ગુજરાતના વૃક્ષપ્રેમી બિઝનેસમેન, 6 વર્ષમાં વાવ્યાં છે 6 લાખથી વધુ વૃક્ષો, હવે 40 હજાર વૃક્ષો વાવીને આપશે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ
ઉમરગામમાં રહેતા ગારમેન્ટ બિઝનેસમેન રાધાક્રિષ્નન્ નાયરે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘પુલવામા શહીદ વન’ બનાવવાની જાહેરાત કરી છે. જેને માત્ર 40 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં 40 પ્રકારના 40,000 વૃક્ષોનું વાવેતર કરીને બનાવવામાં આવશે. અગાઉ તેમણે 6 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે વૃક્ષો વાવ્યા હતા, જેના કારણે તેમને લોકો ‘ગ્રીન હીરો’ કહીને બોલાવે છે. ભારતના સાત જેટલાં રાજ્યોમાં 40થી વધુ જંગલો પણ તેમણે બનાવ્યા છે. આ પ્રશંસનીય કામ માટે ભારતના અનેક રાજ્યોએ તેમનું એવોર્ડ આપી સન્માન પણ કર્યું છે.
નિષ્ફળતાને બદલી સફળતામાં
હાલમાં ત્રણ ગારમેન્ટ ફેક્ટરીના માલિક રાધાક્રિષ્નન્ નાયરની સફળતાની કહાની પણ રોમાંચક છે. આજે 450 લોકોના સ્ટાફને નોકરીએ રાખતા ગ્રીન હીરો 12મા ધોરણમાં ફેઇલ થયા હતા. પછી નાયર નોકરીની શોધ માટે મુંબઈ આવ્યા હતા. જ્યાં તેમણે ઘણા વર્ષો સુધી અલગ-અલગ કામ કર્યું હતું. સૌપ્રથમ તેમણે એક મેડિકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે કામ કર્યું હતું. ત્યારપછી હોટેલમાં અને કપડાંની દુકાનમાં સુપરવાઇઝર તરીકે પણ કામ કર્યું હતું. તે દરમિયાન તેમને ગુજરાતમાં ફેક્ટરી મેનેજર તરીકે નોકરી કરવાની તક મળી હતી અને તેઓ ગુજરાત આવ્યા. તેઓ વલસાડના દરિયાકિનારે આવેલા ઉમરગામમાં આવીને વસ્યા હતા.
વૃક્ષો ઉગાડવાનો કર્યો નિશ્ચય
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, છ વર્ષની ઉંમરથી જ તેમને વૃક્ષો સાથે પ્રેમ થઈ ગયો હતો. ગુજરાતમાં એક રોડ પ્રોજેક્ટ માટે 175 વૃક્ષોને કાપવામાં આવ્યા, જેને કારણે કેટલાય પંખીઓના માળા વેરવિખેર થઈ ગયા. આ ઘટનાએ નાયરનું જીવન બદલી નાંખ્યું. નાયરે ત્યારે જ મનમાં નક્કી કરી લીધું કે મારે કંઈક કરવું છે. તેમણે ઉમરગામમાં જ એક એકર જમીન ખરીદી. નાયરે આ અંગે જણાવ્યું કે, ‘ખરીદેલી જમીન પર અમે જાપાની પદ્ધતિથી 1500 વૃક્ષો ઉગાડવાનું નક્કી કર્યું. આ પછી અમે જાપાનની ‘અકીરા મિયાવાકી’ ટીમનો સંપર્ક કર્યો હતો, જેમણે આ કામમાં અમારી મદદ કરી હતી.’ નાયર તેમનો વિચાર જણાવતા કહે છે કે, ‘હું શીખ્યો છું કે જો આપણે કુદરતને મદદ કરીએ તો કુદરત પણ આપણને મદદ કરે છે અને મેં કેટલાક ઔષધીય વૃક્ષો પણ વાવ્યાં છે.’
7 રાજ્યોમાં વાવ્યા છે વૃક્ષો
ઉમરગામમાં જંગલનો સારો વિકાસ જોઈ મહારાષ્ટ્રની એક કેમિકલ કંપનીએ નાયરને વૃક્ષ વાવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે આ કેમિકલ ડંપયાર્ડમાં 38 પ્રકારના 32,000 છોડ વાવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે આ જગ્યા આજે એક જંગલમાં ફેરવાઈ ગઈ છે. એટલું જ નહીં, આ ટીમે છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ જંગલો બનાવ્યા છે. એક અહેવાલ પ્રમાણે નાયરની ટીમે 7 રાજ્યોમાં 6 લાખથી વધુ વૃક્ષો વાવ્યાં છે. જેને કારણે 40 જેટલા નવા જંગલ ઊભા થયા છે.