ઓછી આવકનો દાખલો આપી 6 લાખ આવક ધરાવતા વાલીઓએ RTE હેઠળ સંતાનોનો પ્રવેશ મેળવી લીધો! ​એડમિશન મેળવનારા વાલીઓની આવક અંગે શંકા જતા સ્કૂલોએ ખાનગી રાહે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો

ઈન્કમટેક્સ રિટર્નમાં 6 લાખની આવક બતાવનારા વાલીઓએ ખોટા પુરાવા રજૂ કરીને 1.5 લાખનો આવકનો દાખલો રજૂ કરી તેમના સંતાનોને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત પ્રવેશ અપાવ્યો હતો. આ અંગે શંકા જતા સ્કૂલોએ ખાનગી રાહે તપાસ કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ખોટા પુરાવાને આધારે એડમિશન મેળવનારા આવા 15 વાલી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ગરીબ પરીવારના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં 25 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓનો ખર્ચ સરકાર સ્કૂલોને ચૂકવે છે. ગત વર્ષે થયેલા આરટીઈના એડમિશનની સ્કૂલોએ પોતાની રાહે તપાસ કરાવી તો ચોંકવનારી વિગતો સામે આવી હતી.

એક વાલીનો આવકનો દાખલો માત્ર 1.50 લાખનો હતો, જ્યારે એ જ વાલીએ પોતાના આઈટી રિટર્નમાં 5.91 લાખ આવક દર્શાવી છે. ચોંકાવનારી વાત એ છે કે જે આવકના દાખલાને આધારે આરટીઇમાં પ્રવેશ અપાય છે, તે મેળવવા કોઇ બેંક ડિટેઇલ, પાનકાર્ડ કે આઈટી રિટર્ન મગાતું નથી. આવકના દાખલા માટે વ્યક્તિ પાસેથી માત્ર રેશનકાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ, લાઇટ બિલની ફોટોકોપી, તલાટીનો દાખલો અને વ્યક્તિનું સોગંદનામું જ મગાય છે. સરકાર ખરેખર જો ગરીબ વાલીઓના બાળકોના અભ્યાસમાં સુધારો ઇચ્છતી હોય તો તેમણે આવકનો દાખલો કાઢવાની પદ્ધતિમાં ફેરફાર કરવો જોઇશે.

સ્કૂલોએ એજન્સી રોકીને ખાનગી રાહે તપાસ કરાવી હતી
સ્કૂલોએ આરટીઇમાં ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવેલા વાલીઓને પકડવા માટે એજન્સી રોકી તપાસ કરાવી હતી. જેના માટે સ્કૂલોએ વિદ્યાર્થીદીઠ 8-10 હજારનો ખર્ચ કર્યો હતો.

પ્રાથમિક નિયામક કચેરીમાં પણ 3 વાલી સામે ફરિયાદ થઈ
ખોટા દસ્તાવેજને આધારે આરટીઇમાં પ્રવેશ મેળવેલા શહેરના 15 વાલીઓ સામે ડીઈઓ કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક નિયામકની ઓફિસમાં પણ 3 વાલીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આવકના દાખલા માટે માગવામાં આવતા પુરાવાઓની યાદી
આવકના દાખલાના ફોર્મ માટે રેશનકાર્ડ, આધારકાર્ડ, લાઈટ બિલ, તલાટીનું પ્રમાણપત્ર ઉપરાંત આવકના પુરાવા તરીકે આઈટી રિટર્ન, બેંક સ્ટેટમેન્ટનો ઉલ્લેખ છે પરંતુ મોટાભાગના કેસમાં મામલતદાર કચેરીઓમાં આ પુરવાર મગાતા નથી માત્ર વ્યક્તિનું સેલ્ફ ડેક્લેરેશન લઈને ઓછી આવકનો દાખલો આપી દેવાય છે.

આવકના દાખલાની પદ્ધતિમાં ફેરફાર કરો
ગરીબ બાળકોને સારી સ્કૂલોમાં સારું શિક્ષણ મળે તે માટે સરકારની આ યોજના છે, પરંતુ ધનિક અને વગદાર વાલીઓ ખોટી રીતે તેમના બાળકોના પ્રવેશ આરટીઈ અંતર્ગત મેળવી લે છે. સરકારે આવકના દાખલા કાઢવાની પદ્ધતિમાં ફેરફાર કરવો જોઇએ. આવકના દાખલા માટે આઇટી રિટર્ન, પાનકાર્ડ કે બેંક સ્ટેટમેન્ટ તો માગવું જ જોઇએ. – સંદીપ મુંજપરા, RTE એક્ટિવિસ્ટ

કિસ્સો 1ઃ ITRમાં 5.91 લાખ અને આવકનો દાખલો 1.50 લાખનો
સેટેલાઇટની એક જાણીતી સ્કૂલમાં પ્રશાંત ગજ્જરના પુત્રને આરટીઇ અંતર્ગત ધો.1માં પ્રવેશ ફાળવાયો હતો. પિતાએ વેજલપુર મામલતદાર કચેરીથી 1.50 લાખનો આવકનો દાખલો મેળવી જમા કરાવ્યો પરંતુ આઈટી રિટર્નની તપાસ કરતાં વાલીની વાર્ષિક આવક 5.91 લાખ હતી.

કિસ્સો 2ઃ ITRમાં 5.58 લાખ, આવકનો દાખલો 85 હજારનો
બોપલમાં આવેલી સ્કૂલમાં રાજુ રમેશભાઇ ગુજરાતીની પુત્રીને આરટીઇ અંતર્ગત પ્રવેશ અપાયો હતો. વાલીએ બોટાદ મામલતદાર કચેરીથી મેળવેલા આવકના દાખલામાં આવક 85 હજાર દર્શાવી હતી. ઈન્કમ ટેક્સ રિટર્નમાં તેમની આવક 5.58 જોવા મળી હતી.

કિસ્સો 3ઃ RTE અંગે તપાસ આવતા એડમિશન પાછું ખેંચ્યું
બોપલની ખાનગી સ્કૂલમાં પ્રજ્ઞેશ પટેલે પોતાના સંતાનના આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે ધોળકા તાલુકા પંચાયતમાંથી 75 હજારની આવકના દાખલા મેળવ્યો હતો, પરંતુ તેમની ખરી આવક તપાસતાં 3.23 લાખ જાણવા મળી હતી. તપાસ આવતા વાલીએ એડમિશન પાછું ખેંચી લીધું હતું.

કોરોનામાં આર્થિક સંકડામણ થતા RTE હેઠળ એડમિશન લીધું
મારી આવક કોરોનામાં સાવ ઓછી થઇ ગઇ હોવાથી આરટીઇમાં એડમિશન લીધું હતું, પરંતુ મારી આવક વધતા જ બાળકનું એડમિશન રદ્દ કરવાની નોર્મલ ફી સાથે અભ્યાસ કરાવાનું નક્કી કર્યું હોવાતી હાલ મેં આરટીઈમાં એડમિશન કેન્સલ કરાવ્યું છે. – પ્રશાંત ગજ્જર, વાલી

આરટીઈના નિયમ અંગે મને કોઇ જાણકારી ન હતી, આ બાબતે મને સ્કૂલ તરફથી જાણકારી આપતા મેં એડમિશન રદ્દ કરાવી દીધું હતું. આવકનો દાખવો કઢાવવા માટે મેં કોઇપણ પૈસાનો વ્યવહાર કર્યો ન હતો. – પ્રજ્ઞેશ પટેલ, વાલી

દાખલો કઢાવવા માટે મારી પાસે આવક અંગેના કોઈ પ્રમાણપત્ર મગાયા ન હતા
મારો મિત્ર એજન્ટ છે તેની પાસેથી મેં કોઇ પૈસા વગર દાખવો કઢાવ્યો હતો. દાખલો કઢાવવા દરમિયાન મારી પાસેથી કોઇપણ પ્રકારના આવકના પ્રમાણપત્રો માંગવામાં આવ્યા ન હતા. હાલમાં અમે આરટીઇનું એડમિશન રદ્દ કરાવ્યું છે. > રાજુભાઈ ગુજરાતી, વાલી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો