ઉમરપાડાના દેવઘાટ ધોધમાં સેલ્ફી લેવાના ચક્કરમાં PWDના યુવા કોન્ટ્રાક્ટરે ગુમાવ્યો જીવ

ઉમરપાડાના દેવઘાટ પ્રવાસન કેન્દ્ર ખાતે પરિવાર સાથે પિકનિકનો આનંદ માણવા આવેલા ભરૂચના 36 વર્ષીય પીડબલ્યુડીના સરકારી કોન્ટ્રાક્ટરનું દેવઘાટના ધોધ ઉપર સેલ્ફી લેવા જતાં પગ લપસી જતાં ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. પરિવારના સભ્યોની નજર સામે જ કરૂણ મોત થવાથી પત્ની, નાના બાળકો સહિતનો સમગ્ર પરિવાર હૈયાફાટ રૂદન આક્રંદથી શોકમાં ગરકાવ થયો છે.

સૂચનાનો અનાદર કરી સેલ્ફી લેવા જતા મળ્યું મોત

ઘટના અંગે પ્રાપ્ત થતી માહિત અનુસાર ઉમરપાડાના દેવઘાટ પ્રવાસ કેન્દ્ર ખાતે પીડબલ્યુડીના સરકારી કોન્ટ્રાક્ટર ઋત્વીકભાઈ રમેશચંદ્ર ઈટવાલા (પ્રજાપતિ) (36) (રહે. બંગલો નં 8, દેવ દર્શન સોસાયટી, ભરૂચ) પોતાની પત્ની કિર્તીબહેન ઈંટવાલા (33), પુત્રી ભવ્યા (9), પુત્ર રૂદ્ર (4) તેમજ ઋત્વીકભાઈના મામા-મામી અને તેમના બે પુત્રો સહિત બે ફેમીલી ભરૂચથી અલગ અલગ કારમાં દેવઘાટ પ્રવાસ કેન્દ્ર ઉમરપાડા દીવતણ ખાતે આવ્યા હતાં. બંને પરિવારે દેવઘાટના કુદરતી સૌદર્યની મજા માણી હતી. આ સમયે ઋત્વીકભાઈ દેવઘાટ ધોધ પર સેલ્ફી લેવા સાઈડ ઉપર જતો હતો. ત્યારે વન વિભાગના કર્મચારીએ તેને અટકાવ્યો હતો પંરતુ સૂચનાનો અનાદર કરી ઋત્વીક ધોધની જોખમી સાઈડ પર ચઢીને સેલ્ફી લેવા ગયો હતો.

તરવૈયાઓ ઋત્વીકને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતાં

ધોધના લીલવાળા ચીકણા પથ્થર પરથી ઋત્વીકનો પગ લપસી જતાં તે કિંઘાટ ધોધ ઉપરથી પડતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અનેક સહેલાણીઓની ઉપસ્થિતિમાં થઈ હતી. બચાવો બચાવોના બૂમા પાડતાં સ્થાનિક બે ત્રણ તરવૈયાઓ ઋત્વીકને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતાં. આ સમયે ગભરાય ગયેલા ઋત્વીકે તરવૈયા અમરસિંગ વસાવાને બાથભીડી લેતા તરવૈયો પણ ડૂબવા લાગ્યો હતો અને તરવૈયાએ યેનકેન પ્રકારે પોતાનો જીવ બચાવવા સફળ રહ્યો હતો. પરંતુ ઋત્વીક 20 ફૂટ ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોતને ભેટ્યો હતો.

પથ્થરોની વચ્ચે ફસાયેલો મૃતદેહ મળ્યો

પરિવારના સભ્યોની સામે જ કરૂણ ઘટના બનતાં પત્ની- બાળકો હૈયા હચમચાવી દે, તેવા રૂદન કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઉંડા ધોધમાંથી ઋત્વીકનો મૃતદેહ ન મળતાં બારડોલી ફાયર બ્રીગેડની ટીમને બોલાવવામાં આવી હતી. મૃતદેહ ન મળતાં તાલુકા મામલતદાર, પોસઈ ઉમરપાડા તેમજ વનવિભાગના આરએફઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને સ્થાનિક તરવૈયાઓની ટીમને કામે લગાડતાં લોખંડના હુક વાળી રીંગ દોરડા સાથે બાંધી પાણીમાં નાંખતાં ગત રોજ પથ્થરોની વચ્ચે ફસાયેલ ઋત્વીકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મનાઈ કરવા છતા ધોધ પાસે ગયા

તકેદારીના પગલા રૂપ કાયમી ધોરણે અમારા સ્ટાફના માણસો હાજર રહે છે. ગત રોજ અમારા સ્ટાફના માણસોએ મરનારને જોખમી સ્થળે ન જવા સૂચના આપી હતી. છતાં તેઓ ધોધ પાસે ગયા હતાં. આ સ્થળ પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવેલ છે. ઘટનાની જાણ ડીએફઓને કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર જોડે ચર્ચા કરી છે. જેથી સુરક્ષા અંગે આવનારા દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. – ભોલેસિંગ વસાવા, વડપાજા વનવિભાગના રેંજના આરએફઓ

પત્નીની નજર સામે પતિ ગરક થઇ ગયો

સેલ્ફી લેવા ગયેલા ઋત્વીક પત્નીની નજર સામે ધોધના પાણીમાં પડી ગયો હતો. બચાવો બચાવોની બૂમ કરી રહ્યો હતો ત્યારે પતિને બચાવવા પત્ની કિર્તી ધોધ નજીક દોડી આવી હતી, અને પતિને બચાવવા ધોધના ઉંડા પાણીમાં કૂદવાના પ્રયાસ કરતાં હાજર સહેલાણીઓએ કિર્તીને પકડી લીધી હતી.

ઋત્વિકનો પાલક પિતાની છત્ર છાયામાં ઉછેર થયો હતો

ધોધમાં ડૂબીને મોતને ભેટનાર ઋત્વીક પોતે પીડબલ્યુડીનો સરકારી કોન્ટ્રાક્ટર હતો. સુખી સંપન્ન પરિવારમાં રહેતો હતો. ઋત્વીકના પિતા રમેશચંદ્ર ઈટવાલા હતાં. તેમણે પોતાની પત્ની મીનાબહેન સાથે વર્ષો પહેલા છૂટાછેડા થયા હતાં. ત્યારે ઋત્વીકની ઉંમર 4 વર્ષની હતી. આ સમયે ઋત્વીકને જયેશભાઈ પ્રાણલાલ બગડિયાએ પાલક પુત્ર તરીકે ઉછેર કર્યો હતો.અને મીનાબહેનને પત્ની તરીકે સ્વીકારી હતી. જયેશભાઈ વડોદરા ખાતે પીડબ્ય્લુડી કચેરીમાં ફરજ બજાવે છે.

દેવઘાટ ધોધમાં 10 વર્ષમાં 50થી વધુનાં મોત થયા છે

ઉમરપાડાના દેવઘાટ ધોધમાં છેલ્લા 10 વર્ષમાં 50થી વધુ સહેલાણીઓના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત થયા છે. છતાં રાજ્ય સરકારન અને વનવિભાગ દ્વારા મોતનો સીલસીલો અટકાવવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ગતરોજ બનેલી ઘટનાથી દુખી થયેલા જાગૃત લોકો આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યસરકારના કેબિનેટમંત્રી સમક્ષ ધોધને સુરક્ષીત બનવાવા માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો