4 વર્ષથી પિનાકીનભાઈ દેસાઇ સોલા સિવિલમાં રોજના 100 કિલો કેળાંનું કરે છે દાન, જેમા મુસ્લિમ વેપારી દ્વારા 40 કિલો કેળાંનો મળે છે સહયોગ
એક વૃદ્ધે જનસેવા માટે અર્ધ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લીધી અને સેવાયજ્ઞમાં બીજા સાત સિનિયર સિટીઝન જોડાયા. આજે આ ગ્રૂપ સોલા સિવિલ હોસ્પિટલના તમામ દર્દીને તથા સ્વિપરને 365 દિવસ કેળાનું દાન કરે છે. તેમનો ટાર્ગેટ સમગ્ર શહેરની સરકારી હોસ્પિટલોને આ દાન આપવાનો છે.
અમદાવાદમાં સાયન્સ સિટીમાં રહેતા 63 વર્ષીય પિનાકીન દેસાઇ અને તેમના મિત્રો એક પણ દિવસ ચૂક્યા વગર છેલ્લાં 4 વર્ષથી સોલા સિવિલમાં રોજ સવારે 100 કિલો કેળા વહેંચે છે. પિનાકીનભાઇએ વાત કરતાં જણાવ્યું કે, ‘થોડાક વર્ષો પહેલાં મારા ફોઇને સોલા સિવિલમાં દાખલ કર્યાં હતાં. હું પત્ની સાથે તેમની ખબર પૂછવા ગયો ત્યારે મેં જોયું કે ત્યાં દર્દી પાસે કેસ કઢાવવાના 5 રૂપિયાના પણ ફાંફાં હોય છે. ત્યારે એવું થયું આ લોકોને ફળો ખાવા કેવી રીતે પોસાય? એ દિવસે આ જ હોસ્પિટલમાં એમડી ડોક્ટર તરીકે ફરજ બજાવતી મોટી દીકરી સાથે વાત કરી તેમને હું શું મદદ કરી શકું એમ પૂછ્યું? મારી દીકરીએ કહ્યું પપ્પા તમે આમને બિસ્કિટનું એક પેકેટ પણ આપશો તો તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળશે.
મેં પહેલા 20 કિલો કેળા આપવાથી શરૂઆત કરી. છ મહિનામાં 60 કિલો કેળાં વહેંચવાનું શરૂ કર્યું ત્યારે ખમાસા જનતા કેળાવાળાના ત્યાંથી ખરીદતો હતો. તેના માલિક ઇબ્રાહિમભાઇને હું કેળા હોસ્પિટલના દર્દીને આપવા માટે લઇ જાઉં છું તેવો ખ્યાલ આવતા તેમણે ખૂટતા બે કેરેટ એટલે કે 40 કિલો કેળાં મફત આપવાનું શરૂ કર્યું. આજે હું ત્યાંથી 100 કિલો કેળાં ખરીદું અને પૈસા 60 કિલોના ચૂકવુ છું. આ સેવા વિશે સાંજે ઔડા ગાર્ડનમાં ભેગા થતા સિનીયર સિટિઝનો સાથે સાહજિક વાર્તાલાપ થયો. જેથી તેઓ પણ આ સેવામાં જોડાઇ ગયા અને સવારે તેઓ મારી સાથે હોસ્પિટલ પરિસરમાં કેળા વહેંચવામાં મદદ કરે છે.’
સેવા માટે વહેલી નિવૃત્તિ લીધી
પિનાકિનભાઇએ સેવા માટે વહેલી નિવૃત્તિ લીધી હતી. જો દર્દી ઓછા હોય તો તેઓ હોસ્પિટલના ગેટ પાસે ત્યાંથી પસાર થતાં બાળકો, ઓપીડીની લાઇનમાં ઊભા રહેલા દર્દીના બાળકોને કેળાં વહેંચે છે.
ઉમદા કારણથી મળી પ્રેરણા
કેળાંના વેપારી ઇબ્રાહિમ શેખે વાત કરતાં જણાવ્યું કે, ‘મેં ફૂટપાથથી ફ્રૂટ વેચવાનું કામ શરૂ કર્યુ હતું. આજે હું હોલસેલનો વેપારી છું. પિનાકીનભાઇ દાન કરવા મારી પાસેથી કેળા ખરીદતા હતા તેથી મને મન થયું એટલે હું તેમને 40 કિલો મારા તરફથી આપું છું.’
આવા ઉમદા અને ભગીરથ કાર્યને અમારા દીલથી સલામ છે.. એમના કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..