રાજ્યમાં ફરી મેઘમહેર, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ
અરબી સમુદ્રમાં સર્જાયેલી ઈસ્ટ વેસ્ટ શિઅર સિસ્ટમને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર સર્જાઈ હતી. તાપી જિલ્લામાં ગત રાત્રિથી શરૂ થયેલી વરસાદની મહેર વચ્ચે આજે સવારે છ વાગ્યા સુધીના વીતેલા ચોવીસ કલાક દરમિયાન કુકરમુંડામાં બે ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે નિઝર અને સોનગઢમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.
અમરેલીના વડીયા, લાઠી, બગસરા, ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. વડીયામાં એક કલાકમાં એક ઇંચ જેટવો વરસાદ ખાબક્યો છે. જેના કારણે બજારોમાં પાણી ભરાઇ ગયા છે. તો લાઠી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
રામપર, તાજપર સહિતના ગામોમાં વરસાદ પળતા નાળા છલકાઇ ઉઠ્યા છે. રામપર-રાજકોટ રોડ પરના નદી-નાળામાં નવા નીર આવ્યા છે. ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં વાવડી ગામની નદીમાં નવા નીર આવ્યા છે. જ્યારે બગસરા, લૂંધિયા તેમજ આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
સૌરાષ્ટ્રમાં જામજોધપુર, જામવાળી, વાલાસણમાં અઢી, હરિયાસણમાં બે ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રના જામજોધપર, જામવાળી,વાલાસણમાં અઢી ઈંચ હરિયાસણમાં ર,મોટી પાનેલીમાં દોઢ ઈંચ,જુનાગઢ, સીદસર, જામજોધુપર, વાસજાળિયા, સતાપરમાં, મેંદરડા ૧ ઈંચ,અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા,ગીર વિસ્તારમાં જાંબાળ, અભરામપુરા, ગઢડકા, સુખપુર સહિત દસ ગામમાં વરસાદ વરસતા ગીર વિસ્તારમાં પાણી વહેવા લાગ્યા હતા. મોરબી માળિયા વિસ્તારમાં ઝાપટાંથી લઈને પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો.
જૂનાગઢમાં બે ઇંચ, કેશોદમાં અડધો ઇંચ વરસાદ
જૂનાગઢમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કેશોદમાં અડધા કલાકમાં એડધો ઇંચ વરસાદ નોંધાયો છે. અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે.
ધારીના વાવડી ગામે નદી બેકાંઠે બની
અમરેલીના ધારી તાલુકાના વાવડી (રામવાળાની) ગામે ભારે વરસાદથી નદી બેકાંઠે થઇ છે. નદીમાં ઘોડાપૂર આવાતા રસ્તાઓ બંધ થયા છે. બાબગાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી નદીઓ બેકાંઠે બની છે. સમઢીયાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. ભારે પવનના કારણે સાવરકુંડલાના છેલાણામાં વીજપોલ ધરાશાયી થયો છે. જો કે, કોઇ જાનહાનિ સર્જાઇ નથી. સાંવરકુંડલાના ચરખડીયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી પાકને નવુ જીવતદાન મળશે.
જેતપુરથી જૂનાગઢ સુધી ધોધમાર વરસાદ
સવારે આઠ વાગે રાજકોટના રિબડાથી ગોંડલ અને જેતપુરથી જૂનાગઢ સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં એક તરફ કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે કડાકાભડાકા સાથે વરસાદ વરસતા મતદાન પર અસર થઇ છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી લોકો બહાર નીકળવાને બદલે ઘરમાં રહ્યા હતા. ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
ભરૂચમાં વરસાદી માહોલ
તો આ બાજુ ભરૂચમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થઇ છે. વરસાદના આગમથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોડીરાતથી રાજપીપળામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.
વડોદરામાં વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
તો આ બાજુ બોટાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઢડામાં વીજળીના જોરદાર કડાકા શરૂ થઇ ગયા છે. અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
નવસારીમાં લાંબા વિરામ બાદ મોડીરાતથી વીજળીના કડાકા ભડાકા સાથે ફરી વરસાદનું આગમન થયું છે. લંબાયેલા વરસાદ બાદ આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. જ્યારે લોકોને ગરમીથી રાહત મળી છે.
ભાવનગરમાં વીજળીના ભારે કડાકા સાથે મોડીરાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. તો લાંબા વિરામ બાદ મેઘો મંડાતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી અને નર્મદામાં વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં 24 કલાક દરમિયાન બારડોલી : 27 મિમી ચોર્યાસી :14 મિમી કામરેજ :54 મિમી મહુવા :51 મિમી માંડવી: 50 મિમી માંગરોળ :33 મિમી પલસાણા :22 મિમી ઓલપાડ :32 મિમી ઉમરપાડા :57 મિમી સુરત સિટી :83 વરસાદનોંધાયો છે. જ્યારે ડાંગ જિલ્લામાં આહવા :13 મિમી વઘઇ :19 મિમી સુબિર :09 મિમી સાપુતારા :33 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
મધ્યગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં 24 કલાકમાં ગોધરા:8મીમી ઘોઘબા:7મીમી કાલોલ:3મીમી હાલોલ:4મીમી મોરવા:7મીમી જાંબુઘોડા:4મીમી. વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.