પિતાની સ્મૃતિમાં સંતાનોએ 108 વૃક્ષો વાવીને આપી અનોખી શ્રદ્ધાંજલી
લોકો પોતાના વ્હાલસોયાની વિદાય બાદ તેમની સ્મૃતિમાં અનેક સેવા કાર્ય કરતા હોય છે પરંતુ ઈડરના દોશી પરિવારે પરિવારના મોભીની વિદાય બાદ તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરી અનોખો ચીલો ચાતર્યો છે. ઈડરમાં જય પેઇન્ટના વ્યવસાયના સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી શાંતિલાલ દોશીનું અવાસન થયા બાદ તેમની સ્મૃતિમાં તેમના સંતાનો દ્વારા 108 વૃક્ષો રોપવામાં આવ્યા છે.
દોશી પરિવારનાં મોભી શાંતિલાલ દોશીનું 13મી જુનનાં રોજ અવસાન થયું હતું. તેઓ જીવદયા પ્રેમી હતા અને જગતનું ભલુ થાય તેમ નિરંતર ઇચ્છતા હતા. તેમની સ્મૃતિમાં ગુરૂવારે ઈડરની મહાવીરનગર સોસાયટીમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સમગ્ર સોસાયટીમાં 108 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. દોશી પરિવારે પોતાના મોભીની સ્મૃતિમાં સવન, વડ, લીમડો, બિલી, પારિજાત જેવા વૃક્ષો વાવી જીવદયાપ્રેમી વડીલને વૃક્ષાંજલી અર્પણ કરી હતી.
આ અનોખા પ્રયાસ વિશે માહિતી આપતા અતુલ દોશીએ જણાવ્યું, કે “ 108એ પવિત્ર અંક છે, માળાના મણકા પણ 108 હોય છે, અમારા પિતાજી પરોપકારી અને જીવદયા પ્રેમી હતા. તેમની સ્મૃતિમાં અમે વૃક્ષો વાવી અને તેનો છાયડો અન્યોને આપવા માંગીએ છીએ. આ એક નવતર પ્રયાસ છે, અમે સમાજને સંદેશો આપવા માંગીએ છીએ કે વૃક્ષાંજલી આપી અને તમારા સ્વજનને સાચી અંજલી આપી શકાય છે. ”
દોશી પરિવારના આ નવતર પ્રયોગને ઈડરના વનવિભાગ, મિશન ગ્રીન-ઈડર અને મિશન ગ્રીન ગુજરાતના કાર્યકર્તાઓ અને સહાયકર્તાઓએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં ઈડરના રાજકીય, સામાજીક, આગેવાનો ઉપસ્થીત રહ્યાં હતા.
108 વૃક્ષોની સંભાળ
શાંતિલાલ દોશીની સ્મૃતિમાં ઈડરની મહાવીરનગર સોસાયટીમાં સવન, લીમડો, બીલી, પારીજાત વડ, રોપવામાં આવ્યા છે. પ્રત્યેક વૃક્ષને રક્ષણ આપવા માટે પિંજરું પણ આપવામાં આવ્યું છે.