શ્વાન યજ્ઞ: કૂતરાઓને 18 વર્ષથી રોજ 40 કિલો લોટના રોટલા ખવડાવે છે લોકો

પાલનપુર: હિન્દુ સંસ્કૃતિમાં દાન-પૂણ્યનું વિશેષ મહત્વ છે. ત્યારે પાલનપુરના લક્ષ્મીપુરામાં લક્ષ્મીપુરા રામ રોટી દ્વારા 18 વર્ષથી શ્વાનો માટે 80 કિલો લોટના રોટલા બનાવાય છે. જ્યારે બેચરપુરા કૈલાશધામ મંદિર ખાતે 17 વર્ષ અગાઉ શ્વાન માટે અઢી કિલો લોટના રોટલા બનાવવામાં આવતાં હતા. જ્યારે અત્યારે રોજના 40 કિલો લોટના રોટલા બનાવવામાં આવે છે. આ રોટલાઓ આજુબાજુના વિસ્તારોના લાકો રૂબરૂ આવી લઇ જાય છે. જે માટે દાતાઓ દ્વારા તેમજ ભજન મંડળીમાં એકઠા થયેલા દાનનો ઉપયોગ કરાય છે.

આમ તો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાન-પૂણ્ય કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે લક્ષ્મીપુરા રામ રોટી દ્વારા શ્વાનો માટે અનોખું શ્રમ કાર્ય થઇ રહ્યું છે. રામ રોટી ચલાવતા મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, ‘પરમ પૂજ્ય ગણેશભારથી દાદાની કૃપાથી 18 વર્ષથી શ્વાનો માટે રોટલા બનાવીએ છીએ. જેમાં શરૂઆતમાં 10 જેટલા ભાઇ-બહેનો દ્વારા હાથથી લોટ બાંધી 20 કિલો લોટના રોટલા બનાવવામાં આવતા હતા. પરંતુ અત્યારે 50 થી 60 ભાઇ-બહેનો દ્વારા 80 કિલો લોટના અંદાજે 1500 જેટલા રોટલાઓ બનાવવામાં આવે છે. આ રોટલા જેમ-જેમ તૈયાર થાય તેમ-તેમ આજુબાજના લગભગ 80 ઉપરાંત વિસ્તારના જીવદયા પ્રેમી 10, 20,30,40,50 ની સંખ્યામાં લઇ જાય છે. આ સેવા યજ્ઞમાં દાતાઓ દ્વારા ઘઉં, બાજરી, તેલ તેમજ બળતણ માટે લાકડાનું દાન આપવામાં આવે છે.’

તેમજ બેચરપુરા વિસ્તારમાં આવેલા કૈલાશધામ મંદિર ખાતે છેલ્લા 17 વર્ષથી મહિલાઓ દ્વારા બારેમાસ દાન-પૂણ્યનો અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં 17 વર્ષ અગાઉ સૂર્યાબેન ઇશ્વરભાઇ ચાવડા, જમનાબેન હિરાભાઇ પટેલ, હર્ષીદાબેન મનુભાઇ વ્યાસ અને ગોદાવરીબેન દરજી દ્વારા સ્વખર્ચે અઢી કિલો લોટના રોટલા બનાવવાની શરૂઆત કરાઇ હતી. પરંતુ ધીરેધીરે આ સેવાયજ્ઞમાં વધારો થતો ગયો. આ અંગે ભજન મંડળીની બહેનોએ જણાવ્યું હતું કે, ‘17 વર્ષથી શ્વાનો માટે રોટલા બનાવવામાં આવે છે. જેમાં રોજના 40 કિલો લોટના અંદાજે 250 ઉપરાંત રોટલા બને છે. જે રોટલાઓ અમે પોતે અમારા મહોલ્લાઓમાં તેમજ આજુબાજુના વિસ્તારોના લોકો આવી લઇ જાય છે. જે રોટલાઓને ટુકડા કરી અંદર દૂધ અથ‌વા છાસ નાખી શ્વાનોને આપે છે. આ માટે દાતાઓ દ્વારા દાન અપાય છે તેમજ ભજન મંડળીમાં જે આવક એકઠી થાય તેનો પણ આ સેવામાં ઉપયોગમાં લેવાય છે.’ આ સેવાના કાર્યમાં 15 થી 20 બહેનો અને બે-ત્રણ ભાઇઓ સેવા આપી રહ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો