ગુજરાતના આ ખેડૂતે જામફળની કરી અનોખી બાગાયતી ખેતી, કમાય છે લાખો
ભાભરના ખારા ગામના ખેડૂતે પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતીમાં જામફળની ખેતી કરી છે. જેમાં વાવણીમાં 3 લાખનો ખર્ચ કરી ગયા વર્ષે સાડા પાંચ લાખ અને ચાલુ વર્ષે સાડા છ લાખનું ઉત્પાદન મેળવે છે. આમ 3 લાખનો ખર્ચ કરી જામફળની એકવાર વાવણી કર્યા બાદ 20 વર્ષ સુધી ઉત્પાદન મળશે. આમ ખેડૂતો બાગાયતી ખેતી કરી લાખો કમાઇ રહ્યા છે.
ભાભર તાલુકાના ખારા ગામના નાગજીભાઇ લક્ષ્મણભાઇ પટેલ જેઓ પહેલાં પારંપારિક ખેતી એરંડા, રાયડો, ઘઉં જેવી ખેતી કરતા હતા. જ્યારે હવે બાગાયતી ખેતીમાં ઝંપલાવ્યું છે. આ અંગે નાગજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ત્રણ વર્ષ પહેલાં 850 પ્લાન્ટ (છોડ) જામફળના લાવ્યા હતા. જેમાં એક છોડ 150 રૂપિયામાં ખરીધ્યો હતો તેમજ વાવણી સહિત અન્ય ખર્ચ મળી કુલ અંદાજે 3 લાખ ખર્ચ કરી વાવણી કરી હતી. જેમાં ઓર્ગેનિક ખેતી કરી ગઇસાલ રૂ. 5.50 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 3 લાખ જેટલું ઉત્પાદન મેળવ્યું છે અને હજું તો 3 થી 3.50 લાખનું ઉત્પાદન મળશે તેવી સંભાવના છે.
જેમાં ઓર્ગેનિક ખેતી હોવાથી ખાતરનો એક રૂપિયાનો ખર્ચ થતો નથી પરંતુ છોડની માવજત પાછળ વર્ષે રૂ. 50 હજાર ખર્ચ થાય છે. જ્યારે આ જામફળની ખેતીમાં વાવણી કર્યા બાદ 20 વર્ષ સુધી ઉત્પાદન મળશે.’ આમ ખેડૂતો બાગાયતી ખેતી એક વાર કરી 20 વર્ષ સુધી ખણખણીયા ગણી રહ્યા છે.