વિદેશનો કાયદો આવી ગ્યો અમદાવાદમાં, હવે જો ગમે ત્યાં પાનની પિચકારી મારી તો થશે આટલો દંડ…

શહેરને વધુ સ્વચ્છ કરવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાનના ગલ્લાની આસપાસ જાહેર રોડ, ફૂટપાથ કે દીવાલો પર થૂંકેલુ દેખાશે તો થૂંકનાર ઉપરાંત ગલ્લા માલિકનેે પણ દંડ કરવામાં આવશે. મ્યુનિ.પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત નક્કી કરવામાં આવેલા દંડ મુજબ થૂંકનારને રૂા.100નો અને પાનના ગલ્લા માલિકને રૂા.2 હજારનો આકરો દંડ ફટકારવામાં આવશે. ચૂંટણી પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ મ્યુનિ.સૂત્રોનું કહેવું છે.

આ નિયમ અનુસાર જાહેરમાર્ગ પર થુંકનાર કે પાનની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો ફેંકનાર કોઇ પણ નાગરિક એ રાહદારી હોય કે પછી સાઇકલ સવાર સી.સી.ટી.વી.કેમેરામાં ઝડપાશે તો તેમને તુર્ત જ જે તે સ્થળે પકડી પાડીને દંડનો મેમો પકડાવી દેવામાં આવશે.

જો આ ગુનો કરનાર દ્વિચક્રી વાહનચાલક કે ફોરચકી વાહનચાલક હશે તો તેમના વાહનનંબરની આર.ટી.ઓ.માં ખરાઇ કરીને તેમના ઘેર મેમો મોકલવામાં આવશે. આ મેમો મળતા એ વાહનચાલકોએ મ્યુનિમાં અગર તો મ્યુનિ. સિવિક સેન્ટરોમાં જઇ દંડ ભરવો પડશે.

હાલમાં જાહેરમાં થૂંકનારા સામે દંડ વસૂલવાની ઝુંબેશ ચાલુ

અત્યાર સુધી માત્ર થૂંકનારને જ દંડ કરવામાં આવે છે પરંતુ રોડ, ફૂટપાથો અને દીવાલો પર થૂંકીને જતા રહે પછી કોણ થૂંકી ગયું તે સ્પષ્ટ થતું નથી જેને પગલે હવે જે તે ગલ્લામાલિકને જ તેનો દંડ કરવામાં આવશે. મ્યુનિ.દ્વારા સમગ્ર શહેરમાં કેટલા ગલ્લા છે તેનો સરવે પણ કરવામાં આવ્યો છે અને તમામ માલિકોને નોટિસ પાઠવી ફરજિયાત ગલ્લાંની બહાર લાલ રંગની માટીવાળી થૂંકદાની મૂકવા આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જાહેરમાં થૂંકનારા સામે દંડ વસૂલવાની ઝુંબેશ ચાલી રહી છે.

ગ્રાહક પાન ખાઈને થૂંકશે તો ગલ્લાવાળાને 2 હજાર દંડ – કોઇ નાગરિક જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર પાનની પિચકારી મારતા CCTVમાં ઝડપાઇ જશે તો થશે આટલો દંડ…

રોડ, ફૂટપાથ અને દીવાલો બગડતી રોકવા મ્યુનિ. હવે સઘન ઝુંબેશ હાથ ધરશે

થૂંકનારને રોકવા માલિક સામે કાર્યવાહી

ગલ્લામાલિકને દંડ કરવાનો હેતુ અંગે મ્યુનિ.અધિકારીનું કહેવુ છે કે, થૂંકનારા ગ્રાહકો હોય છે પણ જો માલિકને દંડ કરવામાં આવે તો તે એક મેસેન્જર તરીકે કામગીરી કરી શકે અને તેમને ત્યાં આવનારા ગ્રાહકોને ગમે ત્યાં થૂંકવાને બદલે માત્ર થૂંકદાનીમાં જ થૂકે તેવી તાકીદ કરી શકે.

ચૂંટણી પછી કાર્યવાહી હાથ ધરાશે

દરેક ઝોનમાં કેટલા પાનના ગલ્લાં છે તેનો સરવે કરવામાં આવ્યો છે અને તમામને લાલ રંગની થૂંકદાની મૂકવા નોટિસ પણ આપવામાં આવી છે. આ મૂકાઈ ગયા પછી પણ જો પાનના ગલ્લાંની આસપાસ દીવાલો કે ફૂટપાથ બગાડવામાં આવશે તો દંડ કરાશે. આ કાર્યવાહી ચૂંટણી પછી હાથ ધરાશે. – હર્ષદ સોલંકી, ડિરેકટર, સોલિડ વેસ્ટ વિભાગ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો