કોણે, કેવી રીતે પૈસાની લાલચમાં ખિલવાડ કર્યો. પડદા પાછળ છુપાયેલા લોકો બચી ના જાય, શેહશરમ છોડી તપાસ કરો: કોર્ટ.
મહાનગર પાલિકા, ડીજીવીસીએલ અને બિલ્ડર સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં સર્જાયેલાં તંત્ર સર્જિત હત્યાકાંડમાં ધરપકડ કરાયેલાં ટયુશન સંચાલક એવા આરોપી ભાર્ગવ બુટાણીને આજે રવિવારે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી દસ દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી. દલીલોના અંતે કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરાયા ત્યારે ઇનચાર્જ કોર્ટે તપાસકર્તા અધિકારી એવા ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાને કોર્ટે જણાવાયું હતું કે, આવા કેસમાં મોટા ભાગે જોવામાં આવ્યું છે કે, પડદા પાછળ જે હોય તેઓ બચી જાય છે. આથી કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તપાસ કરજો. સરકાર પક્ષે એપીપી ભરત સોલંકીએ દલીલો કરી હતી. બચાવ પક્ષે આર. જે. ગોગદા અને મોના કપૂરે દલીલો કરી હતી.
અગ્નિકાંડ અંગે ઢાંકપિછોડો કરવા પ્રયાસ
સરકાર પક્ષની દલીલ
- ગેરકાયદે સ્ટ્રક્ચર બનાવવામાં કોણ-કોણ સંડોવાયેલા છે
- ગેરકાયદે સ્ટ્રક્ચર ક્યાં, કોની પાસે બનાવાયેલું હતું
- ગેરકાયદે સ્ટ્રક્ચર-ક્લાસિસ ભાડે રાખવા કોઈ ભાડાકરાર રજૂ કર્યા નથી
- ટ્યૂશન ક્લાસીસમાં કેટલાં બાળકો હતાં, તેનું રજિસ્ટર આપવું
- બિલ્ડરોની તપાસ કરવાની બાકી છે
- સહઆરોપીની તપાસ બાકી, રિનોવેશનની મંજૂરી લીધેલી કે કેમ?
- કઈ રીતે કનેક્શન લીધું, ગેરરીતિમાં સરકારી કર્મીની સંડોવણી છે કે કેમ?
- આરોપી બિલ્ડરના સગા છે.
બચાવ પક્ષની દલીલ
- આગ કેવી રીતે લાગી એનો FIRમાં કોઈ ઉલ્લેખ નથી.
- હાલના આરોપીએ તો સ્થળ પર રહીને બે બાળકીઓને બચાવી છે.
- આરોપી ટ્યૂશન ક્લાસીસના માલિક નથી, પરંતુ ભાડૂઆત છે.
- ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી લીધી હતી, જેના ફોટા પણ છે.
- સરકાર જે રજિસ્ટર માંગે છે તે આગમાં બળી ગયું છે.
- સોશિયલ મીડિયા મુજબ બિલ્ડિંગ નજીકના DGVCL પોલ કે કોઇ ઇન્સ્ટ્રુમેન્ટમાં આગ લાગી હતી, પછી આગ વકરી પછી બિલ્ડિંગમાં પ્રસરી.
કોર્ટે શું હુકમ કર્યો:આરોપીને બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં, ઉપરાંત ટ્યુશન ક્લાસિસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા તે જાણવા માટે રિમાન્ડ આપ્યા હોવાનું કહ્યું. જવાબદાર વ્યક્તિ સામે કાયર્વાહી કરવા જણાવ્યું હતું.
પાલિકા કે DGVCLના અધિકારીઓનાં નામ FIRમાં કેમ નથી?
આગ દુર્ઘટનાની FIRમાં જેમને આરોપીઓ બતાવવામાં આવ્યા છે તેમાં ખરેખર જે જવાબદાર છે એવી પાલિકા કે ડીજીવીસીએલના એકે ય અધિકારીનું નામ જ નથી. આજે શહેરભરમાં આ ચર્ચા છે કે મુખ્ય આરોપીઓને કેમ બચાવવામાં આવી રહ્યા છે. પોલીસે હજી પાલિકા કે ડીજીવીસીએલ કોઈનાં નિવેદનો સુધ્ધાં લીધાં નથી.
55 મીટર ઊંચાઈનું રૂ. 8 કરોડનું ટર્ન ટેબલ દોઢ વર્ષે દુર્ઘટના બાદ મળ્યું, મુંબઈ બંદરે પડ્યું હતું
2017માં સુરત પાલિકા દ્વારા હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગની ઘટનામાં રેસ્ક્યુ અને ફાયર ફાઈટીંગ માટે 55 મીટરની ઉંચાઈ ટર્ન ટેબલ લેડર(ટીટીએલ)નામના ઈક્વીપમેન્ટને ખરીદી કરાઈ હતી. જર્મનીની કંપની માગીરસને નવેમ્બર 2017માં ઓર્ડર અપાયો હતો. અંદાજે 8 કરોડની કીમતના આ ઈકવીપમેન્ટ એક મહિનાથી મુંબઈ બંદરે પડેલું હતું. અંદાજે પંદરેક દિવસથી મુંબઈ ખાતે પોર્ટ પર પડેલુ લેડર પાલિકાને શહેરમાં બનેલી આગની ગોઝારી ઘટના બાદ યાદ આવ્યું હતું અને તાત્કાલિક પોર્ટ પરની કાર્યવાહી પૂર્ણ કરી સુરત લઈ લવાયું છે. આ લેડર 55 મીટરની ઉંચાઈ સુધીની ઈમારતોમાં રેસ્ક્યુ તેમજ બચાવ કામગીરી કરી શકે છે.
…વાંચો કોણે, કેવી રીતે પૈસાની લાલચમાં ખિલવાડ કર્યો
બિલ્ડર:પૈસા વહેંચતા ગયા, ગેરકાયદે માળ બનાવતા ગયા
તક્ષશિલા આર્કેડનું આખું બિલ્ડિંગ જ ગેરકાયદે છે. બિલ્ડરોએ ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરની મંજૂરી લઈને ચાર માળ બનાવી દીધા હતા. આમ છતાં, પાલિકાએ તેને તોડવાની કોશિષ સુદ્ધાં નથી કરી. 2011માં ગુજરાત સરકાર ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા નિયમ લાવી હતી, જે અંતર્ગત ઈમ્પેક્ટ ફી લઈને આવી બિલ્ડિંગોને કાયદેસર કરાઈ હતી. તક્ષશિલા આર્કેડના બિલ્ડરે પણ 2012માં પોતે બનાવેલા બિલ્ડિંગને કાયદેસર કરવા પાલિકામાં અરજી કરીને, રૂ. 83 હજારભરીને આખું બિલ્ડિંગ કાયદેસર કરી લીધું હતું. જોકે, અરજી કર્યા પછી બિલ્ડરે ચાલાકી કરી અને ત્રીજા માળની ઉપર બીજો એક માળ ચણી દીધો. એ માળે જવાની સીડીઓ પણ લાકડાની હતી. એ ગેરકાયદે માળ પર તેણે લાકડાના પાર્ટિશન મૂકીને એક મોટો હૉલ અને જુદા જુદા ઓરડા બનાવી દીધા. 2015માં નિગમે આ બિલ્ડિંગને નિયમિત કરવાનું સર્ટિફિકેટ પણ આપી દીધું. પછી બિલ્ડરે એ ગેરકાયદે ફ્લોર કોચિંગ ક્લાસીસ સંચાલકો અને બીજાને ભાડે આપી દીધો.
કોર્પોરેશન:ગેરકાયદે બાંધ કામ થતું રહ્યું, આંખ આડ કાન કરાયા
આ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું ત્યારે જ ગેરકાયદે હતું, તો તેને પાડી કેમ ના દીધી? 2015માં તેને સંપૂર્ણપણે કાયદેસર કરી લેવાયું તો વધારાનો એક આખો માળ અધિકારીઓને કેમ ના દેખાયો? આ બિલ્ડિંગને નિયમિત કરનારા અને ગેરકાયદે બાંધકામ પર દેખરેખ રાખનારા પણ એટલા જ દોષિત છે. તેમની વિરુદ્ધ પણ 302 હેઠળ કેસ દાખલ કેમ ના થવો જોઈએ? ગેરકાયદે હોર્ડિંગ નીકાળવા નિગમની જવાબદારી છે, તો તેમની વિરુદ્ધ પણ કેસ દાખલ કેમ ના થવો જોઈએ?
ફાયર વિભાગ:ફાયર સેફ્ટી, સરવેના નામે ફક્ત દેખાડો
થોડા સમય પહેલાં સુરતમાં આગમાં આર્કેડમાં આગ લાગી ત્યારે એક વિદ્યાર્થી અને શિક્ષિકાનું પણ મૃત્યુ થયું હતું. ત્યાં પણ ગેરકાયદે બાંધકામ કરાયું હતું. ત્યાર પછી પાલિકાએ ફાયર વિભાગને જવાબદારી સોંપી હતી કે, આખા શહેરની બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી ચેક કરો અને કોચિંગ ક્લાસીસનો સર્વે કરીને ફાયર સેફ્ટીના સાધનો લગાવો. પરંતુ ફાયર વિભાગે ના તો બિલ્ડિંગોનો સર્વે કર્યો અને ના તો તેમને ખબર હતી કે, અહીં કોચિંગ ક્લાસીસ ચાલે છે.
અનેક કૌભાંડીનો ભાંડો ફૂટી શકે
22 નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ લેનારી ઘટનાઓના જવાબદાર તક્ષશિલાના બંને બિલ્ડર હરસુલ વેકરિયા અને જિગ્નેશ સવજીની ધરપકડ કરાઈ છે અને ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણીને બે દિવસના રિમાન્ડ પર ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાયો છે. જ્યારે પૂછપરછમાં અનેક કૌભાંડીઓના નામ બહાર આવી શકે છે.