કૌભાંડની ફાઈલો દેખાડી BJP ‘આશ્રિત’ વોરાએ સરકારનું નાક દબાવ્યું, ગીત ગાઇને કહ્યું ‘અબ ચૈન સે રહને દો, મેરે પાસ ના આઓ’
ભાજપ-RSS આશ્રિત અસિત વોરાએ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન- AMCની ગેરરીતિઓ, કૌભાંડોની ફાઈલો દેખાડીને 100 દિવસની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નાક દબાવી ગૌણ સેવા પસંદગી મંડળ-GSSSB ચેરમેનનું પદ જાળવી રાખ્યાની અટકળો વહેતી થઈ છે. સામાન્ય વહિવટ વિભાગ- CM મુખ્યમંત્રીને હસ્તક છે. આથી, તેરી ભી ચૂપ- મેરી ભી ચૂપના ખેલમાં GSSSB હેડ ક્લાર્કના પેપર લિકેજકાંડ સાથે વાઈબ્રન્ટ રહેલી દલાલ સ્ટ્રીટ સામે GADની તપાસ સુધ્ધા થઈ શકી નથી.
વર્ષ 2014ની 29મી જાન્યુઆરીએ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારમાં GSSSBમાં અસિત વોરાની નિમણૂંક થઈ હતી. તે પહેલા તેઓ AMCમાં મેયર હતા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા. AMCમાં અધિકાંશ નિર્ણયો, ટેન્ડરને આખરી મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જ થાય છે. AMCમાં ભાજપના કહેવાથી જે કંઈ ખોટા કામો કર્યા હતા તેનો ભ્રષ્ટાચાર એક યા બીજી રીતે ખુલ્લો પાડવાની ધમકી વોરાએ મુખ્યમંત્રી પટેલને આપ્યાનું સચિવાલયમાં ચર્ચાય છે. આથી, GADમાં પેપરકાંડમાં તપાસ કમિટી રચવાની પ્રક્રિયા ઉપર જ બ્રેક વાગ્યાનો તર્ક બ્યુરોકેટ્ર્સમાં રજૂ થઈ રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, GSSSBએ GADને આધિન સરકારી ભરતી સંસ્થાન છે. GADના કેબિનેટ મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે જ છે. વર્ગ-૩ના સામાન્ય કર્મચારી સામે ગેરરીતિના આક્ષેપ સામે તપાસ કમિટીઓ રચવાનો નિર્ણય કરતી સરકારે પેપરકાંડ જેવા ગંભીર અને અત્યંત સંવેદનશીલ વિષયમાં ભાજપ- RSS આશ્રિતને બચાવતા વોરા- પટેલની જુગલજોડીના કાંડનો ઈતિહાસ આસ્તે આસ્તે બહાર આવી રહ્યો છે.
નાની માછલીઓને પકડતી પોલીસે ચેરમેનની પૂછપરછ પણ કરી નથી
હેડ ક્લાર્કના પેપર લિકેજકાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગર રેન્જથી લઈને સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ સુધીની પોલીસ રોજેરોજ નવા આરોપીઓને પકડી રહી છે. જો કે, 15 દિવસ પછી હજી સુધી જેના તાબા નીચે પેપર ફૂટયા છે તે ચેરમેન અસિત વોરાને એક પણ વખત પુછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા નથી.
ASI To PSI ની ખાતાકીય બઢતી પરીક્ષામાં ગરબડ કરનારા અસિત વોરાના કાંડથી પોલીસ પણ પરિચીત છે પરંતુ, રાજકીય આકાના દબાણને વશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ નિયમોની ઐસિતૈસી કરી રહ્યાની હૈયાવરાળ યુવા ઉમેદવારો ઠાલવી રહ્યા છે.
મુદ્રેશને બચાવવા બાથરૂમવાળી થિયરીને બૂચ, CCTV જ નથી !
સુર્યા ઓફસેટના સુપરવાઈઝરે બાથરૂમ જવાના બહાને હેડ ક્લાર્કનુ પેપર લિક કર્યાની થિયરી જાહેર કરનાર પોલીસ તેના CCTV ફુટેજ લાવી શકી નથી. સત્તાવારપણે પોલીસ બોલવા તૈયાર નથી પરંતુ, ખાનગીમાં સુર્યા ઓફસેટમાં CCTV જ નથી એવો ઢોલ પીટે છે. જે મુદ્રેશ પુરોહિત અને અસિત વોરાને બચાવવાના સંદેહને વધુ મજબૂત કરી રહ્યો છે. જેનો ઈતિહાસ જ ગુનાહિત છે તે સુર્યા ઓફસેટને GSSSB ચેરમેને પ્રશ્નપત્ર છપાવવા સળંગ ત્રણ વર્ષનો કરાર કેવી રીતે આપ્યો તેના નિર્ણયની દસ્તાવેજી તપાસને જ બંધ કરી દેવાઈ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે.
અસિત વોરાએ ગીત ગાઇને કહ્યું ‘અબ ચૈન સે રહને દો, મેરે પાસ ના આઓ’
હેડ કલાર્કની પરીક્ષાના પેપરલીક થવાના લીધે નોકરી વાંચ્છુક યુવાનોના સપના ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે પેપરલીક કાંડમાં ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ ઊઠી છે. એટલે પરિસ્થિતિને જોતા ચેરમેન પદેથી વોરાએ સ્વૈચ્છીક રાજીનામું આપી દેવું જોઇએ પરંતુ અહીં તો લાજવાના બદલે બેશર્મીની હદ વટાવીને અસીત વોરાએ તા.૨૬ ડિસેમ્બરે યુ-ટયુબ ચેનલ ઉપર ગીત ગાતો એક વીડિયો મુક્યો હતો. જેમાં તેઓ પોતાના બચાવમાં જાણે ગીત ગાઇને કહી રહ્યા છે કે ‘ભૂલી હુઇ યાદે ઇતના ના સતાઓ, અબ ચૈન સે રહને દો, મેરે પાસ ન આઓ’ . જો કે આ વિડિયો મુક્યા બાદ તેમના રાજીનામાની માગ સહિતની વિવાદિત કોમેન્ટો આવવા લાગતાં તેમણે વિડિયોમાં કોમેન્ટ બોકસ જ બંધ કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..