ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરાયું, હૃદય રશિયાના બાળકમાં અને ફેફસાં યુક્રેનના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન આપ્યું
રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી એક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. પત્રકાર પિતાએ સંમતિ આપતાં જ જશનું હ્રદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે રશિયાના 4 વર્ષના બાળકને જશના હ્રદયનું અને યુક્રેનના 4 વર્ષના બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.
તા.9 ડીસેમ્બરના રોજ જશ પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી બાલ્કનીમાંથી અકસ્માતે નીચે પટકાયો હતો. જેથી માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.14 ડીસેમ્બરના રોજ તબીબોએ જશ બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું. પોતાનો વ્હાલસોયો પુત્ર બ્રેઈનડેડ છે તે સાંભળીને પિતા સંજીવ, માતા અર્ચના તેમજ પરિવારના અન્ય સભ્યો ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું.
14 ડિસેમ્બરના રોજ જશની સારવાર કરતા પીડીયાટ્રીક ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સ્નેહલ દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ડૉ.જયેશ કોઠારી અને ડૉ.કમલેશ પારેખે જશને તપાસી તે બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું. જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા તેઓએ હૃદય ઉપર પથ્થર મૂકી કહ્યું કે નિલેશભાઈ આજે મારો બાબુ (જશનું લાડકું નામ) ભલે નથી રહ્યો પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર પછી પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી.
ઓઝા પરિવાર તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ના હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. ROTTO મુંબઈમાં પણ આ બ્લડગ્રુપનું કોઈ દર્દી ના હોવાથી NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ના હોવાને કારણે ચેન્નાઈની એમ.જી.એમ.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેન ની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાંની ફાળવણી કરી હતી.
SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases an d Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા.ચેન્નાઈથી સુરત આવી હૃદય અને ફેફસાનું દાન ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલના ડૉ. મોહન અને તેમની ટીમે તથા કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમેઆવી સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
સુરતની અમૃતા હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 180 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટસુરેન્દ્રનગરની રહેવાસી 13 વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી 17 વર્ષીય બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૨ વર્ષીય બાળકીમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે અમૃતા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 265 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ભારતીય પીડિયાટ્રિક દર્દી ન હોવાના કારણે વિદેશી બાળકોને હૃદય અન ફેફસાં ફાળવ્યાં
ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ના હોવાને કારણે મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. મુંબઈમાં આ બ્લડગ્રૂપનું કોઈ દર્દી ના હોવાથી દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં કોઈ ભારતીય પીડિયાટ્રિક દર્દીના હોવાને કારણે ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રશિયા અને યુક્રેનના 4 વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતુ. જ્યારે બે કિડની પૈકી એક કિડનીનું સુરેન્દ્રનગરની 13 વર્ષીય બાળકીને અને બીજી કિડની સુરતની 17 વર્ષીય કિશોરીને જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની 2 વર્ષીય બાળકીમાં કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..