રાજકોટમાં હવે રસ્તા પર પિચકારી મારનાર લોકોના ઘરે ઈ – મેમો આવશે
મહાનગરપાલિકાએ જાહેરમાં થૂંકવા તેમજ કચરો ફેંકતા બંધ કરવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવાનું નક્કી કર્યું છે. પોલીસ તંત્રની જેમ મનપા એ ચાલુ વાહને પિચકારી મારનાર કે કચરો ફેંકનારનો આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં ફોટો પડશે અને આરટીઓ કચેરીની મદદથી વાહનની નંબર પ્લેટના આધારે ઘરે ઇ–ચલણ મોકલવામાં આવશે. પ્રથમ વખત રૂ.250, બીજી વખત રૂ.500 તથા બેથી વધારે રૂ.750નો ઇ–મેમો મોકલવામાં આવશે. જો દંડની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઘરે આવશે અને રૂ.1000નો દંડ વસૂલ કરશે.
કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં જાહેરમાર્ગો, જોવાલાયક સ્થળો, બાગ બગીચા વગેરે સ્થળોએ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે શહેરમાં વસતા તમામ નાગરિકો માટે પાન, ફાકી, ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થૂંકવા પર પ્રતિબંધ મુક્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ સારી રીતે થાય તે માટે શહેરમાં જુદા જુદા સ્થળો પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ આ કામગીરી માટે કરવામાં આવશે. ચાલુ કારે કે બાઇકે કોઇ પણ વાહન પરથી જાહેર રસ્તા કે સ્થળો પર થૂંકનાર કે પાનની પિચકારી મારનાર, તેમજ કચરો ફેંકનાર કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તેમના ઘરે રૂ.250થી 750 રૂપિયાનો ઇ–મેમો મોકલવામાં આવશે. આગામી 22 મેથી દંડની વસૂલાત કરવામાં આવશે.
દંડ ઓનલાઇન પણ ભરી શકાશે
ઇ–ચલણ મળ્યા બાદ 10 દિવસમાં મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન તેમજ સિટી સિવિક સેન્ટર ખાતે પણ દંડની રકમ ભરી શકાશે. તેમજ ઓનલાઇન પણ ભરી શકે છે.
રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં થૂંકનાર 9 લોકોને પ્રથમ દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિવર્સિટિ રોડ પર રહેતા નિતેશ ઓડેદરા નામના શખ્સને દંડ ફટકારવામાં આવ્યો છે. કેકેવી ચોક પાસે બંધ સિગ્નલ દરમિયાન જાહેરમાં થૂંકીને નિયમ ભંગ કર્યો હતો. જેથી નિતેશભાઈને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અત્યાર સુધી મેન્યુઅલ દંડ વસૂલાતો હતો
જાહેરમાં થૂંકવા બદલ અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા મેન્યુઅલ કામગીરી કરવામાં આવતી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના એસઆઇ અને એસએસઆઇ પાનની દુકાન, કચેરીમાં થૂંકવા બદલ રૂ.100નો દંડ વસૂલ કરતા હતા. અત્યાર સુધીમાં મનપાએ 1800થી વધુ લોકો પાસેથી જાહેરમાં થૂંકવા બદલ દંડ કર્યો છે.
મનપાએ ઇનહાઉસ સોફ્ટવેર તૈયાર કર્યો
મહાનગરપાલિકાના આઇટી વિભાગે દંડ વસૂલ કરવા માટેનો સોફ્ટવેર ઇનહાઉસ તૈયાર કર્યો છે. સોફ્ટવેર આરટીઓ સાથે લિંકઅપ કર્યો છે તેથી નંબર પ્લેટના આધારે ઘરે જ ઇ-ચલણ આવી જશે.
બીજાને વાહન આપતા પહેલા ચેતજો
વાહનની નંબર પ્લેટના આધારે ઇ–ચલણ ઘરે આવી જશે. જો કોઇ અન્યને વાહન આપ્યું અને તેમણે પિચકારી મારી કે કચરો ફેંક્યો તો દંડનું ચલણ તમારી ઘરે આવશે.