લ્યો બોલો, 5 વર્ષ પહેલા ટુ-વ્હીલર ચોરનારાને પોલીસ શોધી શકતી નથી પણ ચોરે કરેલા ટ્રાફિક ભંગનો ઈ મેમો માલિકના ઘરે મોકલ્યા કરે છે

શહેર પોલીસને ગુનાઈત પ્રવૃત્તિને ડામવાને બદલે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વધુમાં વધુ ઇ મેમો જનરેટ કરવામાં રસ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં રહેતી એક મહિલાનું એક્સેસ 2014માં ચોરાઈ ગયું હતું. તેમણે ચોરીના એક જ કલાકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક્સેસ શોધી ગુનો ઉકેલવાના બદલે તેેમને છેલ્લા બે વર્ષથી આ ચોરીના એક્સેસ દ્વારા સિગ્નલ ભંગ બદલ સતત 5 ઇ મેમો આપ્યા છે. અંતે મહિલાના દીકરાએ પોલીસ કમિશનરને દોઢ મહિના પહેલા અરજી કરી ઘટનાની જાણ કરતા પોલીસે તેમને વ્હીકલ શોધી આપવાના બદલે ઇ મેમો અમને ન આવે તેવી અરજી કરાવી હતી.

રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છતાં પોલીસ કહે છે, આવાં તો કેટલાંય વાહન ચોરાયાં છે, અમે ક્યાં શોધીએ?

રામોલમાં રહેતો અભિષેક 13 જુલાઇ 2014ના રોજ માતા કુમુદબેન કાપડિયાના નામે નોંધાયેલું સુઝુકી એક્સએસ ટુ-વ્હીલર લઇને જવાહરચોક અમૂલ પાર્લર ગયો હતો. અને ત્યાંથી તેનું વાહન ચોરાઈ ગયું હતું. અભિષેકે વાહનચોરીના એક જ કલાકમાં રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. બીજી તરફ ચોરાયેલા આ એક્સેસના છેલ્લા બે વર્ષમાં સિગ્નલભંગના 5 ઇ મેમો કુમુદબેનના નામે ઘરે આવતા ચોરાયેલું એક્સેસ શહેરમાં જ ફરતું હોવાની ખબર પડી. અભિષેકે ઇ મેમો સાથે રામબાગ પોલીસ ચોકીમાં જઇ પોલીસને રજૂઆત કરી હતી કે અમને જે ટુ વ્હીકરના ઇ મેમો અપાઇ રહ્યા છે. જો તમારા કેમેરામાં વારંવાર તે પાલડી વિસ્તારમાં ચોક્કસ સમયે દેખાય છે તો તેને શોધી કાઢો. પોલીસે આપેલા ઉડાઉ જવાબ વિશે વાત કરતા અભિષેકે જણાવ્યુ હતું કે, ‘પોલીસ અમને કહે છે કે આવી તો કેટલીય આઇસર ટ્રકો અને ગાડીઓ ચોરાઈ જતી હોય છે. અમે કયા બધે શોધીએ? ’

5 વર્ષમાં મહિલાના ઘરે 5 ઈ મેમો આવ્યા

તારીખ સમય જગ્યા
24-10-18 સવારે 9.33 કલગી ચાર રસ્તા
13-11-18 સવારે 9.23 પાલડી ચાર રસ્તા
27-11-18 સવારે 9.18 પાલડી ચાર રસ્તા
4-1-19- સવારે 9.35 પાલડી ચાર રસ્તા
10-1-19 સવારે 9.35 પાલડી ચાર રસ્તા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો