સુરત: 10થી વધુ બાળકોને બચાવનાર પ્રીતિ પટેલનું 48 કલાક બાદ મૃત્યુ
સુરત: વેસુમાં આગમ આર્કેડમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ એક તરફ ભાગદોડ મચેલી હતી. શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા અને કેટલાક બાળકોને બહાર કાઢી શકાયા ન હતા. ત્યારે તમામ શિક્ષકો વહેલી તકે બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. ત્યારે ટ્યુશન ક્લાસમાં જ નાના નાના બાળકોને ભણાવી રહેલા શિક્ષિકા પ્રિતીબેન નયનભાઈ પટેલનું મન બાળકોને એકલા છોડીને બહાર નિકળવા માટે માન્યુ ન હતું અને તેમણે લગભગ 13 જેટલા બાળકોને પ્રોત્સાહન આપવાની સાથે બહાર નિકળવાનો રસ્તો શોધવા માંડ્યા હતા અને લગભગ 10થી વધુ બાળકોને જીવના જોખમે પણ બહાર કાઢ્યા હતા.
પરંતુ આખરે તેઓ પોતે બેભાન થઈ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને બહાર કઢાયા હતા. છેલ્લે બહારકઢાયેલું બાળક મંથન તો બચી શક્યુ ન હતું પણ બાળકો સામે ઉભેલા મોતને માત આપ્યા બાદ પ્રિતી પટેલ પોતે મોત સામે ઝઝુમી રહ્યા હતા. બાળકોને બચાવનાર પ્રિતીબેન આખરે મોત સામે જીતી શક્યા નહી અને બુધવારે રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
ટીચરના મોત બાદ આખરે 48 કલાક બાદ ટ્યૂશન સંચાલક સામે ગુનો દાખલ કર્યો
આગમ આર્કેડમાં આગ પ્રકરણમાં ગુંગળામણથી એક બાળક અને મહિલાનું મોત નિપજવાના બનાવમાં ટીચરના પણ મોત બાદ આખરે 48 કલાક બાદ ટ્યૂશન સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં પોલીસે સરકાર તર્ફે ટ્યૂશન સંચાલક અને તપાસમાં જેની બેદરકારી સામે આવે તેની વિરુદ્ધ આઇપીસી 304 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ટીચર પ્રીતિબેન પટેલનું સારવાર દરમિયાન 48 કલાક બાદ મોત નિપજ્યું
24 કલાક બાદ પણ પોલીસે ગુનો દાખલ કર્યો ન હતો. ટ્યુશન સંચાલકની બેદરકારી સામે આવી છતાં પોલીસ હાલ તપાસ ચાલી રહી હોવાનું કહીને રટણ કરી રહી છે. 35 વિદ્યાર્થીઓ ફસાયા હતા. તેમાં મંથન નામના બાળકનું મોત થયું હતું. ટીચર પ્રીતિબેન પટેલનું સારવાર દરમિયાન 48 કલાક બાદ મોત નિપજ્યું હતું. ટ્યુશનમાં ફાયર આલાર્મ ન હતું. તમામ રૂમમાં એસી હતાં. ઓવરલોડના કારણે આગ લાગી હોવાનો અનુમાન ફારેન્સિક વિભાગે દર્શાવ્યો હતો. સ્પષ્ટ બેદરકારી દેખાતી હોવા છતાં પરંતુ પોલીસે 48 કલાક બાદ પણ ગુનો દાખલ કર્યો નથી.
તપાસ કરનાર પીએસઆઈ જે.આર.શુક્લાએ જણાવ્યું હતું કે ફ્યૂઝ અને વાયરના સેમ્પલો લીધા છે. લોડની તપાસ કરાશે અને બાંધકામમાં કોર્પોરેશને જે પ્લાન મંજૂર કર્યો તેમાં શું ફેરફાર થયો છે તેની તપાસ કરાઈ રહી છે. ડીસીપીઓ જયેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે ગુંગળામણ થવાથી બાળકનું મોત અને અન્ય બાળકોને અસર થવાના બનાવમાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટનો પણ ભંગ થયો છે.
‘આરોપીને 10 વર્ષની સજા થઇ શકે’
એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે ટ્યુશન સંચાલકની બેદરકારી છે. આ મામલે કલમ 304(એ)મુજબ ગુનો બને છે. પોલીસ તપાસમાં શું નિકળે તેના પર પણ આધાર છે. 304( એ)માં બે વર્ષ અને 304 મુજબ ગુનો નોંધાય તો 10 વર્ષની સજા થઈ શકે છે.
પ્રભુ એમાના આત્માને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..