ભાવવધારાએ તેલ કાઢ્યું! સીંગતેલના ભાવમાં 164, કપાસિયામાં 210, સૂર્યમુખીમાં 505, પામતેલમાં 380નો વધારો ઝીંકાયો
જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. ત્યારે સતત ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસના જુદા જુદા તેલના વપરાશમાં જિલ્લાભરના લોકોના બજેટ પર રોજ રૂ. 11.60 લાખનો બોજો પડશે. પહેલાં સીંગતેલના ભાવ વધતાં લોકો કપાસિયા તેલ તરફ વળ્યા. ત્યારે હવે કપાસિયા તેલના ભાવ પણ વધતાં મધ્યમવર્ગના પરિવારોની મુશ્કેલી વધી ગઈ છે.
સીંગતેલ-કપાસિયાના ભાવ લગભગ સરખા થયા
ઝાલાવાડમાં મુખ્યત્વે સીંગતેલ અને કપાસિયા તેલનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે હાલ 1 મહિનામાં સીંગતેલ અને કપાસિયા તેલ સહિતનાં તેલના ભાવોમાં સતત વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલમાં 1 મહિનામાં સીંગતેલના ભાવ પહેલાં રૂ. 2356 આસપાસ રહેતા હતા, એ રૂ. 2520 થઈ ગયા હતા. એ જ રીતે કપાસિયા તેલના ભાવ રૂ. 2340 હતા, જે વધીને રૂ. 2550 થઈ ગયા છે. આમ, કપાસિયા તેલ અને સીંગતેલના ભાવ એકસરખા થઈ જતાં લોકો કયું તેલ ઉપયોગમાં લેવું એની મૂંઝવણમાં મુકાઈ ગયા છે. હાલ જિલ્લામાં રોજના સીંગતેલ, કપાસિયા, સૂર્યમુખી, પામતેલ મળીને રોજ 2,000થી વધુ ડબાનું વેચાણ થતું હોય છે, જેમાં ભાવવધારાને કારણે લોકોને રોજ રૂ. 11,60,600નો આર્થિક બોજાનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોનું બજેટ ખોરવાયું
હાલના સમયમાં રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિને કારણે આગામી સમયમાં તેલના ભાવોમાં વધારો થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. સસ્તા ભાવે તેલ વેચવાના બહાને ડિસ્કો તેલનું પણ વેચાણ થવાનો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ વર્ષ 2020માં આ રીતે તેલના ભાવોમાં 200થી 250 જેટલો વધારો જોવા મળ્યો હતો. આમ, 2 વર્ષમાં તેલના ભાવોમાં 400થી 500નો વધારો થતાં લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે તેલના ડબામાં ભાવવધારો નોંધાયો
તેલ પહેલાંનો ભાવ અત્યારનો ભાવ વધારો
સીંગતેલ 2356 2520 164
કપાસિયા 2340 2550 210
સૂર્યમુખી 2140 2645 505
પામતેલ 1970 2350 380
સતત ભાવવધારાને લીધે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું
કોરોનાકાળમાં આર્થિક માર સહન કર્યા પછી હવે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગૅસ અને શાકભાજીના ભાવોમાં અસહ્ય વધારાનો માર શમ્યો નથી ત્યાં ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતાં હવે ઘર ચલાવવું ઘણું જ મુશ્કેલ બની રહ્યું છે.- ઇલાબેન પરમાર, ગૃહિણી
તેલમાં ભેળસેળ સામે કાર્યવાહી ચાલુ છે
આગામી સમયમાં ગાંધીનગરથી ટીમ આવવાની છે. જિલ્લામાં ખાદ્ય વસ્તુની સંગ્રહખોરી કરતા લોકો અને ભેળશેળ કરતા લોકો સામે કાર્યવાહી ચાલુ જ છે. હાલ આગામી તહેવારોને લઇ કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કોઇ ભેળસેળ કરતા કે સંગ્રહખોરી કરતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
માલની આવકમાં ઘટાડો થતાં ભાવ વધ્યા
આ વર્ષ બજારમાં કપાસ અને મગફળીની આવક ઓછી તથા પહેલાંથી જ તેલના ભાવમાં વધારો થયો છે, આથી ઉત્પાદન તેલનું ઓછું થતાં ઓછો માલ બજારમાં આવે છે. ઉપરાંત ફ્યુઅલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન સહિતને કારણે વધારો થાય છે. જ્યારે પામ તેલ, સનફ્લાવર માટે અમેરિકા, રશિયા, મલેશિયા સહિતના દેશો પર નિર્ભર ઇન્ટરનેશનલ કાચામાલની અછતને લઇ ભાવ વધી રહ્યા છે. – પીન્ટુભાઇ સુરાણી, વેપારી
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..