આ વૃદ્ધ પિતાની હાલત તો જુઓ, ત્રણ દીકરા નોકરિયાત છે અને બીજા ત્રણ બિઝનેસમેન છે પરંતુ વૃદ્ધ પિતાને કોઈ રાખવા માંગતું નથી
પિતા 6 સંતાનનું પાલન પોષણ કરીને તેને શિક્ષિત બનાવીને આખી જિંદગીની મૂળી ખર્ચીને આત્મનિર્ભર કરી શકે છે. પરંતુ આ 6 સંતાન તેના એક વૃદ્ધ પિતાને આશરો નથી આપી શકતાં આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાં બની છે. અહીં એક પિતાએ તેના 6 દીકરાને ભણાવવામાં અને તેનો બિઝનેસ શરૂ કરાવવામાં જિંદગીની મૂળી ખર્ચી નાખી પરંતુ જ્યારે સંતાન આત્મનિર્ભર બની ગયા તો તેમના માટે પિતા પણ એક બોજ બની ગયા.
આ વૃદ્ધ માતા-પિતાને સંતાન તેની જોડે રાખવા તૈયાર ન હતા. આ સ્થિતિમાં પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યાં. કોર્ટે દરેક પુત્રને મહિને 2 હજારનો ખર્ચ આપવાનો આદેશ કર્યો. આ રીતે છ સંતાન 12 હજાર રૂપિયા જમા કરી દેતા હતા પરંતુ એને અલગ રાખીને તેના નિર્વાહ માટે થોડો ખર્ચ આપતા હતા. જો કે માતાના મોત બાદ પિતાને ખર્ચ આપવાનું પણ બંધ કરી દીધું. પાઈ-પાઈ માટે વૃદ્ધ પિતા મોહતાજ થઇ ગયા.
ફેમિલી કોર્ટનું લીધું શરણું
થાકી હારીને આખરે વૃદ્ધ પિતાએ ફેમિલી કોર્ટનું શરણું લીધું. ન્યાયાલયની કાઉન્સલર સરિતા રાજાણીએ તેમના 6 દીકરાને બોલાવ્યા અને કાઉન્સલિંગ કરી. દીકરાએ જણાવ્યું કે, માના મોત બાદ પિતા એકલા જ છે તો હવે તેનો શું ખર્ચ હોય. તે અમે આપેલા બધા જ પૈસા મોટી દીકરી પર ઉડાવી દે છે.
કાઉન્સલરે કહ્યું બમણી થઇ શકે છે રકમ
કાઉન્સલરે દીકરાને જણાવ્યું કે, જો કોર્ટના આદેશ મુજબ રકમ નહીં આપવામાં આવે તો કોર્ટ આ રકમ બમણી પણ કરી શકે છે. જ્યારે રકમ વધી જવાની વાત કરી તો દીકરા 2-2 હજાર આપવા માટે તરત જ તૈયાર થઇ ગયા ત્યારબાદ કાઉન્સલરે તેનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો. કોર્ટે દર મહિનાની 10 તારીખે રકમ પિતાના ખાતામાં જમા કરી દેવાનો આદેશ કર્યો તેમજ કોર્ટમાં રકમ જમા કર્યાની રિસિપ્ટ પણ રજૂ કરવાના આદેશ આપ્યાં.
વૃદ્ધ પિતાએ જણાવ્યું કે, ‘ત્રણ દીકરા નોકરિયા અને ત્રણ છે બિઝનેસમેન’
વૃદ્ધ પિતાએ કાઉન્સલરને જણાવ્યું કે, તેમના ત્રણ દીકરા પ્રાઇવેટમાં નોકરી કરે છે. તેમાંથી બેની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ સારી છે અને એકની થોડી નબળી છે.અન્ય ત્રણ દીકરા બિઝનેસ કરે છે.
ભરણપોષણ ન આપનારને ત્રણ માસની જેલ અને દંડ
ભરણપોષણ અને કલ્યાણ ધારા 2007માં 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને સિનિયર સિટીજન માનવામાં આવે છે. દીકરી-દીકરા, પૌત્ર કે પૌત્રી પર તેની સારસંભાળની જવાબદારી છે. જો સંતાન ન હોય તો તેની પ્રોપર્ટી પર ક્લેમ કરનારે તેની સારસંભાળ લેવાની રહે છે. જો કોઇ તેના માતા-પિતા કે દાદા-દાદીને સાચવવા માટે તૈયાર ન હોય તો એસડીએમ તેમને દર મહિને દસ હજારનું ભથ્થુ અપાવી શકે છે. જો તે આ ભથ્થુ ન આપે તો 5 હજાર સુધીનો દંડ અને ત્રણ મહિનાની જેલની સજા થઇ શકે છે.