એક સમયે માતા સાથે છાણા થાપનારા તોગડિયા છે કેન્સર સર્જન, પિતા હતા ખેડૂત

હાલ વીએચપીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા તેની સામે ખુલી રહેલા જુના પોલીસ કેસિસને લઈ ચર્ચામાં છે. તોગડિયાના હિન્દુત્વ વાદી વિચારો અને કાર્યોથી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ તે કોણ છે અને તેના મૂળીયા ક્યાંના છે તે અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. આજે અમે સૌરાષ્ટ્રમાં એક સમયે માતા સાથે છાણા થાપનારા બાળકથી લઈ ડૉક્ટર અને બાદમાં હિન્દુ લીડર બનવા સુધીની તેમની જીવન સફર અંગે જણાવી રહ્યું છે.

તોગડિયાનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા લીલીયાના સાજણટીંબા ગામમાં લેઉવા પટેલ પરિવારમાં થયો હતો.

સૌરાષ્ટ્રના સાજણટીંબામાં થયો જન્મ

પ્રવીણ મોહન ભાઈ તોગડિયાનો જન્મ 12-12-1956ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા લીલીયાના સાજણટીંબા ગામમાં થયો હતો. આ ગામમાં લેઉવા પટેલો અને ખેડૂતોનું ગામ છે. લેઉવા પટેલ એવા તોગડિયાના દાદા વશરામ ભાઈ પાસે સૂકી ખેતી હતી. આજની જેમ તે જમાનામાં તો મગફળી અને કપાસમાં કંઈ ઉપજતું નહીં એવી હાલત હતી. આથી તોગડિયાના પિતા મોહન ભાઈને લાગ્યું કે, આમાં આપણું પેટ ભરાવું મુશ્કેલ છે.આમ તોગડિયાના પિતા અમદાવાદ આવ્યા અને રૂસ્તમ જહાંગીર મિલમાં કામદાર તરીકે કામ કરવા લાગ્યા.

ખેતી સંભાળતા માતાને કરતા કામમાં મદદ

જોકે સાજણટીંબાની ખેતી તોગડિયાના માતા દુધીબહેનને સોંપતા ગયા. ડૉ. પ્રવીણભાઈના મામાએ દુધીબહેનને એક ભેંસ તો માસીએ ગાય આપી. આમ મોસાળમાંથી મળેલા ઢોરથી દુઝાણું થયું. છ વર્ષના ડૉ. તોગડિયા કામમાં બાને મદદ કરતા હતા. તેમાં છાણા થાપવાનું કામ પણ કરી આપતા હતા.

તોગડિયાના પિતા જહાંગીર મિલમાં કરતા નોકરી

25 પૈસા બચાવવા સ્કૂલે ચાલીને જતા તોગડિયા

દુધીબહેને કોઈની મદદ વગર પ્રવીણ તોગડિયા અને બીજા સંતાનોનો ઉછેર કર્યો. માત્ર એટલું જ નહીં, દુધીબહેને સંઘર્ષ કરીને ૧૦ વીઘા જમીનમાંથી ૧૦૦ વીઘા કરી. ડૉ. પ્રવીણ તોગડિયાને કોલેજ શું સ્કૂલમાં ભણાવવાનું દુધીબહેનનું ગજું નહોતું, પણ તેમના બાને લગ્ન કરિયાવરમાં મળેલા ઘરેણામાંથી પ્રવીણભાઈને દરેક ધોરણમાં કે સ્કૂલથી મેડિકલ કોલેજ સુધી ભણાવવા એક-એક ઘરેણું વેચી દીધું. તો સામે તોગડિયા પણ બસના ૨પ પૈસા બચાવવા લીલિયાની સ્કૂલ સુધી પગે ચાલીને જતા હતા.

તોગડિયાને ભણાવવા માટે માતાએ વેચી દીધા હતા ઘરેણા

પિતા અમદાવાદમાં હતા મિલ કામદાર

તો બીજી તરફ પ્રવીણભાઈના પિતા રૂસ્તમ જહાંગીર મિલમાં નોકરી કરે અને કોઈના ઝૂંપડામાં ઉંઘી જતા હતા. ઓછું ખાઈને પૈસા બચાવી વતનમાં પત્નીને મોકલતા રહેતા હતા.

એસ.એસ.સીમાં મેથ્સમાં આવ્યા 100માંથી 97 માર્ક્સ

તોગડિયાને તો 4ની ઉંમરથી જ ડૉક્ટર થવું હતું. ડૉક્ટરીનું ભણવા માટે પ્રથમ પગથિયા રૂપે અમદાવાદના શાહપુરના દરવાજાના ખાંચામાં રહેતા અમરેલીના બાબુભાઈ પટેલના ઘરે પેઇંગગેસ્ટ રહીને ભણ્યા હતા. પ્રવીણ ભાઈએ ૧પ વર્ષની ઉંમરે જય સોમનાથ, મેઘાણીની તુલસી ક્યારો, મનુભાઈ પંચોળીની ઝેર તો પીધાં છે જાણી જાણી’ વગેરે નવલકથાઓ વાંચા કાઢેલી. સાહિત્યની સાથે સાથે ગણિત પણ તેનો ફેવરિટ વિષય હતો. તેમજ એસ.એસ.સી.માં 100માંથી 97 માર્ક્સ આવ્યા હતા, આ સમય થયું કે પીએચ.ડી. કરીને પ્રોફેસર બનવું છે.

તોગડિયાને 4ની ઉંમરથી જ ડૉક્ટર થવું હતું

આમ આવ્યા સંઘમાં

તેમનો આર.એસ.એસ. કેવી રીતે સંપર્ક થયો? આ દરમિયાન તેમનો અમદાવાદમાં રામેશ્વરપ્રસાદ પાલીવાલ નામના વિદ્વાનનો પરિચય થયો. તે આર.એસ.એસ.ના ત્યારે સંચાલક હતા. તેનો પરિચય થતાં પ્રવીણભાઈ આર.એસ.એસ. સાથે સંકળાયા. તેમજ પ્રોફેસરની નોકરી સાથે પા‌ર્ટટાઈમ આર.એસ.એસ.નું કામ કરવાનો પણ નિર્ણય કરી લીધો હતો. આ દરમિયાન પ્રવીણભાઈને સારા માર્ક આવતા ફરીથી ડૉક્ટર બનવાની ઈચ્છા થઈ. તેને મેરિટ સ્કોલરશિપ મળી. તેથી પિતા પાસે પૈસા માગવા પડ્યા નહીં. આમ છતાં આર્થિ‌ક ભીંસ આવે તો ટ્યૂશન કરીને ખર્ચ કાઢી લેતા હતા.

અમદાવાદમાં રામેશ્વરપ્રસાદ પાલીવાલ નામના વિદ્વાનનો પરિચય લાવ્યો આર.એસ.એસમાં

બ્રહ્મચારી બનવા માગતા તોગડિયાએ રશ્મિકા બહેન સાથે કર્યા લગ્ન

પ્રવીણભાઈના લગ્ન રશ્મિકાબહેન સાથે થઈ ગયા. રશ્મિકા માત્ર ૧૦ ધોરણ જ ભણ્યાં હતાં. તેમને પ્રવીણભાઈએ જોયાં જ નહોતા. ડૉ. તોગડિયાને તો બ્રહ્મચર્ય પાળવું હતું. તેમજ આર.એસ.એસ.ના ધુરંધરો તેમની નિષ્ઠા જોઈ ગયેલા. પ્રો. રામેશ્વરપ્રસાદ પાલીવાલ, પ્રો. જીતેન્દ્ર વ્યાસ અને ડૉ. દામોદર પાંચેસરાની ઈચ્છા હતી કે પ્રવીણ પરણે નહીં, પણ પછી તેણે તેમની નિષ્ઠા જોઈને પરણવામાં કોઈ વાંધો ન ઉઠાવ્યો. સમય જતા તેઓ કેન્સર સર્જન બન્યા. તેમજ ધન્વંતરી હોસ્પિટલ પણ ખોલી. તેમજ આર.આર.એસ.માંથી તેમને વીએચપીમાં મોકલવામાં આવ્યા. જ્યાં તેમણે વિવિધ જવાબદારીઓ સંભાળી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો