પટેલ ખેડૂતની કમાલઃ ગુજરાતના ‘કડવા કારેલા’ દિલ્હીમાં ફેલાવે છે મિઠાશ
આમ તો કારેલાનું નામ પડતા જ તેના સ્વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠાં છે. કારેલા એ અનેક રોગોની દવા છે. જેમાં તાવ, ડાયાબીટીસ, લીવર, મેલેરીયા, બાળકની ઉલટી, કરમિયા વગેરે જેવી બીમારી કે રોગોમાં કારેલા એ શ્રેષ્ઠ દવા છે. તો આવો આવા ઉપયોગી ઔષધ એવા કારેલાની ખેતી વિશે પણ જાણીએ. પલસાણા તાલુકાના ધામડોદ ગામના અતુલભાઈ ઠાકોરભાઈ પટેલે ચાર વિઘામાં કારેલાનું માતબર ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતમિત્રોને નવી રાહ ચીંધી છે.
વાત છે પલસાણા તાલુકાના ધામડોદ ગામની. એસ.વાય.બી.કોમ સુધી ભણેલા અતુલભાઈ પટેલ કહે છે કે, અમે પહેલા શેરડી જેવા પાકોનું વાવેતર કરતા હતા. પણ કઈંક નવીન પ્રકારની ખેતી કરવાની મનનાં ઉડાણમાં ઝંખના રહેતી. એક દિવસ ગામના જ ખેડૂતમિત્ર એવા મીતેશભાઈ પટેલે કહ્યું કે, ચાલને આપણે બન્ને કારેલાના મંડપ બનાવીએ?
કેવી રીતે પ્રગતિશીલ ખેડૂતે શરૂ કરી કારેલાની ખેતી….
બન્ને મિત્રોએ સાથે મળીને પોતપોતાના ખેતરમાં કારેલાના મંડપ બનાવ્યા. અતુલભાઈએ ૧૬.૧૨ પાકા મંડપ બાધીને ચાર વિધા જમીનમાં કારેલાનું વાવેતર કર્યું. પ્રથમ અમનશ્રી જાતના કારેલાના બીજ લાવીને નર્સરીમાં ટીસ્યુ છોડો તૈયાર કરાવ્યા. જેમાં છોડ દીઠ બે થી અઢી રૂપીયાનો ખર્ચ આવ્યો. આ ઉપરાંત બાગાયત વિભાગની પાકા મંડપની યોજના અન્વયે રૂ.૮૦ હજારની સહાય પણ મંજુર થઈ.
ખેડૂતોને લાભ કરનારી કઈ ખેતી કારેલાના પાકને વધુ ફાયદાકારક છે
અતુલભાઈ કહે છે કે, ખેડૂતોએ આજે નહી તો કાલે ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ અપનાવવી જ પડશે. મે પણ મારા ચાર વિધાના કારેલાના વાવેતરમાં ડ્રિપ ઈરીગેશન પધ્ધતિ અપનાવી છે. જેના ફાયદા વર્ણવતા કહે છે કે, છોડને પુરતું પોષણ પણ મળે, નિદામણ ઓછું થાય છે અને મજુરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. કારેલાના છોડને રોપ્યા બાદ ૫૦ દિવસ પછી કારેલા આવવાના શરૂ થઈ ગયા. ચારથી પાંચ દિવસે કારેલાનો ઉતારો લેવામાં આવે છે. જેમાં સરેરાશ ૫૦ થી ૫૫ મણ જેટલા કારેલાનો ઉતારો આવે છે. અત્યારસુધીમાં ૫૦ થી ૬૦ હજાર દવાનો ખર્ચ થયો છે.
કેવા મળે છે કારેલાના ભાવ
કારેલાના બજાર ભાવ અંગે વાત કરતા કહે છે કે, અમારા કારેલા સરદાર માર્કેટમાં જાય ત્યાંથી સીધા ટ્રેન મારફતે દિલ્હીની બજારોમાં જાય ત્યાં ધૂમ વેચાણ થાય છે. અહીના કારેલા પ્રમાણમાં મોટા અને દળદાળ હોવાથી દિલ્હીમાં ભારે માંગ રહે છે. શરૂઆતમાં ૩૦૦ થી ૩૫૦ મણદીઠ ભાવ આવતો.
વિઘા દિઠ કેટલું ઉત્પાદન થાય છે
ખેડૂતની કુલ મળીને અંદાજે ૮ લાખનું ઉત્પાદન મળશે. એટલે ચાર વિધાના કારેલાના વાવેતરમાં ૮ લાખના ઉત્પાદનની સામે અત્યાર સુધીમાં દવાઓ, મંજુરી પાછળ બે લાખનો ખર્ચ બાદ કરતા સાડા પાંચથી છ લાખનું વળતર મળ્યું એમ કહી શકાય.
અતુલભાઈ કહે છે પહેલા ખેડૂત પોતાની જાતે ખેડ્યા કરતો, પણ હવે, છેલ્લા કેટલા વર્ષોથી યોજાયેલા ‘કૃષિ મહોત્સવ’ને કારણે અદ્યતન ખેતીનું માર્ગદર્શન સાથે સહાય એક આધાર બની જાય છે.અને આખરે ખેડૂતની કોઠાસુઝથી આ પ્રકારની ખેતી શક્ય બની છે.