અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે પોલીસ કેસ થશે

નોઈડા: ટ્રાફિક પોલીસે ગુરુવારે ઘોષણા કરી છે કે, અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે કેસ નોંધવામાં આવશે અને દંડ પણ ફટકારાશે.

અધિકારીઓએ કહ્યું કે, આ નિર્ણય એક્સપ્રેસ વે પર બનતા તે અકસ્માતોને જોયા બાદ લેવામાં આવ્યો છે જેમાં લોકો દુર્ઘટનાસ્થળ પરથી પસાર થાય છે, વાહન રોકે છે પણ ત્યાં ઊભા રહીને ફોનમાં માત્ર સેલ્ફી અથવા ફોટા પાડે છે અને વીડિયો ઉતારે છે. અધિકારીઓએ કહ્યું કે, આના કારણે મોટો ટ્રાફિક સર્જાય છે અને તેના લીધે પીડિતને ઈમરજન્સી મેડિકલ મદદ પહોંચાડવી મુશ્કેલ બની જાય છે.

એક્સિડન્ટનો ભોગ બનેલાઓને હોસ્પિટલ લઈ જવાને બદલે ફોટા પાડતા લોકોને હવે પોલીસ સીધા કરશે.

SP(ટ્રાફિક) અનિલ કુમાર ઝાએ ગુરુવારે કહ્યું કે, તાજેતરમાં જ એવા ઘણા બધા કેસ બન્યા છે જેમાં પીડિત વ્યક્તિને સમયસર મેડિકલ સારવાર ન મળવાને લીધે તેમના મોત થયા હોય.

ઝાએ આગળ જણાવ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે આદેશ રજૂ કર્યો છે કે, દરેકે સૌથી પહેલા અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને હોસ્પિટલ પહોંચવામાં મદદ કરવી જોઈએ. પણ અમે નોંધ્યું છે કે, પસાર થનારા લોકો ઘટનાસ્થળે ઊભા રહીને માત્ર સેલ્ફી અને પિક્ચર્સ લેતા રહે છે. તેઓ પોતાના ફોનમાં પીડિતનો વીડિયો રેકોર્ડ કરતા હોય છે. આના કારણે રોડબ્લૉક અને ટ્રાફિકની સમસ્યા પેદા થાય છે.’

ઑફિસરે બીજી એક મહત્વની વાત તરફ ધ્યાન દોરતા કહ્યું કે, આ પ્રકારના વીડિયોઝ ઉતારવા લોકો એટલા માટે પણ પ્રોત્સાહિત થઈ રહ્યાં છે કેમ કે, તેને ટીવી ચેનલ્સવાળા સારા રૂપિયા આપીને ખરીદે છે અને ઈન્ટરનેટ પર પણ તે ખૂબ વાયરલ થાય છે. ઝા કહે છે કે, ‘લોકો આજકાલ પોતાના સંવેદનશીલતા ગુમાવી રહ્યાં છે અને ટીવી ચેનલ્સ અથવા ઈન્ટરનેટ પર ગમે તે પોસ્ટ કરવા લાગ્યા છે. આના કારણે તેમને પૈસા અને પ્રસિદ્ધિ મળે છે. પણ તેઓ એ નથી સમજતા કે તેમની આ અસંવેદનશીલતાને લીધે કોઈ પોતાનો જીવ ગુમાવી રહ્યું છે.’

લોકો મોટાભાગે અકસ્માતના કેસમાં પોતાને સહભાગી બનાવવાથી દૂર રહેતા હોય છે અને હંમેશાં તેમના મનમાં ડર રહેતો હોય છે કે, ક્યાંય પોલીસ તેમને વધારે પડતા સવાલો કરશે. જોકે, કોર્ટ દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પીડિતને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સતામણી કરવામાં આવશે નહીં.

ઘટનાસ્થળે ફોટો-સેલ્ફી પાડવા ઊભા રહેનારા લોકો સામે મોટર વ્હીકલ એક્ટના સેક્શન 122 અને 177 અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. 122 અંતર્ગત વાહનને ગમે ત્યાં પાર્ક કરી ટ્રાફિક સર્જવા બદલ ગુનો નોંધવાની તથા 177 અંતર્ગત 100થી 300 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ છે. આમા, ઘણીવાર જે-તે વ્યક્તિને અરેસ્ટ પણ કરી શકાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો