સમગ્ર દેશભરમાં ચકચાર મચાવનાર ગાંધીનગરમાં બાળકને ત્યજી દેવાના મામલે ખુલાસો: પોલીસ સચિન અને તેની પત્નીને ગાંધીનગર લઈ આવી
સમગ્ર દેશભરમાં ચકચાર મચાવનાર ગાંધીનગરમાં બાળકને ત્યજી દેવાના મામલે ગઈકાલે રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો ઘટસ્ફોટ કરી તેના પિતા સચિન દીક્ષિત દ્વારા તેને તરછોડી દેવાયાનો ઘટસ્ફોટ કરાયો હતો. ત્યારે મોડી રાત્રે પોલીસ દંપતિને કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્ને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. જેમાં શિવાંશની માતા મહેંદી અમદાવાદના બોપલમાં રહે છે. સચિનની બદલી વડોદરા થતાં બન્ને વડોદરા રહેવા ગયા હતા.
અમુક પૂરાવા ભેગા થયા બાદ આગળની કાર્યવાહી કરાશે
ગાંધીનગર એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનથી સચિન દિક્ષિતને લાવવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. જે પ્રકારની માહિતી મીડિયાને બ્રિફ કરવામાં આવી હતી એ જ પ્રકારની હકિકત હાલ ધ્યાન પર આવી છે. અત્યારે તેના ડીએનએ મેચિંગ અને અન્ય પૂરાવા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. અમુક પૂરાવા ભેગા થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસમાં તે અને તેનો પરિવાર પૂરતો સહકાર આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે કોઈ અજાણ્યો ઈસમ ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એને ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાની આગેવાની ઓપરેશન શિવાંશ શરૂ થયું હતું.
આ પણ વાંચોઃ શિવાંશના માતા-પિતા શોધવા પોલીસની 14 અલગ ટીમો કામે લાગી હતી
બીજી તરફ ગણતરીની મિનિટોમાં ગાંધીનગરમાં બાળક તરછોડી દેવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સૌ કોઈની નજર ગાંધીનગર પોલીસની તપાસ પર મંડાયેલી રહી હતી. જ્યારે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. રાજ્યના જિલ્લા પોલીસ વડાઓને પણ બાળકની ભાળ શોધી કાઢવા આદેશો આપી દીધા હતા.
કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસને સફળતા મળી
ગાંધીનગર પોલીસે 400થી વધુ સીસીટીવીની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં બે વખત કેદ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એક ટીમ તુરત સેક્ટર-26 દોડી ગઈ હતી. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાંની વિગતો મળી આવી હતી.
20 કલાકની તપાસ બાદ બાળકનું અસલી નામ શિવાંશ હોવાનું સામે આવ્યું
બાળકની સાર સંભાળ માટે શુક્રવાર રાતથી જ ભાજપનાં કોર્પોરેટર દિપ્તીબેન પટેલે યશોદામાંની બખૂબી ભૂમિકા અદા કરી હતી અને બાળકને સિવિલમાં સ્મિત નામ આપવામાં આવ્યું હતું. ત્યારે આખો દિવસ સ્મિતનાં વાલી વારસો કોણ? એની ચર્ચાએ જોર પકડયું હતું. અંતે 20 કલાકની તપાસ પછી બાળકનું અસલી નામ શિવાંશ હોવાનું ગૃહ મંત્રીએ જાહેર કર્યું હતું. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા સાથે રાજસ્થાનના કોટા ભાગી ગયો છે અને તેમને ગાંધીનગર લઈ આવ્યા પછી જ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાશે તેમ પણ ગુહમંત્રી હર્ષ સંઘવી મીડિયાને જણાવ્યું હતું.
મોડી રાત્રે ગાંધીનગર પોલીસ દંપતિને રાજસ્થાનથી લઇ આવી
ગઈકાલે શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ દ્વારા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી ગાંધીનગર લઈ આવવામાં આવ્યા છે. હાલમાં પોલીસ બન્નેને સેકટર-26ના મકાનમાં લઈ ગઈ હતી અને પૂછતાંછ હાથ ધરી છે. જોકે, સચિનની પત્ની અનુરાધા પતિના પ્રેમ પ્રકરણથી અજાણ હોવાનું જણાવી રહી છે.
શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો
મહિલા પોલીસની ટીમ દ્વારા અનુરાધાની પૂછતાંછ કરવામાં આવી રહી છે. જ્યારે સચિનની એસ.સી.બી અને એસ.ઓ.જી દ્વારા હાલમાં પૂછતાંછ ચાલી રહી છે. બન્નેને અલગ અલગ રાખીને પૂછતાંછ ચાલી રહી છે. ત્યારે અનુરાધા પોલીસને પૂરતો સહકાર નહીં આપતી હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સચિને કેવી રીતે શિવાંશને ગાંધીનગર લાવ્યો, અને બાળકને ત્યજી ને ક્યાં ક્યાં ગયો તેની પુછતાછ કરી રહી છે. જ્યારે સચિનની પત્ની અનુરાધાના પિયર કોટામાં સામાજિક પ્રસંગમાં ગયા હોવાનું રટણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..