આયુર્વેદનાં ઉત્તમ પિત્તશામક ઔષધોમાં જેની ગણતરી થાય છે તે ઔષધ: શતાવરી, તેના ફાયદા અને ઉપયોગની રીત જાણો અને શેર કરો

આયુર્વેદમાં એકલા પિત્તદોષથી થતા ૪૦ પ્રકારના રોગોનું વિવરણ કરવામાં આવ્યું છે. અન્ય દોષો સાથે પિત્તદોષના સંયોગ કે સહયોગથી બીજા અનેક રોગ ઉત્પન્ન થાય છે. આ વિકૃત પિત્તના શમન માટે આયુર્વેદમાં અનેક પિત્તનાશક ઔષધો પણ દર્શાવાયાં છે. જેમાંથી વૈદ્યો પિત્તના વિભિન્ન રોગોમાં સૌથી વધારે કયું ઔષધ પસંદ કરીને વાપરે છે, તે આપ જાણો છો? એ ઔષધનું નામ છે, ‘શતાવરી’. આયુર્વેદનાં ઉત્તમ પિત્તશામક ઔષધોમાં તેની ગણતરી થાય છે. તો આવો આ વખતે આ શતાવરી વિશે કંઈક જાણીએ

પરિચય

આ શતાવરીને આયુર્વેદમાં ‘બહુપત્રા’ પણ કહેવામાં આવે છે. વર્ષાઋતુની શરૂઆતમાં આ શતાવરીની કંટકોયુક્ત વેલને અસંખ્ય પર્ણો-શાખાઓ ફૂટી નીકળે છે. એટલે જ કદાચ તેને ‘બહુપત્રા’ નામ અપાયું હશે. આ શતાવરીની વેલને પુષ્પો થયા પછી ફળ પણ આવે છે, પરંતુ ઔષધ તરીકે તો તેનાં મૂળ-કંદનો જ વધારે ઉપયોગ થાય છે. આયુર્વેદીય કાચાં ઔષધો વેચતા વેપારી-ગાંધીને ત્યાંથી તમે તેનાં મૂળિયાં લાવીને તેનો પિત્તશામક ઘરગથ્થુ ઔષધ તરીકે ઉપયોગ કરી શકો.

આયુર્વેદીય મતે શતાવરી સ્વાદમાં મધુર અને કડવી, શીતળ, જઠરાગ્નિવર્ધક, પચવામાં ભારે, રસાયન, પૌષ્ટિક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, ધાવણવર્ધક, વાજીકરણ અને આંખો માટે હિતકારી છે. તે પિત્ત,વાયુ, કફ, ક્ષય, રક્તદોષ અને સોજાનો નાશ કરનાર છે.

ઉપયોગ

જેમને પિત્તપ્રકોપને લીધે નાનીમોટી તકલીફો થયા કરતી હોય તેમણે શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ. ગાંધીને ત્યાંથી સારી જાતનાં એટલે કે સડેલાં ન હોય, એવાં સારાં-પુષ્ટ મૂળિયાં લાવી, તેને સાફ કરી ખૂબ ખાંડીને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બાટલીમાં ભરી રાખવું. પછી જ્યારે જરૂર જણાય ત્યારે આ શતાવરી ચૂર્ણનો ઉપયોગ કરવો. ચૂર્ણ ઔષધો સામાન્ય રીતે બેથી ત્રણ મહિને પોતાના ઔષધીય ગુણો ગુમાવતાં હોય છે એટલે જરૂર પૂરતું જ ચૂર્ણ બનાવવું.

પિત્તપ્રકોપ થાય ત્યારે ઉગ્ર થયેલું પિત્ત પોતાના ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોને લીધે શરીરના કોઈપણ ભાગમાં જેવા કે ગળું, જીભ, તાળવું, હોજરી, આંતરડાં, મળદ્વાર, યોનિપ્રદેશ અને ગર્ભાશયમાં વગેરે કોઈપણ જગ્યાએ ચાંદાં પાડી શકે છે. આવા પિત્તપ્રકોપજન્ય ચાંદાં-અલ્સરમાં શતાવરી ઉત્તમ પરિણામ આપે છે. શતાવરી ચૂર્ણનું સેવન દૂધ સાથે કરવાથી આવી તકલીફો મટે છે.

જેમને વારંવાર એસિડિટીની તકલીફ થતી હોય તેમણે સૌપ્રથમ તો પિત્ત વધારનાર આહાર, વિહારનો ત્યાગ કરવો જોઈએ. ત્યારબાદ પિત્તશામક શતાવરીનો ઉપયોગ કરવાથી અમ્લપિત્ત-એસિડિટી જેવી પિત્તની અનેક તકલીફો મટે છે.

કેટલાકનાં શરીર ગરમ રહેતાં હોય છે. અંદરથી શરીર ગરમ હોય એવી અનુભૂતિ થાય, વારંવાર મોઢા, જીભ કે તાળવામાં ચાંદાં પડતા હોય, શરીરની આંતરિક ગરમીને લીધે વજન વધતું ન હોય, શરીર દૂબળું રહેતું હોય એવી વ્યક્તિઓએ શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રીઓને થતા રક્તપ્રદર રોગમાં શતાવરી ઉપયોગી છે. આવી તકલીફોમાં શતાવરી, જેઠીમધ અને નાગકેસરનું સમભાગ ચૂર્ણ બનાવી લેવું. એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ ઠંડા દૂધ અથવા પાણી સાથે લેવાથી રક્તપ્રદરમાં સારો લાભ થાય છે. મધ સાથે શતાવરી ચૂર્ણ લેવાથી શ્વેતપ્રદર એટલે કે સ્ત્રીઓને થતી વ્હાઈટ ડિસ્ચાર્જની તકલીફમાં ફાયદો થાય છે.

૨૫૦ ગ્રામ જેટલા દૂધમાં એક ચમચી શતાવરી ચૂર્ણ, એક ચમચી જેટલો સાકરનો ભુક્કો અને બે ચમચી ગાયનું ઘી નાંખી તેને ગરમ કરવું. બરાબર ઊકળે ત્યારે તેને ઠંડું પાડી ધીમેધીમે પી જવું. આ પ્રયોગમાં વપરાતાં શતાવરી, દૂધ, સાકર અને ઘી આ ચારેય દ્રવ્યો પરમ પિત્તશામક છે. લાંબા સમય સુધી તેનો નિયમિત ઉપયોગ કરવાથી તથા તે સાથે જરૂરી પરેજી પાળવાથી વર્ષો જૂની-ક્રોનિક પિત્તની તકલીફો મટી જાય છે. જેમને વજન વધારવું હોય તેમણે આ પ્રયોગમાં અશ્વગંધા અને જેઠીમધનો ઉંમર પ્રમાણે અડધીથી એક ચમચી જેટલો ઉમેરો કરવો.

વૈદ્ય પ્રશાંત ગૌદાની

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો