‘પીકોક મેન’: દાદાની રાહે મોરની સારસંભાળ કરતો પૌત્ર દાદાના મૃત્યુ બાદ આજે 117 મોરલાઓને સાચવે છે

ઓરિસ્સાના કટક શહેરમાં પર્વતની તળેટીમાં આવેલાં સિદ્ધેશ્વર મંદિરની પાસે આવેલી પીકોક વેલી ઘણી ફેમસ છે. અહીંના મોર સાથે સંકળાયેલા પન્નુ બેહરાની સ્ટોરી ઘણી દિલચસ્પ છે. વર્ષ 1999ના વાવાઝોડાં બાદ ઘાયલ થયેલાં એક મોર અને બે ઢેલની પન્નુએ ખૂબ સેવા કરી હતી. આ મોરની સંખ્યા ધીમે-ધીમે વધીને 60 જેટલી થઈ ગઈ. હાલ આ વેલીમાં કુલ 117 મોર છે. પન્નુએ તેમના છેલ્લા શ્વાસ સુધી મોરની સેવા કરી હતી. તેમના અવસાનને છ વર્ષ થઈ ગયાં છે. આજે 117 મોરની દેખભાળ તેમનો પૌત્ર કાન્હુચરણ રાખે છે. મોર માટે તેણે નોકરી ન સ્વીકારી. કાન્હુના અવાજને 117 મોરલા ઘણી સારી રીતે ઓળખે છે.

મોરની સંભાળ રાખવા પૌત્રએ નોકરી પણ સ્વીકારી નહીં..

મોરલાઓની સારસંભાળ

પન્નુ બેહરા ફાયરિંગ રેન્જમાં હોમગાર્ડની ફરજ બજાવતાં હતા. આ સિવાય તેઓ વૃક્ષો વાવીને તેની સારસંભાળ પણ કરતાં હતાં. વર્ષ 1999માં જંગલમાંથી ત્રણ મોર ભટકીને રેન્જમાં આવી ગયા હતા. ઘાયલ થયેલા મોરની સારવાર કરીને પન્નુએ તેમને જંગલમાં છોડી દીધા હતા, પરંતુ મોરને પન્નુ સાથે લગાવ થઈ ગયો હતો, તેઓ બીજા દિવસે ફરી પન્નુ પાસે આવી ગયા. એ દિવસથી પન્નુ તે લોકોને પાણી અને દાણા ખવડાવતાં. ત્રણ મોર ત્યાંથી ક્યારેય બીજે ગયા જ નહીં અને તેમની વસતી વધવા લાગી.

117 મોરને સાચવવામાં એક દિવસનો ખર્ચ 500 રૂપિયા થાય છે

પૌત્રને જવાબદારી સોંપી

વર્ષ 2013માં પન્નુ નિવૃત્ત થઈ ગયા, પરંતુ રાષ્ટ્રીય પક્ષીના પ્રત્યે તેમનો પ્રેમ અને સમર્પણ જોઈને તેમની સમય સીમા વધારી દીધી. આ દરમિયાન પન્નુના શરીરમાં અસ્થમા રોગ ઘર કરી ગયો હતો, જેને લીધે તેઓ બીમાર રહેવા લાગ્યા. અંતિમ શ્વાસ સુધી પણ તેમને પોતાની ચિંતા નહીં, પણ તેમના ગયા પછી મોરની સારસંભાળ કોણ રાખશે તેની હતી. પન્નુએ તેમના પૌત્ર કાન્હુને આ જવાબદારી સોંપી. શરૂઆતમાં તે દાદા સાથે જતો, આથી મોર તેને ઓળખવા લાગ્યા.નવાઈની વાત તો એ છે કે, પન્નુના મૃત્યુ પછી 10 દિવસ સુધી કોઈ મોર આવ્યા નહીં. ધીમે-ધીમે મોરની સાથે મૈત્રી થઈ ગઈ. હાલ 117 મોરનું ધ્યાન રાખવું અને તેમને પાણી-દાણા આપવા તે કાન્હુની દિનચર્યા થઈ ગઈ છે.

ખર્ચ

મોરના દાણા અને પાણીનો રોજ 500 રૂપિયાનો ખર્ચ થાય છે. કાન્હુ દિવસમાં બે વખત સવારે 6 થી 8 અને બપોરે 3 થી 5 સુધી મોરને દાણા નાખે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, પન્નુના મોત બાદ પીકોક વેલીને બીજો ‘પીકોક મેન’ મળી ગયો.

સરકારે આ વર્ષે કાન્હુને માર્ચ મહિનામાં હોમગાર્ડની નોકરી આપી હતી. બીકોમ પાસ કાન્હુને એક કંપનીએ 18 હજાર રૂપિયા સેલરીની ઓફર કરી હતી, પણ દાદા બાદ કાન્હુએ જ મોરને સાચવવાનું મિશન બનાવી લીધું છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો