પટેલ પરિવારે પરિવારના સદસ્યોની જેમ જ ગાયની અંતિમવિધિ પોતાના ઘરના પટાંગણમાં જ કરી
ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં ગાયને માતાનો દરરોજો આપવામાં આવ્યો છે એટલું જ નહીં આપણે ત્યાં ગાયની પૂજા પણ કરવામાં આવી છે. પરંતુ એવું ભાગ્યે બન્યું હશે કે ગાયને એક માણસની જેમ અંતિમવિધિ કરી વિદાય આપી હોય. આવું જ બન્યું છે કોટડા સાંગાણી તાલુકાના શીશક ગામે. અહીં પટેલ પરિવારને ત્યાં ગંગા નામની ગાયનું મોત નિપજતા પટેલ પરિવારે પરિવારના સદસ્યોની જેમ જ ગાયની અંતિમવિધિ પોતાના ઘરના પટાંગણમાં જ કરી હતી.
પરિવારના સભ્યની જેમ આપી વિદાય
વર્તમાન સમયમાં પાલતુ પશુના મોત બાદ ઘણા લોકો તેના મૃતદેહને રઝળતા મુકી દેતાં હોય છે અથવા વેચી નાખતા હોય છે ત્યારે આવા સમયે જ સમાજને એક નવો રાહ ચીંધતું કાર્ય કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામે રહેતા બાવનજીભાઇ સગપરીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, આ પટેલ પરિવાર દ્વારા 17 વર્ષ પહેલા ગોંડલ તાલુકાના બંધિયા ગામેથી ગંગા નામની વાછરડી ઘરે લાવવામાં આવી હતી અને તેનો નિભાવ પરિવારના સદસ્યોની જેમ જ કરવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા જ ગંગાએ પ્રસૂતિની પીડા સહન કરી લક્ષ્મીરૂપી વાછરડીને જન્મ આપ્યો હતો, બાદમાં તેનું અકાળે મોત નિપજતા પટેલ પરિવાર શોકમગ્ન બન્યો હતો અને ગંગાને પોતાના પરિવારના સભ્યની જેમ જ અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું હતું.
ઘરમાં જ કરી અંતિમવિધિ
બાવનજીભાઇ એ પોતાના ઘરના પટાંગણમાં જ જેસીબી મશીન બોલાવી ઊંડો ખાડો ખોદાવ્યો હતો અને ગંગાને સાડી, બંગડી, ચાંદલા, પાવડર, કાંસકો, તેલ વગેરે અર્પણ કરી દુલ્હનની જેમ શણગાર કરી અંતિમ વિધિ કરવામાં આવી હતી. પરિવારના સદસ્ય સમી ગંગા નામની ગાયનો અવસાન થતાં આ પટેલ પરિવાર દ્વારા ધાર્મિક વિધિ તેમજ 21 ગોરણી જમાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમાજને એક નવો રાહ ચીંધતું કાર્ય કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામે રહેતા પટેલ પરિવારે કર્યું
આ પટેલ પરિવાર દ્વારા 17 વર્ષ પહેલા ગોંડલ તાલુકાના બંધિયા ગામેથી ગંગા નામની વાછરડી ઘરે લાવવામાં આવી હતી
બે દિવસ પહેલા જ ગંગાએ પ્રસૂતિની પીડા સહન કરી લક્ષ્મીરૂપી વાછરડીને જન્મ આપ્યો હતો
પરિવારના સભ્ય સમાન ગાયનું અકાળે મોત નિપજતા પટેલ પરિવાર શોકમગ્ન બન્યો હતો