રઘુવંશી સમાજની દીકરીઓ માટે ઉનામાં માત્ર 1 રૂપિયામાં જ ધો-7થી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મળશે, 1 રૂપિયામાં રહેવું, ભોજન, પુસ્તકો, બુકો વગેરે મળશે
ભાર વગરનું ભણતર એ માત્ર સરકારી સૂત્ર જ બનીને રહી ગયું છે, જેની અમલવારી ક્યાંય જોવા મળતી નથી. ઉલ્ટાનું ભણતરના ભારથી છાત્રો અને તગડી ફીના ભારથી માં બાપો પર બોજ વધી જાય છે. ત્યારે ભાર વગરના ભણતરના સૂત્રને રઘુવંશી સમાજ સાર્થક કરવા જઇ રહ્યો છે. આ માટે ઉનામાં રઘુવંશી સમાજ દ્વારા કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવશે.
એપ્રિલથી શરૂ થનાર કન્યા છાત્રાલયમાં ધોરણ 7થી લઇને ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ માત્ર 1 રૂપિયામાં આપવામાં આવશે. 1 રૂપિયાની ટોકન ફિમાં રહેવું, ભોજન, પુસ્તકો, બુકો તેમજ ટ્યુશન વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવશે.
ઉનાની કન્યા છાત્રાલયમાં અભ્યાસ અર્થે મોકલવા અનુરોધ કરાયો
આ અંગે ઉના સ્થિત ડો. ગિરીશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, 50 દીકરીઓને આ રીતે ફ્રિમાં શિક્ષણ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ખાસ કરીને સમાજના ગરીબ, મધ્યમ વર્ગિય કે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો, દીકરી હોશિયાર હોવા છતાં નબળી આર્થિક સ્થિતિને કારણે આગળ અભ્યાસ કરાવી શકતા નથી. ત્યારે આવા પરિવારોની દીકરી પણ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સમાજમાં માનભેર જીવી શકે, ભવિષ્યમાં પોતાના પગભર થઇ શકે તે માટે માત્ર 1 રૂપિયામાં અભ્યાસ કરાવવાનું આયોજન છે. ત્યારે રઘુવંશી સમાજના જરૂરિયાતમંદ માં બાપોને પોતાની દીકરીને ઉનાની કન્યા છાત્રાલયમાં અભ્યાસ અર્થે મોકલવા અનુરોધ કરાયો છે.
3 દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવું છું
ઉનામાં રઘુવંશી સમાજની કન્યા છાત્રાલય શરૂ કરી 1 રૂપિયામાં શિક્ષણ આપવાના પ્રણેતા ડો. ગિરીશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે મેં મારા પુત્રને વેરાવળ રઘુવંશી સમાજની હોસ્ટેલમાં દાખલ કર્યો છે. જો ખાનગી સંસ્થામાં અભ્યાસ કરે તો તેનો ખર્ચ 1.20 લાખ થાય. તેના અભ્યાસ ખર્ચના બચતા 1.20 લાખ અન્ય 3 દીકરીઓના ઉચ્ચ અભ્યાસના ખર્ચ પાછળ વાપરૂં છું.
કોનો સંપર્ક કરવાનો ?
એપ્રિલ માસથી એડમિશનની પ્રક્રિયા શરૂ કરાશે. જેમાં માત્ર 1 રૂપિયામાં મળનાર ધોરણ 7થી ગ્રેજ્યુએશન સુધીના શિક્ષણનો લાભ મેળવવા કોડીનાર વિસ્તારની દીકરીઓ માટે જયેશભાઇ અજબીયા અને આર. કે. લાખાણીનો સંપર્ક કરવાનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..