વડોદરા પોલીસની અનોખી પહેલ, માતાની હત્યાના ગુનામાં પિતાની ધરપકડ બાદ સગાઓએ હાથ અદ્ધર કરતા નોધારા બાળકની જવાબદારી પોલીસે ઉઠાવી
ગાજરાવાડીના આઠ વર્ષના માસૂમ બાળકને એસીપી ઇ-ડિવિઝન એસ.જી. પાટિલની ઓફિસમાં 2 દિવસથી આશરો અપાયો છે. આ બાળકનો ગુનો કોઇ નથી પણ તેની માતાની હત્યા થઇ છે અને દોઢ વર્ષે હત્યા પિતાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે પિતાની ધરપકડ કરી છે. નોંધારા બનેલા બાળકને રાખવા દારુણ સ્થિતિમાં જીવતી ફોઇએ સાફ ઇન્કાર કરી દીધો. જ્યારે મહેસાણાના ચાણસ્મા ખાતે રહેતાં નાના-નાની દોહિત્રને રાખવા આર્થિક રીતે સક્ષમ નથી એટલે બાળકના ઉછેરની જવાબદારી પોલીસે ઉપાડી લીધી છે. સરકારના સ્વપ્ન સમાન નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશનને વડોદરા શહેરમાં બનતાં હજુ ભલે 2 વર્ષ લાગે પણ તેની ઝાંખી એસીપીની ઓફિસમાં દેખાઇ રહી છે.
બાળકને એસપીની ઓફિસ સામે રૂમ ફાળવી દેવાયો
એસીપીની ઓફિસની સામે જ બાળકને રૂમ ફાળવી દેવાયો છે. તેને પલંગ અને ગાદલાથી સજ્જ કરી દેવાયો છે. બાળકને રમવા પોલીસ કર્મચારીઓના રૂમ મેદાનની ગરજ સારી રહ્યા છે. મહિલા પોલીસ કર્મી નોટ-ચોપડા લઇ તેનું ટ્યુશન લઇ રહ્યાં છે, જ્યારે અન્ય ખાખીધારીઓ બાળક સાથે રમત સાથે પલાખાં પણ કરી રહ્યા છે. માતાની હત્યામાં પિતાને જેલ થશે તેવી વાત સાંભળી ડૂમો ભરાયેલું બાળક ખાખીધારીઓ વચ્ચે ડર કે ગભરાટ વગર ધીરે ધીરે પરિવારની જેમ ભળી રહ્યું છે. બાળકને જમવા માટે સવાર-સાંજ ટિફિનની વ્યવસ્થા કરી દેવાઇ છે. એક પોલીસ કર્મી આજે મંગળવારથી બાળકને સ્કૂલે લેવા-મૂકવા પણ જશે. 10-15 દિવસની કામચલાઉ વ્યવસ્થા બાદ બાળકને સુવિધા યુક્ત હોસ્ટેલમાં મૂકાશે. તેનો ખર્ચ પણ પોલીસ અધિકારી જ ઉઠાવશે.
નાના-નાનીને પોલીસ સ્ટેશન આવવા માટે ભાડું પણ પોલીસે આપ્યું
શ્રમિક કંકુનાં માતા-પિતા ચાણસ્મામાં અત્યંત ગરીબ અવસ્થામાં જીવી રહ્યાં છે. કંકુની હત્યાની પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા હતા. તો તેમની પાસે આવવાનું ભાડું પણ નહોતું એટલે પોલીસે ભાડાની વ્યવસ્થા કરી આપતા તેઓ નિવેદન આપવા આવ્યાં હતાં.
હત્યાનાં 3 કારણ
– ભરતે વુડાનું મકાન રૂા. 2.50 લાખમાં વેચી દીધું હતું. પત્ની કંકુએ રૂપિયા ક્યાં ઉડાવી દીધા તેવી પૂછપરછ કરતાં ઝઘડો થયો હતો.
– પતિના પરસ્ત્રી સાથેના સંબંધની જાણ કંકુને થઇ હતી. પતિએ તેની પાછળ રૂપિયા ઉડાવ્યાની શંકા હતી.
– કંકુને ડાયાબિટીસ હતો. ઇન્સ્યુલીન ઇન્જેકશનના અઠવાડિયે રૂા.200 ભરતને પરવડતા ન હતા.
પત્નીની હત્યા કરી પતિ 6 કલાક બાજુમાં સૂતો રહ્યો
ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસે રહેતી ગર્ભવતી કંકુ દેવીપૂજકની 22 જાન્યુઆરી 2018ના રોજ થયેલી હત્યામાં તેના પતિ ભરતની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાના દિવસે પત્ની ઇન્સ્યુલીનનું ઇન્જેકશન લઇ સૂઇ ગયા બાદ સવારે ઉઠી ન હતી તેવી કેફિયત કરતાં પોલીસ વિસેરા લેવડાવ્યા હતા. ફોરેન્સિક તપાસમાં કંકુનું ગળું દબાવી હત્યા થઇ હોવાનો રિપોર્ટ આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્રાહિત વ્યક્તિની સંડોવણીની શક્યતાઓ તપાસ્યા બાદ કોઇ કડી નહીં મળતાં પોલીસે પતિ ભરત પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં બંને વચ્ચે ઝઘડો થતાં ભરતે લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, સાસુ-સસરાને રૂા. 5 હજાર આપી પત્ની લાવ્યો હતો એટલે તેને મારી ના નાખું તેવી દલીલ કરી હતી. સાઇકોલોજીમાં પારંગત એસીપી પાટિલે ભરતની સિફતથી પૂછપરછ કરતાં તેણે જ ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હત્યા કર્યાં પછી 6 કલાક તે પત્નીની લાશની બાજુમાં સૂઇ રહ્યો હતો. બાજુમાં તેનું બાળક પણ હતું, જોકે તે ઘસઘસાટ ઉંઘમાં હોઇ તે ઘટનાથી અજાણ હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.