સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. રાજકોટ, અમરેલી, ગોધરા, પંચમહાલ, પાટણ, મહિસાગર, બોટદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ મેઘ મહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાઓ પણ સામે આવી હતી. વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થવાથી ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા છે..

વરસાદી ઝાપટાથી પાકને ફાયદો થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ..

ગોંડલ તાલુકાના શાપર,ગુદાસરા,અરડોઈ સહિતના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગોંડલમાં હજી પણ અનેક વિસ્તારોમાં વાવાણી બાકી છે. કપાસ-મગફળી સહિતના પાકોનું ખેડૂતો વાવેતર શરૂ કરશે.

રાજકોટમાં સમીસાંજે વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને રોડ પર નદીઓ વહી ગઈ હતી શહેરમાં પહેલા ધોધમાર વરસાદથી સૌકોઈના હૈયા પુલકિત થયા હતા અને વરસાદને લોકોએ મન ભરી માણ્યો હતો શહેરના અનેક વિસ્તારમાં નાના ભુલકાંઓએ વરસાદની મોજ માણી હતી અને યુવાનો પણ વરસાદમાં નીકળી પડ્યા હતા.

અમરેલી જીલ્લામાં વરસાદી ઝાપટાં :

વાયુની અસરના વિરામ બાદ અમરેલી જીલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. બપોર બાદ ધારી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. આમ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વાવણી બાદ વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદનું આગમન :

તો આ બાજુ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. સાબરાકાંઠાના વિજયનગર સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ઈડરમાં પણ ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો આ બાજુ અરવલ્લીના શામળાજીમાં પણ ધીમી ધારે મેઘો મંડાયો છે.

બોટાલ જીલ્લામાં ધોધમાર વરસાદ :

બોટાદના બરવાળા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળ્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો