેઇનિંગ અને ઔષધીય પાકના છોડ પણ મફતમાં અપાય છે. સીએચએએમએફને ભારત સરકારે રાષ્ટ્રીય સંસ્થા તરીકે માન્યતા આપી છે
સમય વીત્યો તેમ રાજારામ ખેતીના વિસ્તાર માટે વધુ જમીન લેતાં ગયાં. વધુ નવા પાક લેતાં થયાં. તેમનો પરિવાર પણ તેમના સાથે જોડાઇ ગયો. રાજારામ હાલ 70 પ્રકારની આયુર્વેદિક જડીબૂટીઓનો પાક તેમની 700 એકર જમીનમાં લે છે અને 300 આદિવાસી ખેડૂતોને રોજગારી પણ આપે છે. તેમના ફાર્મમાં કામ કરતાં ખેડૂતો ત્યાંથી મૂળ-છોડ નિશુલ્ક લઇ જઇને પોતાના ખેતરમાં પણ વાવી શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં આ ખેતીની વાત કરીએ તો કહેવાય છે કે વિશ્વબજારમાં 35,000 ટન ઔષધપાકની જરુરિયાત છે તેની સામે ફક્ત 5 ટકા જ મળે છે. સમજી શકાય છે કે આ માર્કેટમાં કેટલું સામર્થ્ય છુપાયેલું છે.! ભારતીય ખેડૂતો માટે ખૂબ મોટી તક છે.
રાજારામનો આત્મો આટલી સફળતાથી ધરાઇ નહોતો ગયો, તેમણે ગ્રામીણજનોને અપીલ કરી કે તમારા વસૂકી ગયેલ પશુધનને પોતાના ફાર્મમાં મૂકી જાય. ત્રણ વર્ષ પહેલાં શરુ કરેલી આ પ્રવૃત્તિએ હવે તેમના ફાર્મમાં 300 જેટલા ગાયબળદ એકઠાં કર્યાં છે અને તેના થકી કુદરકી ખાતર પેદા કરે છે. તેની દેખભાળ માટે બહેનોનું એક ગ્રુપ બનાવ્યું- સમગ્ર આદિવાસી મેડિસિનલ પ્લાન્ટ ડેવલપમેન્ટ એસોસિએશન- સંપદા. આ સંગઠન રાજારામની પત્ની શિપ્રાએ સંભાળી લીધું જેમાં 68 નોંધાયેલાં અને 640 અન્ય સભ્યો જોડાયાં છે.
કંઇ ઉપયોગી અને નવું કરવા સાથે સમૃદ્ધિ પણ લાવે તેવા જોશ સાથે શરુ કરેલા કામે આજે રાજારામ ત્રિપાઠીને ક્યાં પહોંચાડ્યાં છે? આજે તેઓ ભારતના સૌથી મોટા વ્યક્તિગત ધોરણે મૂસળીની ખેતી કરતાં ખેડૂત છે અને આયુર્વેદિક જડીબૂટીઓ અને મસાલા પકવતાં, અને યુએસ,યુકે અને યુરોપમાં 60 કરોડનો વાર્ષિક નિકાસવેપાર ધરાવતાં વેપારીની નામના અર્ચિત કરી લીધી છે.
રાજારામ કહે છેઃ નાના ખેડૂતો માટે આ ખેતી ઘણી લાભકારક છે. સ્ટેવિયા, મરી અને ઓસ્ટ્રેલિયન ટીકની ખેતી પણ કરી શકાય છે. બજારના વચેટિયાઓને બાજુએ ખસેડી પોતાની મહેનતની સારી કમાણી શક્ય છે. ભારતના ખેડૂતો માટે દુનિયાનું બજાર ખુલ્લું છે. ખેડૂતોએ ખેતીમાં નવા પ્રયોગોના ભય ન રાખવો જોઇએ. વૈશ્વિક માગ પ્રમાણે પાક લેવાનો હવે યોગ્ય સમય છે.
3-4 એકર જેવી નાની જમીન હોય તો પણ તેની કમાણી ઉચ્ચકક્ષાના અધિકારીના પગાર બરોબર છે. જો બધાં ભેગાં મળીને આ પ્રકારના પાકની ખેતી શીખીએ, એકબીજાને મદદ કરીએ તો કશુંય અશક્ય નથી. મેં જોયું છે કે હર્બલ પ્રોડક્ટની દિનોદિન વધી રહેલી માગના કારણે જંગલોમાંથી જડીબૂટીઓનો સોથ વળી ગયો છે. આશરે 30 પ્રકારની હર્બ્ઝ સદાકાળ માટે નાશ પામી ગઇ છે. જંગલોમાંથી લઇ લઇએ છીએ ખરાં પણ વાવતાં નથી તેથી આ સ્થિતિ આવી છે. ત્યારે આ પ્રકારની ખેતી જ તેને ધરતી પર બચાવી રાખવાનો સૌથી સારો ઉપાય છે.
સૌજન્ય – ચિત્રલેખા